સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ વ. દેસાઈ/મને કસોટીએ ચઢાવવો


મ્હારાં પુસ્તકોના આપે કરેલાં વિવેચનોમાં આપે મ્હારા પ્રત્યે બહુ જ સહાનુભૂતિ દર્શાવ્યા કરી છે. કદી એમ નથી લાગ્યું કે મને અન્યાય કર્યો હોય. મ્હારી કવિતા—જેને કોઈએ હજી નજરે ચઢાવી નથી એની પણ આપે એવી ઉત્તેજક ચર્ચા કરી હતી કે મને પણ સાનંદાશ્ચર્ય થયું હતું. હું બધું સારું જ લખું છું અને સહુએ તેને સારું કહેવું જ જોઈએ એવો જો હું ઘમંડ રાખું, તો હું મ્હારી માનવતા અને મ્હારી સામાન્યતાને અન્યાય કરું, નહીં? એમ હું નથી માનતો ત્યાં સુધી જ હું આછું-પાતળું લખી શકીશ! આપનાં વિવેચનોમાં ઉદારતાનો ગુણ સામાન્ય રહેલો છે. ‘કલમ-કિતાબ’નાં પાનાંમાં આપની વિરુદ્ધના આક્ષેપો છાપીને લેખક કે અનુવાદકને કહેવું હોય તે કહેવાની અને તે સહુ જાણે એ રીતે પ્રસિદ્ધિ આપવાની ભારે સહિષ્ણુતા આપે દર્શાવી છે. એટલે આપને યોગ્ય લાગે તે પ્રમાણે આપે મને કસોટીએ ચઢાવવો જોઈએ. [ઝવેરચંદ મેઘાણી પરના પત્રમાં: ૧૯૪૦]