સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ ર. દવે, હર્ષદ ત્રિવેદી, સતીશ વ્યાસ/એટલામાં શું?


એડન બંદરેથી એક જહાજ મુંબઈ આવવા નીકળ્યું. તેના ખલાસીઓ હોશિયાર હતા, કપ્તાન પણ હોશિયાર હતો. તેમણે હોકાયંત્રા પાસે એક માણસને બેસાડયો. તેને સૂચના આપી રાખી કે હોકાયંત્રાની સોય તેની જગા બદલે, તો તરત પોતાને ખબર આપવી. સુકાનીની સરતચૂકથી જહાજે દિશા જરાક બદલી. હોકાયંત્રાનો કાંટો એક ઇંચના વીસમા ભાગ જેટલો ખસ્યો હશે. ત્યાં બેસાડેલ માણસને થયું, એટલામાં શી જાણ કરવી’તી! એમ કરતાં કરતાં જહાજે ઘણો પંથ કાપી નાખ્યો. છેવટે ભારતનો કિનારો દેખાયો. “પણ આ શું? મુંબઈનું બંદર ક્યાં?” મુંબઈ તો ૫૦૦ માઈલ ઉત્તરે રહી ગયું! આટલો બધો ફેર કેમ પડી ગયો? કપ્તાન હોકાયંત્ર ભણી ગયો. જલદી જઈને જોયું તો હોકાયંત્રાનો કાંટો સહેજ ખસેલો હતો. માણસને કપ્તાને પૂછ્યું, “કાંટો ખસ્યો, છતાં મને કેમ જણાવ્યું નહીં?” પેલો કહે, “પણ સાવ જરાક જેટલો ખસેલો, તેમાં શું કહેવું’તું?” કપ્તાને કહ્યું, “એ જરા જેટલો નથી ખસ્યો, ૫૦૦ માઈલ જેટલો ખસ્યો છે — અને લાંબો પંથ હોત તો કાંટો પાંચ હજાર માઈલ જેટલો ખસેલો પણ ગણાત!” રમેશચંદ્ર ભટ્ટ