સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“એટલી અરજ છે —”

Revision as of 10:21, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાબરકાંઠાના એક ગામડાની વાત છે. ભૂદાન નિમિત્તે હું ત્યાં ગયો હતો. સભા પૂરી થઈ, એટલામાં એક ડોશી આવ્યાં. “અમે તો ગરીબ રહ્યાં, શું આલીએ?” એવું કંઈક મનમાં બબડતાં હતાં. શરૂશરૂમાં તો મને લાગ્યું કે એ કંઈક માગવા આવ્યાં છે. પણ મારી પાસે આવીને એમણે કહ્યું, “મા’રાજ, તમને આલવા જેવું મારી પાંહે કાંઈ નથી. આ દહ બકરીઓ છે, એમાંથી એક દૂઝણી બકરી આલું તો લેશો?” “કેમ નહિ? આ યજ્ઞમાં તો બકરીનું દાન પણ અમે સ્વીકારીએ છીએ. એ બકરી હું કંઈ સાથે તો નથી લઈ જવાનો — અહીંના જ કોઈ લાયક માણસને આપણે આપીશું. તો તમે કહો તેને આપી દઈએ.” “મેં બકરી તમને દાનમાં આલી દીધી. હવે તમ તમારે જેને આલવી હોય તેને આલી દ્યો.” “પણ હું તો ગામમાં કોઈને ઓળખતો નથી, એટલે તમે જ કોક લાયક માણસ શોધી કાઢો.” થોડી વાર વિચાર કરી ડોશી બોલ્યાં : “મા’રાજ, ગામમાં ભંગીનો એક સોકરો છે, એકલો છે બચારો; ઈને આલો તો?” મેં એ ભંગીના છોકરાને બોલાવડાવ્યો. એને ખબર પડી ગઈ હશે, એટલે એ હસતો હસતો આવ્યો. મેં એને કહ્યું, “આ માજી તને એક બકરી આપે છે. તું એને પાલવીશ?” એણે ખુશીથી હા પાડી. બકરી એને આપવામાં આવી. એના આનંદનો પાર નહોતો. બપોરે ભોજન કરી હું કાંતતો હતો, ત્યાં એ ડોશી ફરીથી આવ્યાં. બોલ્યાં : “મા’રાજ, હું એકલી છું. મારે બે ઘર છે. એકમાં હું રહું છું ને બીજામાં બકરીઓ રાખું છું. બકરીઓ તો વાડામાંયે રહી શકે. તો મારું આ બીજું ઘર છે તે પણ દાનમાં લઈ લ્યો.” ઘડીભર તો હું ડોશીની સામે તાકી જ રહ્યો. પછી મેં એમને કહ્યું : “માજી, તમારા ગામમાં કોઈ ઘર વગરનો માણસ છે?” થોડી વાર વિચાર કરી ડોશીએ કહ્યું : “હા, મા’રાજ, એક રાવણિયો છે. જો ઈને આલશો તો બહુ રાજી થશે.” મેં રાવણિયાને બોલાવડાવ્યો. તે આવ્યો. મેં એને પૂછ્યું : “આ ડોશીમા તમને રહેવા ઘર આપે, તો તે લેશો?” “શું કામ નહિ લઉં?” ખુશીમાં આવી એણે કહ્યું. “પણ ઘર જરા ઠીકઠાક કરવાનું છે.” “એ તો કરી લઈશ, બાપજી.” “પણ જો — એક શરત છે. આ ડોશીમા જીવે ત્યાં સુધી તારે એમની સેવા કરવી પડશે!” મેં હસતાં હસતાં કહ્યું. સેવા કરવાની વાત સાંભળી, પાસે બેઠેલાં ડોશી તરત બોલી ઊઠયાં : “ના, ના, મા’રાજ! સેવા કરાવવા હું ઈને ઘર નથી આલતી. એની પાંહે નથી, ને મારી પાંહે એક વધારાનું પડ્યું છે, એટલે હું ઈને આલું છું. મારે એની પાંહે સેવા નથી કરાવવી… મારી તો તમને એટલી અરજ છે કે એવું કંઈક લખીને આપો કે હું મરી જઉં પછી પણ એ ઘર એની પાંહેથી કોઈ લઈ ન લે!”