સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/રાક્ષસની ચોટલી


શરીર તો આપણા હાથમાંનું ઓજાર છે. એનો જેવો ઉપયોગ કરવા ધારીએ તેવો થાય. શરીર કેળવાઈ જાય તો કેવું એકધારું કામ આપે છે! મહી નદીનાં કોતરોમાં હું રખડતો, ત્યારે અંધારી રાતે માઈલોના માઈલો ઊંઘતો ઊંઘતો ચાલતો. એક વાર મહીસાગરમાં ભરતી આવેલી. મારે સામે પાર જવું હતું. હોડી ચાલી ગયેલી, એટલે મેં તો ઝંપલાવ્યું અને તરતો તરતો સામે કાંઠે પહોંચી ગયો. પછી એવાં ને એવાં ભીને કપડે પાંચ માઈલ ચાલીને ગયો નજીકના ગામે. જેલમાં એક વાર મને દળવાનું કામ સોંપેલું. પહેલે દિવસે ૨૫ શેર અનાજ આપ્યું. મારાથી તે પૂરું ન થઈ શક્યું તેથી હું શરમાયો. બીજે દિવસે ઘંટીનો ખીલડો પકડી પભુને પ્રાર્થના કરી અને મનોમન સંકલ્પ કર્યો. ત્રણ કલાકમાં ૨૫ શેર અનાજ દળી કાઢયું! આજે હવે હું પોતે વિચારું છું, તો મનેય આ બધું માન્યામાં નથી આવતું. પણ એ હકીકત છે. શરીર તો રાક્ષસ છે રાક્ષસ. કહો તે કામ કરી આપે. પણ એની ચોટલી તમારા હાથમાં હોવી જોઈએ.