સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/— તો લગ્ન કેમ કર્યું?


ભાલ-નળકાંઠાના ગામમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્રા ને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વાર પછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઈક લેવા એ ખસી. એ ખસતી હતી ત્યાં મારી નજર એના પગ ઉપર પડી. પગ પાતળા દોરડી જેવા હતા. મેં સહજ પૂછ્યું, “કેમ બહેન, તમારે પગ નથી શું?” મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે એણે પાસે ઊભેલા પોતાના પતિ તરફ આંગળી કરીને કહ્યું : “પૂછી જુઓ એમને, કદી કાંઈ દુઃખ દીધું હોય તો! હું દળું છું, રસોઈ કરું છું, વાસણ માંજું છું, ઘર પણ લીંપું છું. માત્ર પાણી એમને ભરવું પડે છે.” ત્યાં એના પતિએ કહ્યું : “મહારાજ, એને પૂછી જુઓ કે કદી દુઃખ પડવા દીધું છે? મેં એને બધે જાત્રા કરાવી છે. ગાડી મળી ત્યાં ગાડી, મોટર મળી ત્યાં મોટર; પાલીતાણા ગયો ત્યારે ખભે બેસાડીને ડુંગર ઉપર લઈ ગયો હતો ને બધે દર્શન કરાવ્યાં હતાં.” હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. મેં પેલા ઓડને પૂછ્યું, “તમે લગ્ન કર્યાં તે પહેલાં આ બાઈ અપંગ છે એ જાણતા હતા?” “હા જી,” ઓડે કહ્યું. “તો લગ્ન કેમ કર્યું?” “મને થયું કે આ બિચારીની સેવા કોણ કરશે? આખી જિંદગી દુઃખી થશે. એટલે એની સેવા કરવા મેં તેની સાથે લગ્ન કર્યું.”