સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“ધર્માદાનું શી રીતે ખવાય?”


રાધનપુર વિભાગમાં સખત દુકાળ પડ્યો હતો. અનાજ પૂરતું મળે નહીં. એટલે દર અઠવાડિયે ગોળ મફત આપવામાં આવતો ને ચણા વેચાતા. ત્યાં પંચાસર ગામમાં ધૂળી કરીને એક કોળી બાઈ રહે. એનાથી સારી સ્થિતિના લોકો ગોળ મફત લે, પણ આ બાઈ ન લે. એને એક દીકરી. બંને મહેનત કરીને જીવે. ધૂળીને એક દીકરો હતો, એ મરી ગયો. એ પછી એનો ધણી પણ મરી ગયો. એને ત્યાં બે બળદ હતા, ૨૫ વીઘાં જમીન હતી ને થોડા પૈસા હતા. બાઈએ બળદ વેચી દીધા, એના રૂપિયા છસો ઊપજ્યા. એ રૂપિયા ગામના વણિક ગૃહસ્થને આપીને કહ્યું: “શેઠ, મરનારનું ભલું થાય એવા કામમાં આ રૂપિયા વાપરો.” પેલા ગૃહસ્થે તેમાંથી બાજુના ગામમાં કૂવો ને હવાડો કરાવ્યા. એ પ્રદેશમાં મીઠું પાણી જવલ્લે જ નીકળે. પણ ઈશ્વરકૃપાએ અહીં મીઠું પાણી નીકળ્યું. લોકો ખુશ ખુશ થઈ ગયા. પચાસ વીઘાં જમીન હતી. એ ધૂળીએ કૂતરાંને રોટલા ખાવા તથા પરબડીમાં આપી દીધી અને થોડા રૂપિયા હતા તેની ૩૩ તોલા ચાંદી લઈ રામજી મંદિરમાં ભગવાનનો મુગટ કરાવડાવ્યો. પોતાના ગામમાં એક પરબ પણ મંડાવી. આ ધૂળીને મળવાનું થયું ત્યારે મેં પૂછ્યું, “બળદ કેમ વેચી દીધા?” “મા’રાજ, એમનું મારાથી ખવાય? આ બળદ એમના હતા એટલે વેચી દીધા.” “જમીન દીકરીને આપી હોત તો?” “દીકરીને શું કામ આલું? એ એનું નસીબ લઈને નહીં આવી હોય?” મેં આગળ પૂછ્યું: “તમે ગોળ કેમ નથી લેતાં?” રાજ, બધી મિલકત ધર્માદા કરી લીધી. હવે મારાથી ધર્માદાનું શી રીતે ખવાય?” મને થયું: આ બાઈમાં સર્વસ્વ અર્પણ કરવાની આ શકિત ક્યાંથી આવી હશે? એટલી ઊચી ધર્મબુદ્ધિ એણે ક્યાંથી પ્રાપ્ત કરી હશે?