સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/અંદરનો બાળક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
બાળમંદિરમાં મારી કહેલી વાર્તાઓને બાળકો પોતાની મેળે ભજવતાં, ત્યારે મેં જોયું કે વાર્તામાંના સંવાદો મેં જેવા કહેલા તેવા જ બાળકો પણ બોલતાં હતાં. એમાંથી મને પ્રતીતિ થઈ કે ભાષા-શિક્ષણ માટે વાર્તાનું માધ્યમ કેટલું જોરદાર છે. વાર્તા છીછરા મનોરંજનના સ્તરે ઊતરી જાય, તેમાં કેવું જોખમ છે એનો મને ખ્યાલ આવ્યો. વાર્તા દ્વારા કહેવા ધાર્યું હોય કાંઈક, ને બાળકો ગ્રહણ કરે કાંઈક બીજું જ, એવું પણ જોયું.
બાળમંદિરમાં મારી કહેલી વાર્તાઓને બાળકો પોતાની મેળે ભજવતાં, ત્યારે મેં જોયું કે વાર્તામાંના સંવાદો મેં જેવા કહેલા તેવા જ બાળકો પણ બોલતાં હતાં. એમાંથી મને પ્રતીતિ થઈ કે ભાષા-શિક્ષણ માટે વાર્તાનું માધ્યમ કેટલું જોરદાર છે. વાર્તા છીછરા મનોરંજનના સ્તરે ઊતરી જાય, તેમાં કેવું જોખમ છે એનો મને ખ્યાલ આવ્યો. વાર્તા દ્વારા કહેવા ધાર્યું હોય કાંઈક, ને બાળકો ગ્રહણ કરે કાંઈક બીજું જ, એવું પણ જોયું.
આ બધાંને પરિણામે એક વાત મનમાં નિશ્ચિત થઈ કે વાર્તામાં બાળકને ભાષાજ્ઞાન આપવા ઉપરાંત મૂલ્યોનું જ્ઞાન આપવાની પણ અદ્ભુત શક્તિ છે અને એ શક્તિની કોઈ કાળે ઉપેક્ષા કરવી બાળસાહિત્યના લેખકને પાલવે નહિ.
આ બધાંને પરિણામે એક વાત મનમાં નિશ્ચિત થઈ કે વાર્તામાં બાળકને ભાષાજ્ઞાન આપવા ઉપરાંત મૂલ્યોનું જ્ઞાન આપવાની પણ અદ્ભુત શક્તિ છે અને એ શક્તિની કોઈ કાળે ઉપેક્ષા કરવી બાળસાહિત્યના લેખકને પાલવે નહિ.

Latest revision as of 09:10, 27 September 2022


બાળમંદિરમાં મારી કહેલી વાર્તાઓને બાળકો પોતાની મેળે ભજવતાં, ત્યારે મેં જોયું કે વાર્તામાંના સંવાદો મેં જેવા કહેલા તેવા જ બાળકો પણ બોલતાં હતાં. એમાંથી મને પ્રતીતિ થઈ કે ભાષા-શિક્ષણ માટે વાર્તાનું માધ્યમ કેટલું જોરદાર છે. વાર્તા છીછરા મનોરંજનના સ્તરે ઊતરી જાય, તેમાં કેવું જોખમ છે એનો મને ખ્યાલ આવ્યો. વાર્તા દ્વારા કહેવા ધાર્યું હોય કાંઈક, ને બાળકો ગ્રહણ કરે કાંઈક બીજું જ, એવું પણ જોયું. આ બધાંને પરિણામે એક વાત મનમાં નિશ્ચિત થઈ કે વાર્તામાં બાળકને ભાષાજ્ઞાન આપવા ઉપરાંત મૂલ્યોનું જ્ઞાન આપવાની પણ અદ્ભુત શક્તિ છે અને એ શક્તિની કોઈ કાળે ઉપેક્ષા કરવી બાળસાહિત્યના લેખકને પાલવે નહિ. આમ બાળસાહિત્ય એ બાળકના સમસ્ત અંતઃશરીરમાં પ્રવેશવાની વિદ્યા છે, પણ અઘરી વિદ્યા છે. કવિશ્રી ઉમાશંકર જોશી સાચું જ કહે છે કે, “એક મોટી નવલકથા જેટલી સહેલાઈથી લખી શકાય, એટલી સહેલાઈથી બાળકો માટે એક ઉત્તમ વાર્તા લખી શકાતી નથી.” બાલવાર્તાની શોધમાં ફરતાં ફરતાં હું બીજા દેશોના લોકસાહિત્યમાં પ્રવેશ્યો. વિશ્વના વિદ્વાનો ભારતને વાર્તાનું પિયર માને છે. ભારતમાંથી ‘પંચતંત્રા’ની વાર્તાઓ જે રીતે સફર કરતી કરતી વિશ્વમાં વિસ્તરી છે, એ એક અદ્ભુત રોમાંચક કથા છે. દરિયો ખેડનારાઓ, કાફલાઓ લઈને હજારો ગાઉની ધરતીની ખેપ કરનારાઓ પોતાની સાથે કેવળ ધનમાલ જ નહીં, વાર્તા-સમૃદ્ધિ અને વાર્તાસંસ્કૃતિ યે લઈ જતા, તેનું આદાનપ્રદાન કરતા. મનથી સાગરખેડુ, રણખેડુ, પહાડખેડુ બનીને મેં દેશવિદેશની યાત્રાઓ કરી, અને એમાં જે મહામૂલાં રત્નો મને મળ્યાં, તે મેં મારી અક્કલ પ્રમાણે સમારી, સુધારી, પહેલ પાડીને, વાન અને વાઘા બદલવા પડે તો બદલીને, ગુજરાતી બાળકોની આગળ રજૂ કર્યાં. આ રીતે સાઠ-સિત્તેર જેટલા દેશોની વાર્તાઓ હું બાળકો માટે લખી શક્યો છું. ઈસપની એક વાર્તા જાણીતી છે — કાગડાનાં ખોટેખોટાં વખાણ કરીને શિયાળ એના મોંમાંથી પૂરી પડાવી લે છે. આ વાર્તા મારે મોઢે સાંભળીને એક બાળકી બોલી ઊઠેલી કે, “જૂઠાબોલો જીતી ગયો!” હું ચોંક્યો. મેં તરત વાર્તાની પુરવણી કરીને કહ્યું : “ડાઘિયો કૂતરો સૂતો સૂતો આ જોતો હતો. શિયાળ પૂરી લેવા દોડયો, કે ડાઘિયો એની પાછળ પડયો. શિયાળ પૂરી મેલીને ભાગ્યો. દરમિયાન એક ગાય ચરતી-ચરતી આવી, ને એ પૂરી ખાઈ ગઈ.” (આ રીતે વાર્તા વિકસાવીને મેં એને ‘બદામની પૂરી’ નામે ફરીથી લખી છે.) આમ શિયાળની યુક્તિ ફળી નહિ, એ જોઈ બાળકો ખુશ થઈ તાળી પાડી ઊઠયાં. બાળ-મન પણ સાચાં મૂલ્યોને સમજતું થાય, એ બાળસાહિત્યકારે જોવાનું છે. બાળવાર્તા કે બાળકવિતા લખતાં લખતાં ઘણી વાર મેં એવું અનુભવ્યું છે કે જાણે એક એક શબ્દ માથું ઊંચકીને મારી ઊલટતપાસ કરે છે કે, “મને અહીં કેમ મૂક્યો છે?” વાર્તા કે કવિતાનો એક એક વિચાર સ્વતંત્રા અદા ધારણ કરીને પડકાર કરે છે કે, “અહીં મારો શ્વાસ રૂંધાય છે, મારે વિહરવું છે, મને વાર્તામાં રમતો રહેવા દો.” પરિણામે, ઘણી વાર મેં એકની એક વાર્તા અનેક વાર લખી છે. ‘ગલબો શિયાળનાં પરાક્રમો’ની વાર્તા મેં પૂરી ત્રાણ વાર લખી છે. અને હજી પણ એમાં કાંઈક ફેરફાર કરવાનું મારું મન છે. આમ ફરીફરીને લખીલખીને મેં મારી બાળવાર્તાનું સ્વરૂપ ઘડયું છે. બાળજોડકણાંની એક અનોખી સૃષ્ટિ છે — બરાબર બાળકના જેવી જ મસ્તીખોર! બાળકની પેઠે એમાં શબ્દો અને વિચારો કૂદાકૂદ કરે છે. શબ્દને તો તરવુંય ગમે અને ડૂબવુંય ગમે. કોઈ વાર એમાં અર્થ હોય તો ઘણી વાર ન પણ હોય. અર્થ ભલે હોય કે નહિ, બાળકને રાજી કરવાની એની શક્તિમાં ખામી ન હોવી જોઈએ. બાળકની પેઠે મારી દૃષ્ટિ કુદરત પ્રત્યે કુતૂહલની અને વિસ્મયની રહી છે. પશુપંખી, નદી-સરોવર, પર્વત, વૃક્ષ-વનસ્પતિની સૃષ્ટિ મને મનુષ્યસૃષ્ટિના કરતાં વધારે નિકટની અને આત્મીય લાગે છે. એટલે એ બધાં મારાં બાળકાવ્યોમાં આવે છે, અને એમને લઈને જ બાળકો સાથેની મારી ગોઠડી ચાલે છે. તા. ૧૨-૧૨-૧૯૧૧ના રોજ વિલાયતના રાજા પાંચમા જ્યોર્જે દિલ્લીમાં દરબાર ભર્યો, તેની ખુશાલીમાં ગામેગામ મેળાવડા થયા હતા. મારા મોડાસા ગામના એવા એક મેળાવડામાં શાળાના બધા વિદ્યાર્થીઓ ભેગો હું પણ એકડિયાના બાળક તરીકે ગયો હતો. લોકોનો મેળો, ફટાફટ ફૂટતું દારૂખાનું અને આકાશમાં ચડતા ગબારા — આજે નવ્યાશી વર્ષની ઉંમરે પણ એ કુતૂહલ, એ વિસ્મય, એ આનંદ એવાં ને એવાં છે. મારી અંદરનો બાળક એનો એ છે. તે કહે છે —

ઓઢયો ભલે ને મેં બુઢાપાનો અંચળો,
પણ બાલ તે બાલ તે બાલ;
છૈયો છો દેવકીનો, કિંતુ
જસોદાનો લાલ તે લાલ તે લાલ!

આમ હું તો જે હતો તે જ છું. પણ એક વાતનો મનમાં પૂરો સંતોષ છે કે નાનપણથી મને જે કાર્ય મારા જીવનધર્મ જેવું લાગ્યું છે, તે હું પૂરી નિષ્ઠાથી કરતો રહ્યો છું; એમાં મેં અંચઈ કરી નથી.