સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રસિક બિશ્વાસ/ગુજરા હુઆ જમાના


વર્ષો પહેલાં એક ગુજરાતી યુવાન આફ્રિકાના કમ્પાલા શહેરની બ્રિટિશ એમ્બસિમાં કારકુનની નોકરી કરે. એની સાથે ઇટાલીની એક સમવયસ્ક યુવતી પણ નોકરી કરે. બંને યુવાન. બંને વચ્ચે ઓળખ થઈ—પ્રેમ થયો અને લગ્નબંધનમાં બંધાઈ ગયાં. મજાથી રહે. લગ્નજીવનનાં બેએક વર્ષ વીત્યાં હશે, ત્યાં કોઈ કારણસર બંને છૂટાં પડી ગયાં. યુવતી નોકરી છોડી ઇટાલી ચાલી ગઈ. યુવક નિવૃત્ત થઈ ભારત આવી આણંદમાં વસ્યો. મોટી વયે બીજું લગ્ન કર્યું. બાળકો પણ થયાં. ૨૨ વર્ષોનાં વહાણાં વીતી ગયાં. ભૂતકાળ ભુલાઈ ગયો. એક દિવસ એને ફ્રાન્સના પૅરિસ શહેરથી પત્ર મળ્યો. વાંચ્યો અને એનાં રુવાંટાં ખડાં થઈ ગયાં. વિષાદ છવાઈ ગયો. શું હશે? કોણે લખ્યું હશે? કેમ વિષાદમય બની ગયો? વગેરે માટે ભૂતકાળમાં ડોકિયું કરવું પડે. એ યુવકે ઇટાલિયન યુવતી સાથે છૂટાછેડા લીધા ત્યારે યુવતી સગર્ભા હતી, એની આ યુવકને ખબર નહીં. યુવતી ઇટાલી ગઈ. ત્યાં એક બાળકીને જન્મ આપી યુવતી મૃત્યુ પામી. એ બાળકી અનાથાલયમાં ઊછરીને ભણીગણીને મોટી થઈ. એને થયું કે, હું કેમ અનાથાશ્રમમાં ઊછરી? મારાં માતાપિતા કોણ? એ વાત યુવતીના મનમાં ઘોળાયા કરે! એની મા ડાયરી લખતી હતી. એ ડાયરીમાં એણે એ વાંચ્યું કે એની માતાનાં લગ્ન ભારતના કોઈ સુબોધ અમીન સાથે થયાં હતાં, એ એનો પિતા હતો. એને થયું કે, “હું કોઈનું ગેરકાયદે સંતાન નથી!” એણે નિર્ણય કર્યો: કોઈ પણ સંજોગોમાં મારા પિતાને શોધી કાઢી, “મારી માતાને કેમ ત્યાગી હતી?” એ પૂછીશ. આ દરમિયાન યુવતીને એક ધનવાન યુવાન સાથે પ્રેમ થયો. લગ્ન કર્યાં અને પૅરિસ રહેવા ચાલી ગઈ. એણે લીધેલો નિર્ણય એના મનમાંથી ખસવાનું નામ ન લે. એણે પતિને વાત કરી. એના નિર્ણયમાં પતિ સહમત થયો. એક દિવસ પ્લેનમાં બેસી બંને કમ્પાલા ગયાં. ત્યાંની સરકારને વાત કરી: “આ નામના માણસનંુ પેન્શન ઇન્ડિયામાં કયા સરનામે જાય છે?” જવાબ મળ્યો, “એ ભાઈ બ્રિટિશ સરકારની નોકરી કરતા હશે. એમનું પેન્શન બ્રિટનમાંથી મળતું હશે.” પાછી નિરાશા ઘેરી વળી. પણ અડગ નિર્ણય હતો. પાછાં લંડન ગયાં. ત્યાંથી સરનામું મેળવ્યું અને ૧૯૯૫માં એ યુવતીનો પત્ર એના પિતાને મળ્યો. બનેલી બધી વિગત એમાં લખેલી હતી. પેલો યુવાન સાઠી વટાવી ચૂક્યો હતો. આ નવી ઉદ્ભવેલી ઘટનાનો એને સ્વપ્નેય ખ્યાલ ન હતો. એ વાત વર્તમાન પત્નીને અને બાળકોને એણે કરી. સૌના મનમાં આનંદ છવાયો, પતિ-પત્નીને પુત્રી મળ્યાનો અને બાળકોને ‘દીદી’ મળ્યાનો. પિતાએ ભીની ભીની લાગણીસભર જવાબ વાળ્યો. યુવતીને બધી વિગત જણાવી અને ભારત આવવા સ્નેહભર્યું નિમંત્રણ પાઠવ્યું. એનો સ્વીકાર કરી પુત્રીએ ‘અમે આવીએ છીએ’નો ફોન પણ કર્યો. બંગલાનું રંગરોગાન થયું. સજાવટ થઈ. ઉપલા માળે પુત્રી-જમાઈને રહેવા શણગાર સજ્યા. ૧૯૯૫ના દિવાળીના તહેવારોમાં પુત્રી-જમાઈ મુંબઈ સહારા એરપોર્ટ પર ઊતર્યાં. પિતા કુટુંબસહ આવકારવા હાજર હતા! અને પિતાપુત્રી ભેટી પડ્યાં. આંસુઓની ધારા વરસી. એક સ્ત્રીનો અડગ નિર્ણય સિદ્ધ થયો. તેની, ‘ગુજરા હુઆ જમાના’ની આ એક સત્યકથા! [‘અખંડ આનંદ’ માસિક: ૨૦૦૧]