સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રતિલાલ બોરીસાગર/ઘર-નોકરને પત્ર


ભાઈ જીવરાજ, બે દિવસ પહેલાં તને દૂધની કોથળીઓ લેવા મોકલ્યો હતો. તને પાછા ફરતાં સારી એવી વાર થઈ એટલે અમે ચિંતામાં પડી ગયાં. સવારની પહેલી ચા બાકી હતી, પણ એની ચિંતા નહોતી; પણ ઘર છોડીને જતા રહેવાની તેં અનેક વાર આપેલી ધમકી આજે અમલમાં મૂકી હશે તો અમારું શું થશે એની ચિંતા અમને ઘેરી વળી. તારાં શેઠાણી તો બેબાકળાં બની ગયાં. મને ગુમાવવાનું તારાં શેઠાણીને પરવડી શકે, પણ તને ગુમાવવાની કલ્પના માત્રથી એ થથરી ગયાં હતાં. મને ગુમાવવાનો આઘાત એ ‘જેવી ઈશ્વરની મરજી’ કહી જીરવી જાય, પણ તને ગુમાવવાના આઘાતની કળ એને જિંદગીભર ન વળે એની મને ખાતરી છે. હું તો તારાં શેઠાણીને સહેલાઈથી મળી ગયો છું અને ભગવાન ન બોલાવે ત્યાં સુધી ક્યાંય જવાનો નથી તેની એને ખાતરી છે. પણ તું તો કેટકેટલા ઘરનોકરની અજમાયશ કર્યા પછી મળ્યો હતો, પથ્થર એટલા દેવ કર્યા પછી તું સાંપડયો હતો, એટલે તું કાયમ માટે ચાલ્યો ગયો હોઈશ તો અમારું શું થશે એ વિચારે અમને — ખાસ કરીને મને — ધ્રાસકો પડયો. (તારી ગેરહાજરીમાં તારો ચાર્જ વગર ચાર્જે મારે લેવો પડે છે, એ તું જાણે છે.) તું આવે છે કે નહિ એ જોવા અમે બારણું ખોલ્યું, ત્યારે બારણા પાસે જ દૂધની પાંચ કોથળીઓ અને પાછા આવેલા પાંચ રૂપિયા પડ્યા હતા. આસપાસ આકાશમાં તારો ક્યાંય વાસ હોય એવું લાગ્યું નહિ. તું અમને છોડીને જતો રહ્યો છે એની અમને ખાતરી થઈ ગઈ. તારાં શેઠાણી પ્રથમ ભાંગી પડ્યાં અને પછી મારા પર તૂટી પડ્યાં. તારી સાથેનાં મારાં ગેરવર્તનોને કારણે જ તું અમને છોડીને જતો રહ્યો છે, એવું એ માને છે — હવે તો હું પણ એમ માનવા લાગ્યો છું. એટલે મારાં ગેરવર્તનો અંગે માફી માગવા, ભવિષ્યમાં આવાં ગેરવર્તનો ન કરવાની ખાતરી આપવા અને તું જ્યાં હો ત્યાંથી પાછો આવી જા એવી નમ્ર વિનંતી કરવા આ જાહેર પત્ર છાપામાં છપાવ્યો છે. મારાં ગેરવર્તનોની હું નીચે પ્રમાણે કબૂલાત કરું છું અને ભવિષ્યમાં આવું કોઈ ગેરવર્તન નહિ કરું એની આ તકે ખાતરી આપું છું : (૧) હું ભલે જેવો-તેવો પણ હાસ્યલેખક છું. હું હાસ્યલેખક છું એની સાબિતી આપવા જ્યારેત્યારે મજાકો કરવાની મને ટેવ છે. પણ મારી મજાકથી તને માઠું લાગી જાય તો આ બિચારો હાસ્યલેખક કરુણ સ્થિતિમાં મુકાઈ જાય. એટલે મારાથી તારી મજાક ક્યારેય ન થઈ જાય એની પૂરતી તકેદારી હું રાખતો. છતાં થવાનું હોય છે એ થઈને જ રહે છે. જૂની જોક મારા વાંચવામાં આવી. એક પરદેશી ભારતમાં ફરવા આવ્યો. એણે નદીકાંઠે ધોબીઓને કપડાં ધોતા જોયા. એણે ડાયરીમાં લખ્યું : ‘આજે ભારતમાં કેટલાક માણસોને કપડાં વડે પથ્થર ફોડતા જોયા.’ તું અમારાં કપડાં જે રીતે ધોતો હતો તે જોઈ મારાથી આ ટુચકાનો તારા પર અકાળે પ્રયોગ થઈ ગયો. બે દિવસ પહેલાં મેં તને કહ્યું હતું : “અમારાં કપડાંથી ચોકડીનો પથ્થર તૂટી જાય ત્યારે કહેજે, એટલે અમે નવો નખાવી દઈશું.” પણ હસવાને બદલે તું તો મારા પર નારાજ થઈ ગયો. તું નારાજ થયો એટલે તારાં શેઠાણી મારા પર બમણાં નારાજ થઈ ગયાં. આ કારણે તું જતો રહ્યો હો, તો હે બંધુ! તું પાછો આવ. હવે પછી કદી તારી મજાક ન કરવાની જાહેર ખાતરી આપું છું. તારાં શેઠાણી તો એમ કહે છે કે તું નારાજ થાય એવું મારે કશું ન કરવું. એ તો મને હાસ્યલેખો લખવાનું જ બંધ કરી દેવાનું કહે છે. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી! પણ તું દયા કરજે. મને હાસ્યલેખો લખવાની રજા આપજે ને તારી શેઠાણી પાસે રજા અપાવજે. (૨) હે બંધુ! સવારના તું આવે ત્યારે તારે માટે મારે છાપાં તૈયાર રાખવાં, એ તારી શરતનું પરિપાલન મારાથી બરાબર થતું નથી, એ હું કબૂલ કરું છું. સવારના છ વાગ્યે છાપાં આવે પછી આઠ વાગ્યા સુધીમાં બધાં પાનાં આડાંઅવળાં થઈ જાય છે. એક-બે પાનાં જડતાં નથી. અલબત્ત, આ બધું વધુ તો મારે કારણે થાય છે. અનુસંધાનવાળાં પાનાં ન જડવાને કારણે તને ઘણી મુશ્કેલી પડે છે — તારો રસભંગ થાય છે — ખાસ કરીને મારધાડ અને કૌભાંડોના સમાચારવાળું અનુસંધાન મળતું નથી ત્યારે તારો વિશેષ રસભંગ થાય છે. આ માટે હું ખરે જ દિલગીર છું. હવે પછી આવું ન થાય એ માટે, તું ન આવે ત્યાં સુધી અમે કોઈ છાપાંને હાથ નહિ લગાવીએ એની ખાતરી આપું છું. તું બધાં છાપાં વાંચી લે, અંગ્રેજી છાપાંના ફોટાબોટા જોઈ લે પછી જ અમે છાપાં વાંચવાનું રાખીશું. તારે કારણે મને અનુસંધાનવાળાં પાનાં નહિ જડે તો હું કશી ફરિયાદ નહિ કરું એની ખાતરી આપું છું. ચાર-પાંચ દિવસ પહેલાં હું જે છાપું વાંચતો હતો એ તેં માગ્યું અને ‘પાંચ મિનિટ પછી આપું છું’ એવું મેં કહ્યું એનાથી તું નારાજ થઈ ગયો હતો, અને ‘હું પણ પાંચ મિનિટ પછી આવું છું’ કહી તું જતો રહ્યો હતો અને પછી આખો દિવસ દેખાયો નહોતો. મેં તારી સાથે કરેલા અવિવેક બદલ શેઠાણીએ મારો સખત ઊધડો લીધો હતો. હવે તો તું છાપાં વાંચી લે પછી જ હું છાપાંને હાથ લગાડીશ, એટલે તારે નારાજ થવાપણું નહિ રહે. કોઈ વાર મારે બહાર જવાની ઉતાવળ હશે તો પહેલાં મને છાપાં વાંચી લેવા દેવાની વિનંતી હું તને કરીશ. મારી વિનંતી તું માન્ય નહિ રાખે તો હું નારાજ નહિ થાઉં એવી આ તકે તને ખાતરી આપું છું. તું છાપાં વાંચી લે ત્યાં સુધીમાં તારે માટે ચા બનાવીને તૈયાર રાખવી, એવી ફરજ મને સોંપાઈ છે. તારે માટે મારે સ્પેશિયલ ચા બનાવી પડે છે. મારી ઓછી ખાંડવાળી ચા તને ભાવતી નથી. વળી, મારી ચામાં અર્ધું દૂધ અને અર્ધું પાણી હોય છે. જ્યારે તારી ચા સંપૂર્ણપણે નિર્જલા (પાણી વગરની) હોવી જોઈએ એવી તારી શરત છે. તારી આ શરતનું, અલબત્ત કચવાતા જીવે પણ, મેં પૂરેપૂરું પાલન કર્યું જ છે. છતાં બે દિવસ પહેલાં મારાથી તને કહેવાઈ ગયું હતું કે “આજકાલ પાણીની સખત તંગી છે, છતાં તારી ચામાં નાખવા જેટલા પાણીની તો હું ગમે તેમ કરીને વ્યવસ્થા કરી આપીશ.” તું કવિતાઓ ન વાંચતો હોવા છતાં મારા કથનનો ધ્વનિ તું પામી ગયો અને નારાજ થઈ ગયો. હવે પછી આવો અપરાધ ક્યારેય નહિ કરવાની ખાતરી આપું છું. (૩) તું અમારે ત્યાં આવ્યો એ પહેલાં એક કવિને ત્યાં કામ કરતો હતો. એ કવિમહાશય એમનાં કાવ્યો છાપવા મોકલતા પહેલાં તને સંભળાવતા હતા. કાવ્યો સાંભળવાની ફી પણ તને આપતા હતા. પણ કાવ્યો સાંભળવાને કારણે તને માથામાં ઘમઘમ થવાનો રોગ લાગુ પડયો હતો. મારે ત્યાં કામ બંધાવ્યા પછી તને ખબર પડી હતી કે હું લેખક છું, એટલે મેં તારા લેખો મારે તને કહી ન સંભળાવવા એવી શરત કરી હતી. આ શરતનો મેં ક્યારેય ભંગ નથી કર્યો. ભવિષ્યમાં પણ ક્યારેય ભંગ નહિ કરું એની ખાતરી આપું છું. (૪) કવિઓની જેમ તું પણ નિરંકુશ છે. એમ તો તારો પાછા જવાનો સમય નિશ્ચિત હોય છે; આવ્યા પછી અર્ધા કલાકમાં તું અચૂક જતો રહે છે. પણ આવવાની બાબતમાં તું સ્વૈરવિહારી છો. સવારના આઠથી દસ સુધીમાં, બપોરના બારથી ચાર સુધીમાં, રાતના આઠથી અગિયાર સુધીમાં તું ગમે ત્યારે આવે છે. તું કયે દિવસે નહિ આવે, કયે દિવસે સવા નવ વાગ્યે આવીશ કે કયે દિવસે પોણા અગિયાર વાગ્યે આવીશ, એ વિશે ખાતરીપૂર્વક કશું કહી શકાય એમ નથી. એકવાર તો તેં મને રાત્રો સવા બાર વાગ્યે ભરઊંઘમાંથી જગાડયો હતો ને તે પણ એમ જણાવવા કે ‘બાબુજી, આજ હમ નહિ આયેગા, સુબહ જલદી આયેગા.’ પછીની સવારે તારી અનુકૂળતા માટે અમે સૌ જલદી જલદી પરવારી ગયેલાં. પણ એ દિવસે તું સમૂળગો આવ્યો જ નહોતો. તારા આ સ્વૈરવિહાર માટે અઠવાડિયા પહેલાં મારાથી તને મંદ ઠપકો અપાઈ ગયેલો. મેં તો તને હળવેથી ઠપકો આપ્યો હતો, પણ તને ઠપકો આપવા બદલ તારાં શેઠાણીએ મને ગજાવીને ધમકાવી નાખ્યો હતો. મારા આ ગુના બદલ હું દિલગીરી જાહેર કરું છું ને ભવિષ્યમાં — વાજપેયીજી એમના સાથી પક્ષો ગમે તેમ વર્તે તોય કોઈને ઠપકો આપી શકતા નથી એમ હું પણ — તું ગમે તેમ વર્તીશ તો પણ તને કદી ઠપકો નહિ આપું. ભાઈ જીવરાજ, આ વાંચીને તું જ્યાં હો ત્યાંથી પાછો આવી જજે. અહીંથી જવાનું ને અહીં પાછા આવવાનું જે ભાડું થશે એ હું તને તરત જ ચૂકવી આપીશ. તારાં શેઠાણીએ તું પાછો આવે એ માટે બાધા રાખી છે. બીજાંઓને ઘેર કામ કરતા નોકરોને જોઈને તારાં શેઠાણીને રડવું આવી જાય છે. એમનું દુઃખ મારાથી જોયું જતું નથી ને તારો લગભગ બધો ચાર્જ મારા પર આવી પડયો છે એનું દુઃખ મારાથી કહ્યું જતું નથી. માટે તું ઝટ પાછો આવી જા. તને કોઈ વઢશે નહિ. એ જ લિ. તારો ગરીબડો શેઠ
[‘સંદેશ’ દૈનિક : ૨૦૦૧]