સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રણજિત પટેલ ‘અનામી’/બ. ક. ઠા.


બ. ક. ઠા. એટલે પ્રો. બલવંતરાય કલ્યાણરાય ઠાકોર. એમના ‘ભણકાર’ નામના કાવ્યસંગ્રહથી હું પરિચિત. એમને પ્રથમ વાર મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું ૧૯૩૮માં હું અમદાવાદની ગુજરાત કોલેજનો વિદ્યાર્થી હતો ત્યારે. ગુજરાતીના મારા પ્રોફેસર અનંતરાય રાવળની પ્રસ્તાવના સાથે મેં ‘કાવ્યસંહિતા’ નામે કાવ્યસંગ્રહ પ્રગટ કરેલો કોલેજના પ્રથમ વર્ષમાં. તાકડે પ્રો. ઠાકોર અમદાવાદમાં એમના મિત્ર શ્રી રતિલાલ લાખિયાને બંગલે હતા. રાવળ સાહેબની સૂચનાથી હંુ મારો કાવ્યસંગ્રહ તેમને ભેટ આપવા ગયો. મોટી મોટી મૂછો, ટૂંકી ગરદન, ‘પ્રચંડ દેહયષ્ટિ’, વિચિત્ર પહેરવેશ ને વેધક આંખો. પગે લાગીને, રાવળ સાહેબની સૂચના અનુસાર આપને મારો આ કાવ્યસંગ્રહ ભેટ આપવા આવ્યો છું એમ કહી, ‘કાવ્યસંહિતા’ એમના કરકમલમાં મૂકી. મારો કાવ્યસંગ્રહ ટેબલ ઉપર મૂકી મને કહે: “મારો એક ભાણો છે. એ પણ કાવ્યો લખવા લાગ્યો. મેં એને કહ્યું: અલ્યા! કાવ્યો લખનાર હું નથી તે પાછો તું મંડી પડ્યો?” આટલું બોલી મારો કાવ્યસંગ્રહ હાથમાં લઈ, થોડાં પાનાં ફેરવી પુસ્તકને ટેબલ પર પછાડી મને કહે: “બ્રહ્મચર્ય પાળો, બ્રહ્મચર્ય...” પાંચેક સેકન્ડ બાદ બોલ્યા: “કલમનું.” ચા-પાણીનું પત્યા બાદ મને કહે: “નવજવાન, હવે તું ક્યાં જવાનો?” મેં કહ્યું: “મારી હોસ્ટેલે. આપને કોઈ કામ હોય તો ફરમાવો.” તો કહે: “આંબાવાડીમાં મારે મારા પરમ મિત્ર પ્રો. આણંદશંકર ધ્રુવને ‘વસંત’ બંગલે જવું છે. તું તારો ખભો મને ધીરીશ?” મેં કહ્યું: “એક નહીં, બે.” ધ્રુવ સાહેબનો બંગલો બહુ દૂર નહોતો એટલે વાતો કરતા કરતા ‘વસંત’ બંગલે આવી પહોંચ્યા. પાંચેક મિનિટ રોકાઈને જ મારી હોસ્ટેલ ભેગો થઈ ગયો. પછી તો એ પ્રકાંડ વિદ્વાનનું ત્રણેક વાર દર્શન થયું. ૧૯૪૩માં ‘વિદ્યાસભા’ના ઉપક્રમે તેમણે નવીન કવિતા-વિષયક વ્યાખ્યાનો આપેલાં. વ્યાખ્યાનો પ્રો. ઉમાશંકરભાઈએ વાંચેલાં. ત્યારે એમણે એમના ‘લિરિક’ની પચાસેક નકલો ઉમાશંકરભાઈને આપેલી—વેચવા માટે સ્તો. એમાં ‘લિરિક’ નામના કાવ્યપ્રકારની પર્યેષણા છે. સરસ પાકા બાઇન્ડંગિવાળું આ પ્રકાશન—મૂળ કિંમત તો રૂપિયાથી ઓછી નહોતી પણ—ચચ્ચાર આનામાં કાઢવામાં આવેલું. હાથમાં ‘લિરિક’ની નકલ રાખી ઉમાશંકરભાઈ એમના કેટલાક વિદ્યાર્થીઓ સમક્ષ બોલતા: “લઈ લ્યો, લઈ લ્યો! ફક્ત ચાર જ આનામાં આવી લિરિકની પર્યેષણા તમને અન્યત્ર વાંચવા નહીં મળે. એ ઉપરાંત કોઈની સાથે ઝઘડો થાય તો છૂટો ઘા કરવામાં પણ શસ્ત્ર તરીકે ઉપયોગમાં આવશે! લઈ લ્યો, લઈ લ્યો, ફક્ત ચાર જ આનામાં!” મિત્રોને વહેંચવા માટે ‘લિરિક’ની દશ નકલો મેં લીધેલી. ‘લિરિક’, ‘કવિતા શિક્ષણ’, ‘નવીન કવિતા વિષે વ્યાખ્યાનો’ અને ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં કાવ્યકલાના શિક્ષાગુરુ તરીકેની પ્રો. ઠાકોરની ઉજ્જ્વળ છબીનું દર્શન થાય છે. તત્કાલીન અનેક કવિઓને એ ગ્રંથોએ પ્રેરણા ને માર્ગદર્શન આપ્યાં છે. કવિ તરીકે, નવીન કાવ્યવિભાવનાના આચાર્ય તરીકે તેમ જ ગદ્યશૈલીના શિલ્પી તરીકે આજે પણ તેઓ જીવંત છે. કવિ તરીકેના ઠાકોરના પ્રભાવને નિરૂપતાં ઉમાશંકરે ઉચ્ચાર્યું છે: “અદ્યતન ગુજરાતી કવિતા કથયિતવ્ય પરત્વે ગાંધીજી, અને આયોજન પરત્વે ઠાકોર, એમ બે ભિન્ન ભિન્ન પ્રકૃતિના માણસોને ખભે ચડીને જાય છે.” પ્રો. ઠાકોર વડોદરે આવે ત્યારે શ્રી કિશનસિંહ ચાવડાના બંગલામાં ઊતરે. ત્યારે બરોડા કોલેજમાં ગુજરાતી-અંગ્રેજીના લેક્ચરર શ્રી ભાઈલાલ કોઠારી એક વાર નવાં રચેલાં બે ગીતો લઈ પ્રો. ઠાકોરને વંચાવવા ગયા. ઠાકોરસાહેબ ત્યારે આંખો મીંચીને કોઈ વિચારમાં ખોવાઈ જઈને હીંચકે ઝૂલતા હતા. કોઠારીએ એમનાં ગીતો સંભળાવવાની ઇચ્છા વ્યક્ત કરી. ઠાકોરે સંમતિ આપી. આંખો મીંચીને એક ગીત સાંભળ્યું. પછી કહે, “તમ તમારે ગાયે જાવ... ગાયે જાવ... હું સાંભળું છું...” ને જ્યાં બીજું ગીત ગાવાનું શરૂ કર્યું, ત્યાં ઠાકોરસાહેબનાં નસકોરાં બોલવા લાગ્યાં. સમાધિભંગ થવાની પ્રતીક્ષા પાંચસાત મિનિટ કરી, પણ વ્યર્થ. એટલે પ્રો. કોઠારી ગૃહમ્ પ્રતિ ગચ્છન્તિ કરી ગયા! એક વાર પ્રો. ઠાકોર ચાવડાને ત્યાં આરામ કરતા હતા. કોઈનો ફોન આવ્યો. ચાવડાની દીકરીએ ફોન તો લીધો, પણ તે વખતે ઠાકોરસાહેબનાં નસ્કોરાં બોલતાં હતાં એટલે એમને જગાડ્યા નહીં. જાગ્યા એટલે ચાવડાની દીકરીએ ફોનની વાત કરી, તો કહે: “હું ઊઘતો હતો!” દીકરીએ કહ્યું: “હા, જોરથી તમારાં નસકોરાં બોલતાં હતાં એટલે તમને જગાડ્યા નહીં.” તો કહે: “જો, મારાં નસકોરાં બોલતાં હોય ત્યારે હું ઊઘી ગયો છું એમ સમજવાનું નહીં, હું કેવળ તંદ્રાવસ્થામાં હોઈશ. નિદ્રા ને તંદ્રાવસ્થાનો ભેદ તું સમજે છે?” [‘પ્રબુદ્ધ જીવન’ માસિક: ૨૦૦૫]