સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/“હજી સ્વાધ્યાય પૂરો થયો નથી”


ભારદ્વાજ નામે એક વિદ્યાર્થી ગુરુને ઘેર રહી વિદ્યા ભણ્યો અને સ્નાતક થયો. ગુરુએ આજ્ઞા દીધી: “રોજ રોજ સ્વાધ્યાય કરજે; સ્વાધ્યાયમાં આળસ કરતો નહિ. નિત્ય નિરંતર સ્વાધ્યાયથી તારામાં તેજસ્વિતા આવશે અને પિતૃઓનું સાચું તર્પણ થશે.” ભારદ્વાજે મનમાં ગાંઠ વાળી કે સ્વાધ્યાયમાંથી ચલિત થવું નહિ, જ્ઞાનથી જાતે પરિપુષ્ટ થવું અને પિતૃઓને સંતુષ્ટ કરવા. રાત ને દિવસ એણે સ્વાધ્યાય કરવા માંડ્યો. સવાર, બપોર, સાંજ એનું પઠનપાઠન ચાલ્યા કરે. ભણવું અને ભણાવવું, શીખવું અને શિખવવું—આ જ એનું એકમાત્ર કર્તવ્ય બની ગયું. બેસતાં ઊઠતાં પણ સ્વાધ્યાય અને હાલતાં ચાલતાં પણ સ્વાધ્યાય. આમ વર્ષો વીતતાં ગયાં—બેપાંચ બેપાંચ કરતાં સો વરસ થઈ ગયાં. હવે એ ઋષિ તરીકે સુકીર્તિત થયા હતા. તેમનો સ્વાધ્યાય તો હજી ચાલુ હતો. યમરાજને થયું કે ઋષિનો પૃથ્વી પરનો સમય પૂરો થઈ ગયો છે. એમને હવે અહીં લઈ આવવા જોઈએ. પણ એમને તેડી લાવવા પોતાના કોઈ દૂતને નહિ મોકલતાં એ પોતે જ પૃથ્વી પર પધાર્યા, ભારદ્વાજની સામે આવી ઊભા, ને બોલ્યા: “ચાલો!” ઋષિ તો સ્વાધ્યાયમાં ડૂબેલા હતા, યમરાજે ત્રણ વાર કહ્યું ત્યારે એમણે સાંભળ્યું. તેમણે કહ્યું: “કોણ છો તમે? અહીં કેમ પધારવું થયું આપનું?” “હું યમરાજ છું—મૃત્યુનો દેવ. તમને લઈ જવા આવ્યોછું.” ભારદ્વાજે કહ્યું: “હજી મારો સ્વાધ્યાય પૂરો થયો નથી, પિતૃતર્પણ પૂરું થયું નથી. હું નહિ આવી શકું.” યમરાજ પાછા ફરી ગયા. સ્વાધ્યાય-કર્મમાં વિક્ષેપ કરવાની તેમની હિંમત ચાલી નહિ. બીજાં સો વર્ષ વહી ગયાં. યમરાજ ખુદ ફરી ભારદ્વાજને તેડવા આવ્યા. ભારદ્વાજ તો સ્વાધ્યાયમાં લીન હતા. કહે: “હજી મારો સ્વાધ્યાય અધૂરો છે, પિતૃતર્પણ અધૂરું છે. હું નહિ આવી શકું.” યમરાજ ફરી ખાલી હાથે પાછા ફર્યા. સ્વાધ્યાયના પવિત્ર કાર્યમાં વિક્ષેપ કરવાની તેમની હિંમત ચાલી નહિ. જતાં જતાં કહેતા ગયા કે, “હવે હું તમને તેડવા નહિ આવું. તમારી મરજી પડે ત્યારે આવજો!” આમ એમના સ્વાધ્યાયના બળે ભારદ્વાજને સ્વેચ્છા-મૃત્યુનું વરદાન મળી ગયું. વળી બીજાં સો વર્ષ વહી ગયાં. સ્વાધ્યાય પૂરો થયો. જ્ઞાનકર્મની ઉપાસનાથી તેઓ તપોમૂર્તિ બની ગયા હતા. તેમના સ્વાધ્યાયથી દેવો સંતુષ્ટ હતા, પિતૃઓ સંતુષ્ટ હતા, પૃથ્વી સંતુષ્ટ હતી. તેમણે કહ્યું: “મારું કાર્ય પૂરું થયું છે. હવે મારું અહીં કામ નથી. હું જાઉં છું.” કહી એ જાતે યમસદન પહોંચી ગયા. આવું છે સ્વાધ્યાયનું બળ. જે નિત્ય સ્વાધ્યાય કરે છે, સદ્ગ્રંથોનું વાચનમનન, અધ્યયન-અધ્યાપન કરે છે તે મૃત્યુ પર વિજય મેળવી યશસ્વી બને છે અને પિતૃઓને સંતુષ્ટ કરી કુળને યશસ્વી બનાવે છે. [‘પિતા: પહેલા ગુરુ’ પુસ્તક: ૨૦૦૧]