સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/માળાનાં પંખી


મારી બાનું નામ જેઠીબહેન — જેઠીબા. સાવ અભણ, બિલકુલ લખીવાંચી જાણે નહીં. ટીંટોઈ જેવા ગામડાગામમાં જન્મ. ગામમાં નિશાળ નહીં. છોકરાઓ જ ભણે નહીં, ત્યાં છોકરીઓને ભણવાનું વળી કેવું? પણ લખીવાંચી જાણવા સિવાય બીજી પણ વિદ્યાઓ છે : સીમમાં જઈ ઈંધણ વીણવાં, મોવડાં કે ડોળ્યો વીણવી, કંથેરાં-કરમદાં-બોર વીણવાં, આંબલીના કાતરા ને જાંબુ પાડવાં, ચણોઠીઓ ભેગી કરવી, છાણ ભેગું કરી છાણાં થાપવાં, પંખીઓ ઓળખવાં, સુગરી જેવાં પંખીના માળા જોવા; સાપ, વીંછી, દેડકાં, ઉંદર, ખિસકોલાં વગેરે જીવજંતુની ખાસિયતો સમજવી, ગાયો દોહવી, છાણવાસીદું કરવું, ફળિયામાં કહેવાતી કથા-વાર્તાઓ સાંભળવી ને એકબીજાને કહેવી, ઉખાણાં સાંભળવાં ને સામાં ફંગોળવાં, રાસગરબા ને ભજનો મોઢે કરવાં, લગ્નગીતો ને મરશિયાં પણ કંઠસ્થ કરવાં — આવી કંઈ કંઈ વિદ્યાઓ છોકરી દશબાર વરસની થાય એટલામાં હસ્તગત કરી લેતી. ભાવી ગૃહસ્થાશ્રમના સંચાલનની એ મૂડી હતી. મારાં બાને વાર્તાઓ ઘણી આવડે, અને કહે પણ એવી રીતે કે આપણે સાંભળ્યા જ કરીએ. એ વાતો સાંભળવાને લોભે હું એની સામે ઘંટી તાણવા બેસી જતો અને ઘંટીના થાળામાં જામતી રેશમ જેવી લોટની પાળો ભાંગતો!

*

અમે અભાવમાં ઊછરેલાં. આજે તો સાધારણ ઘરનાં છોકરાં પાસે પણ રમકડાંનો ભંડાર હોય છે. અમારી પાસે શું હતું? નળિયામાં દોરી પરોવી ગાડી કરીએ, ચીંથરાંનો દડો બનાવીએ, કાળી માટીનું ઘડિયાળ કરી ગજવામાં ઘાલીએ, કુકરપાડામાં સળીઓ ઘાલી ગાયભેંસ સરજાવીએ, દીવાસળીના ખોખામાં ધંતૂરાનું ફૂલ ખોસી થાળીવાજું બનાવીએ — પૈસો ખરચવો ન પડે તેવી બધી અમારી રમતો! ઘણી વાર રમકડાં લેવા માટે હું રિસાતો ને ભાણું ઠેલી મજૂસની નીચે ભરાતો. બા ગોળની કાંકરીથી જ મને મનાવી લે, અને પછી ખોળામાં લઈ ધીરેથી સમજાવે : “ભઈ, ભાણું કદી ઠેલીએ નહીં. ઠેલીએ તો ભગવાન કહેશે કે, આને મેં દીધું, પણ એણે લીધું નહીં. ભગવાન તો રાજાનોય રાજા. એનો હાથ તરછોડાય નહીં. આપણે તો બે ટંક રોટલો કે ખીચડી-ઘેંસ ખાવાય પામીએ છીએ, પણ ગામમાં કેટલાંય એક ટંક ખાવાય નથી પામતાં.” મને એ ખબર તો હતી જ. ભેળાં રમતાં કેટલાંય છોકરાં બોરકૂટો ખાઈ પેટ ભરતાં એ મેં જોયેલું હતું. જંગલી બોર ભેગાં કરી ઠળિયા સાથે જ, ખાંડણિયામાં ખાંડે ને ઠળિયો છુંદાઈને ગરભ સાથે ભળી જાય તે પછી મીઠું લગાવીને ભરી રાખે ને છોકરાંને ભૂખ લાગે ત્યારે ખાવા આપે — એનું નામ બોરકૂટો. એકવાર કોઈ શેઠિયાનો છોકરો મને એનો નવો બંગલો જોવા લઈ ગયેલો. બંગલો જોઈને આવ્યા પછી એનાં ખુરશીટેબલ, હાંડીઝુમ્મર વગેરેનાં વખાણ મેં બાની આગળ કર્યાં, ત્યારે બા કહે, “ભઈ, કોઈનું ઘોડું જોઈએ તો આપણા ટાંટિયાને થાક લાગે — માટે એ બાજુ મુઢું જ ન કરવું.”

*

તે દિવસોની સોંઘવારીની વાત કરીએ, તો આજે પરીકથા જેવું લાગે. પણ તે સાથે નવાઈની વાત એ હતી કે એટલી બધી સોંઘી ચીજ ખરીદવા જેટલા પૈસા પણ કોની પાસે હતા ત્યારે? એ જ તો સોંઘવારીનું રહસ્ય હતું. કોઈની પાસે પૈસા નહોતા, તેથી ચીજવસ્તુ નાખી દેવાના ભાવે વેચાતી હતી. ખેડૂત ખેતરમાં મજૂરી કરીને જીવ કાઢી નાખે, ત્યારે તેના નસીબમાં તો હવાના ફાકા ભરવાના હોય! માથે દેવું ન હોય તેવો કોક જ ભાગ્યશાળી હોય. તેમાંયે જાગીરી ગામોની હાલત તો મહા ભૂંડી. ખેતરમાં પાક થયો, કે ખળા પર ચોકી બેસી ગઈ સમજો! ઠાકોરનો ભાગ, ગામના વહીવંચાઓનો ભાગ, બ્રાહ્મણનો ભાગ, ચોકીવાળાનો ભાગ, મુખીનો ભાગ, કૂવાતળાવનો ભાગ, પરબડીનાં પંખીનો ભાગ, ગામમાં દેવદેવતાનું દેરું હોય તેનો ભાગ ને બાવાજીનો ભાગ અને ઉપર જતાં વાણિયાની તોળામણી! એ બધા ભાગના ટોપલા ભરાઈને જાય, પછી વધે તે ખેડૂતનું. એટલે ખેડૂત કપાળ ન કૂટે તો કરે શું? આમાં મોટો ભાગ ભજવે ગામનો વાણિયો ને ગામનો ગોર. એકની પાસે ત્રાજવું ને બીજાની પાસે શાસ્તર! કોની મગદૂર છે કે એમનો ગઢ ભેદે? મારા પિતા પીતાંબરદાસ મોડાસામાં આવી વસ્યા, પણ આજીવિકા રળવી સહેલી નહોતી. તેઓ ભાગીદારીમાં એક સંબંધીની દુકાને સોનીકામ કરવા બેસતા. મને બરાબર યાદ છે કે ઘરમાં દીવાસળી પણ કરકસરથી વપરાતી. મહોલ્લામાં કોઈને ત્યાંથી અમે છાણા પર દેવતા લઈ આવતા ને તેનાથી રાતે ચૂલો પેટાવાતો. કાચના ગોળાવાળું ફાનસ તો ઘણાં વરસ કેડે આવ્યું — ઘરમાં માટીના કોડિયામાં તેલદીવેટ પૂરી દીવા થતા. ચંચળ ફઈ ઘરનું ઘણું કામ કરતાં — છાણવાસીદું કરતાં, છાણાં થાપતાં અને સીમમાં જઈ ખાખરાનાં પાંદડાં વીણી લાવતાં તેનાં પતરાળાં— પડિયા થતાં. ઘરમાં લાદી પાથરેલી તો કોઈ શેઠિયાના ઘરમાં જોવા મળે. ઘરમાં ને આંગણામાં બધે લીંપણ થતું. લીંપણમાં સુંદર ઓકળીઓ પાડવામાં આવતી.

*

પિતાને સાધુસંતો પર ખૂબ ભાવ. પ્રાથમિક શિક્ષણ પણ તેઓ પામેલા નહીં; જે કંઈ પામ્યા હશે તે સત્સંગ અને સમુદાયમાંથી. અમારા ઘરની સામે જ મહાદેવનું મંદિર, બાજુમાં સ્વામીનારાયણનું મંદિર. સાધુસંન્યાસીઓ ત્યાં અવારનવાર આવે અને તેમનો સત્સંગ થાય. એક બ્રાહ્મણ તો મારે ઘેર જ ઓસરીમાં મુકામ કરીને રહેલા. અમે એમને વાવડીવાળા મહારાજ તરીકે જ ઓળખતા. એકવાર એ નાના દીકરાને લઈને પગે ચાલતા કોકાપુરથી ઈસરી ગામ જવા નીકળેલા. ઉજ્જડ વેરાન રસ્તો; ક્યાંય નદીનવાણ નહીં કે માણસની વસ્તી નહીં. ઉનાળાનો ધમધખતો તાપ. છોકરો તરસ્યો થયો, પાણી વિના જીવ તરફડવા લાગ્યો. કરવું શું? અર્ધબેભાન એવા દીકરાને તેડીને બ્રાહ્મણ જેમતેમ કરી એક ગામમાં પહોંચ્યો. છોકરો બચી ગયો. પણ બ્રાહ્મણને વિચાર આવ્યો કે, આ રસ્તે બીજાઓની પણ આવી જ હાલત થતી હશેને! આનો કંઈ ઉપાય કરવો જોઈએ. દેશના રાજાનો એ ધર્મ છે. પણ રાજા કંઈ કરે નહીં, તો શું બ્રાહ્મણે પણ કશું ન કરવું? લોકો પાણી વિના ટળવળે અને બ્રાહ્મણ તે જોઈ રહે, એ કેમ ચાલે? એણે નક્કી કર્યું કે અહીં એક વાવ ગોડાવવી અને એ પાર ન પડે ત્યાં લગી ઉપવાસ કરવા. ઉપવાસ શરૂ થયા. આ જળસંકટથી વાકેફ હતાં એટલે આસપાસનાં ગામડાંમાંથી લોકો બ્રાહ્મણની વહારે ધાયા. એ રીતે એ નિર્જન પ્રદેશમાં વાવ થઈ. અને એ બ્રાહ્મણ ‘વાવડીવાળા મહારાજ’ તરીકે ઓળખાયા. [‘રાખનાં પંખી’ : પુસ્તક]