સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર મ. રાવળ/કલાનો પ્રદીપ


લગભગ અરધી સદી સુધી શાંતિનિકેતનમાંથી ભારતીય કલાનો પ્રદીપ જ્વલંત રાખીને નંદલાલ બસુએ હજારો તરુણોને ભારતીય કલા-સંસ્કૃતિની પ્રેરણા આપી હતી અને દેશપરદેશમાં ભારતીય કલાની નવીન ચેતના પ્રગટાવી હતી. ૧૯૧૮માં વિશ્વભારતીની સ્થાપના થઈ અને બીજે જ વરસે ગુરુદેવ રવીન્દ્રનાથે નંદબાબુને કલાભવનના આચાર્ય તરીકે સ્થાપ્યા, ત્યારથી તેઓ આજીવન આશ્રમવાસી બની ગયા. તેમને માટે અનેક સ્થળોએથી મોટા વેતનનાં સ્થાનની દરખાસ્તો આવતી, અને કલાભવનમાંથી બહાર પડેલા તેમના વિદ્યાર્થીઓ ભારતની અનેક કલાસંસ્થાઓમાં અધ્યક્ષ તરીકે નિમાઈ ચૂક્યા હતા. પણ તેમણે પોતે સ્વસ્થાનનો કદી ત્યાગ કર્યો નહીં. તેમણે પાંચસો જેટલાં પૂર્ણચિત્રો કરેલાં છે, તે પૈકી કેટલાંય જગપ્રસિદ્ધ છે. મહાત્મા ગાંધીનો તેમને માટે પૂર્ણ આદર હતો. તેથી જ ફૈઝપુર, લખનૌ, હરિપુરા વગેરે સ્થળોએ મહાસભાનાં ખુલ્લાં અધિવેશનો વેળા મંડપોની શોભા માટે નંદબાબુને પ્રથમ આમંત્રાણ મોકલાતું. કલાની બાબતમાં તેમનો અભિપ્રાય ગાંધીજી પણ માન્ય રાખતા, તેનું એક દૃષ્ટાંત મશહૂર છે. જગન્નાથપુરી અને કોણાર્કનાં મંદિરો પર કામુક વ્યવહારવાળી અમુક શિલ્પકૃતિઓ છે, તેને અશ્લીલ ગણીને કેટલાક લોકોએ તેને પુરાવી દેવાની માગણી કરેલી. પરંતુ ગાંધીજીએ કહ્યું કે આ બાબતમાં નંદબાબુના અભિપ્રાય મુજબ ચાલવું. નંદબાબુએ મત દર્શાવ્યો કે, જેમણે આ શિલ્પો કર્યાં હશે તેમનું દૃષ્ટિબિંદુ આપણે જાણતા નથી; અને કલાકૃતિઓ તરીકે તો એ શિલ્પો શ્રેષ્ઠ ઠરેલાં છે. માટે તેનો નાશ કરાય નહીં.