સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/ઢગલામાં નહીં, આમળામાં

Revision as of 10:27, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એક જાનને ચોરોએ રસ્તામાં લૂંટી લીધી. એટલે બધા જાનૈયા બૂમો પાડતા પાડતા ગામ તરફ ભાગ્યા. એમને દોડતા જોઈને એક માણસે પૂછ્યું, “અલ્યા, કેમ બૂમો પાડો છો? શું થયું?” “ચોરોએ લૂટ્યા,” જાનૈયાઓએ કહ્યું. “કેટલા ચોર હતા?” “ત્રણ.” “અમે અઢાર જણ હતા.” “તોે પછી નાઠા કેમ?” “અમે અઢાર હતા પણ છૂટા હતા; ત્યારે ચોર ત્રણ હતા પણ ટોળીમાં આવ્યા હતા. અમે છૂટા હતા એટલે જેને પડી તે જીવ લઈને નાઠો ને ચોરોએ જાન લૂંટી લીધી.” ઘાસના એક તણખલાનું બળ કેટલું? કંઈ નહીં. ઘણાં તણખલાંનો ઢગલો કર્યો હોય તો તેમાંય બળ નથી. પવનનો એક સપાટો આવે તો તણખલાંને ઉડાડીને ક્યાંય લઈ જાય. પણ એ બધાં તણખલાં ભેગાં થઈ અમળાય તો? હાથીને બાંધી શકાય એટલું એમાં બળ આવે. ત્યારે બળ ઢગલામાં નથી પણ આમળામાં છે. આપણા દેશમાં ૧૦૦ કરોડ માણસ છે પણ આપણામાં સંગઠન નથી. શકિત તો આપણામાં બહુ છે, પણ તે વેરવિખેર પડેલી છે. એ એકઠી થઈને અમળાઈ નથી. તેથી આપણે દુ:ખી છીએ. આપણે બધા પ્રેમથી એકબીજા સાથે જોડાઈએ તાે કોઈ દુ:ખી નહિ રહે.