સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમાકાન્ત શર્મા/ખાલીખમ!


લાંબાંમાં લાંબું માપી શકાય તેવું અંતર ૧૩,૦૦૦ માઈલનું છે. પૃથ્વી પરનાં કોઈ પણ બે સ્થળ આ અંતર કરતાં વધારે દૂર નથી. પૃથ્વીની ફરતે એક આંટો મારીએ તો એ અંતર ૨૫,૦૦૦ માઈલનું થાય. પૃથ્વીથી ચંદ્રનું અંતર આ અંતર કરતાં દસગણું છે, જ્યારે સૂરજનું અંતર ચંદ્રના અંતર કરતાં પણ ૪૦૦ ગણું છે! કલાકે ૫૦૦ માઈલની ઝડપે ઊડતા વિમાનને આટલું અંતર કાપવું હોય તો ઓછાંમાં ઓછાં વીસ વર્ષ લાગે! સૂર્ય પૃથ્વી કરતાં તેર લાખ ગણો મોટો છે. તારાઓ પૃથ્વી કરતાં લાખોગણા કદવાળા નાનામોટા સૂર્યો છે. સૂરજ પૃથ્વીથી સવાનવ કરોડ માઈલ દૂર છે. આપણી પાસેમાં પાસેનો તારો આનાથી ૨,૭૦,૦૦૦ ગણો દૂર છે. અને છતાંય એ તો પાસેમાં પાસેના તારાની વાત થઈ. દૂરના તારાઓની વાત કરવામાં માઈલોનાં અંતર મુશ્કેલીભર્યાં લાગે. અમદાવાદથી મુંબઈનું અંતર માઈલોમાં કહેવાને બદલે કોઈ ઇંચમાં આપે તો તે કેવું લાગે? આકાશી અંતરની વાત માઈલોમાં કહેવી એ એવું લાગે. પણ ત્યારે એ અંતર માપવાનો કોઈ એકમ શોધી કાઢવો જોઈએ ને? એવો એક એકમ છે પ્રકાશ-વર્ષનો. પ્રકાશ એક વર્ષમાં જેટલું અંતર કાપે તેને પ્રકાશ-વર્ષ કહે છે. પ્રકાશનો વેગ દર સેકંડે ૧,૮૬,૦૦૦ માઈલનો છે. અને છતાંય એ વેગે ચાલી સૂરજના પ્રકાશને પૃથ્વી સુધી આવી પહોંચતાં બરાબર સવાઆઠ મિનિટ લાગે છે. આપણી પાસેમાં પાસેના તારાના પ્રકાશને પૃથ્વી સુધી આવી પહોંચતાં પૂરાં સવાચાર વર્ષ લાગે છે. પણ આ તો પાશેરામાં પહેલી પૂણી જેવું છે. ઉત્તરાકાશમાં ચમકતા સ્થિરાસન જેવા ધ્રુવતારાના પ્રકાશને આપણા સુધી પહોંચતાં ૪૦૭ વર્ષ લાગે છે. જે વધુમાં વધુ દૂરના તારા છે, તે આપણાથી ૬૬,૦૦૦ પ્રકાશવર્ષ દૂર છે. આકાશમાં દૂરબીનથી જોઈ શકાતા કરોડો તારા મળી એક મોટું તારાવિશ્વ બને છે. આ તારાવિશ્વમાં સૂર્યકદના બે અબજ જેટલા તારા છે. એકબીજાથી અબજો માઈલ દૂર આવેલા તારા સમાવતું આ તારાવિશ્વ એક લાખ પ્રકાશવર્ષની લંબાઈ— પહોળાઈવાળું છે. પણ આશ્ચર્યની મોટી વાત તો એ છે કે એકબીજાથી ૧૦ લાખ પ્રકાશવર્ષને અંતરે આવેલાં આવાં લાખો તારાવિશ્વો અવકાશમાં આવેલાં છે; અને છતાંય એમની વસાહતના હિસાબે આખા આકાશનો ૯૯.૯ ટકા ભાગ ખાલીખમ છે!