સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/નથી રે ખોવાણી



જીવને જે જે પૂજા નથી રે પૂજાણી,
જાણું હે જાણું ક્યાંયે નથી રે ખોવાણી.
જીવને જે જે સેવા નથી રે સધાણી,
જાણું હે જાણું ક્યાંયે નથી રે ખોવાણી!
જે ફૂલ ફૂટ્યાં નહીં,
ખર્યાં છે માટી મહીં,
જે નદી વેળુ મહીં,
ઊંડી સમાણી;
જાણું હે જાણું ક્યાંયે નથી રે ખોવાણી!
જીવને જે જે રહ્યું
છેલ્લું છેવાડું,
જાણું હે જાણું તેયે
નથી રે નકામું.
મારી સૌ અણજાગી—
મારી સૌ વણવાગી—
તમારા વીણાતારે ઝણણે છે વાણી;
જાણું હે જાણું ક્યાંયે નથી રે ખોવાણી!
(અનુ. જુગતરામ દવે)
[‘ગુરુદેવનાં ગીતો’ પુસ્તક]