સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રસ્કિન બોન્ડ/ગુલદસ્તો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
મસૂરીના પહાડોના ઊચાણવાળા ભાગ તરફ ઓક વૃક્ષોનું ગાઢ જંગલ આવેલું છે. કબ્રસ્તાન થઈને જે રસ્તો ફંટાય છે, ત્યાંથી થોડેક દૂર ‘હંટર્સ લોજ’ નામનો એક પુરાણો, નાનો બંગલો જીર્ણ અવસ્થામાં હજુ ટકી રહ્યો છે. તેની આસપાસના બંગલાઓ સો-સવાસો વર્ષ જૂનાં, અંગ્રેજોનાં નિવાસસ્થાનો, લગભગ પડી ભાંગેલાં છે. ત્યાં કોઈ રહેતું નથી. કોઇમાં વાનરોએ અડ્ડો જમાવ્યો છે, તો કોકમાં રખડતાં કૂતરાં આશરો લે છે. એકાદમાં ઘુવડોએ, કાગડાઓએ માળા બાંધ્યા છે.
મસૂરીના પહાડોના ઊચાણવાળા ભાગ તરફ ઓક વૃક્ષોનું ગાઢ જંગલ આવેલું છે. કબ્રસ્તાન થઈને જે રસ્તો ફંટાય છે, ત્યાંથી થોડેક દૂર ‘હંટર્સ લોજ’ નામનો એક પુરાણો, નાનો બંગલો જીર્ણ અવસ્થામાં હજુ ટકી રહ્યો છે. તેની આસપાસના બંગલાઓ સો-સવાસો વર્ષ જૂનાં, અંગ્રેજોનાં નિવાસસ્થાનો, લગભગ પડી ભાંગેલાં છે. ત્યાં કોઈ રહેતું નથી. કોઇમાં વાનરોએ અડ્ડો જમાવ્યો છે, તો કોકમાં રખડતાં કૂતરાં આશરો લે છે. એકાદમાં ઘુવડોએ, કાગડાઓએ માળા બાંધ્યા છે.
‘હંટર્સ લોજ’ને અમારી સ્કૂલના બધા વિદ્યાર્થીઓ ‘મેકી હાઉસ’ તરીકે ઓળખતા. આ બંગલામાં મિસ મેકૅન્ઝી નામનાં વૃદ્ધા રહેતાં હતાં. સ્વભાવે એ બહુ માયાળુ અને પ્રેમાળ હતાં. સ્કૂલે જતાં કે આવતાં અમે તેમને વરંડાની મોટી આરામખુરશી પર પગ લંબાવીને બેઠેલાં ઘણી વાર જોતાં. ક્યારેક હાથ વડે ઇશારો કરી અમને બોલાવી તેમના બગીચાનાં જાંબુ, ચીકુ કે જામફળ આપતાં. એમણે એક કૂતરો પાળ્યો હતો—ટાઈગર. એ વરંડામાં બેઠો હોય તો કોઈની હિંમત નહોતી કે ત્યાં જાય.
‘હંટર્સ લોજ’ને અમારી સ્કૂલના બધા વિદ્યાર્થીઓ ‘મેકી હાઉસ’ તરીકે ઓળખતા. આ બંગલામાં મિસ મેકૅન્ઝી નામનાં વૃદ્ધા રહેતાં હતાં. સ્વભાવે એ બહુ માયાળુ અને પ્રેમાળ હતાં. સ્કૂલે જતાં કે આવતાં અમે તેમને વરંડાની મોટી આરામખુરશી પર પગ લંબાવીને બેઠેલાં ઘણી વાર જોતાં. ક્યારેક હાથ વડે ઇશારો કરી અમને બોલાવી તેમના બગીચાનાં જાંબુ, ચીકુ કે જામફળ આપતાં. એમણે એક કૂતરો પાળ્યો હતો—ટાઈગર. એ વરંડામાં બેઠો હોય તો કોઈની હિંમત નહોતી કે ત્યાં જાય.

Latest revision as of 11:47, 27 September 2022


મસૂરીના પહાડોના ઊચાણવાળા ભાગ તરફ ઓક વૃક્ષોનું ગાઢ જંગલ આવેલું છે. કબ્રસ્તાન થઈને જે રસ્તો ફંટાય છે, ત્યાંથી થોડેક દૂર ‘હંટર્સ લોજ’ નામનો એક પુરાણો, નાનો બંગલો જીર્ણ અવસ્થામાં હજુ ટકી રહ્યો છે. તેની આસપાસના બંગલાઓ સો-સવાસો વર્ષ જૂનાં, અંગ્રેજોનાં નિવાસસ્થાનો, લગભગ પડી ભાંગેલાં છે. ત્યાં કોઈ રહેતું નથી. કોઇમાં વાનરોએ અડ્ડો જમાવ્યો છે, તો કોકમાં રખડતાં કૂતરાં આશરો લે છે. એકાદમાં ઘુવડોએ, કાગડાઓએ માળા બાંધ્યા છે. ‘હંટર્સ લોજ’ને અમારી સ્કૂલના બધા વિદ્યાર્થીઓ ‘મેકી હાઉસ’ તરીકે ઓળખતા. આ બંગલામાં મિસ મેકૅન્ઝી નામનાં વૃદ્ધા રહેતાં હતાં. સ્વભાવે એ બહુ માયાળુ અને પ્રેમાળ હતાં. સ્કૂલે જતાં કે આવતાં અમે તેમને વરંડાની મોટી આરામખુરશી પર પગ લંબાવીને બેઠેલાં ઘણી વાર જોતાં. ક્યારેક હાથ વડે ઇશારો કરી અમને બોલાવી તેમના બગીચાનાં જાંબુ, ચીકુ કે જામફળ આપતાં. એમણે એક કૂતરો પાળ્યો હતો—ટાઈગર. એ વરંડામાં બેઠો હોય તો કોઈની હિંમત નહોતી કે ત્યાં જાય. મિસ મેકૅન્ઝીના બંગલામાં ગુલાબનાં મોટાં ફૂલો થતાં. ફૂલ જોઈ મારું મન ઘણી વાર લલચાતું; પરંતુ ટાઈગરની બીકે બગીચામાં પગ મૂકવાની હિંમત થતી નહીં. મેકૅન્ઝીની ઉંમર એંસીથી વધારે હશે. એક વાર તાનમાં આવી અમારા હાથ પકડી એ ગાતાં હતાં: “આઈ એમ એઇટી એન્ડ યુ આર એઈટ, બટ સી બોય્ઝ! માય લવલી ગેઈટ...” અમે બધા વિદ્યાર્થીઓ એમના હાથ પકડી બગીચાના ફુવારાની આસપાસ ગોળ ગોળ ફરતા. હસતા કૂદતા. આનંદમાં નાચતા... એંસી વર્ષથી વધારે ઉંમરનાં અમારાં ‘મેકીમાઈ’ ડોસીમાની જેમ વાંકાં વળીને ચાલતાં નહોતાં. પગની પાની સુધી લટકતું મોટું, જૂની ફૅશનનું રંગીન ફ્રોક પહેરતાં. અઠવાડિયામાં બેત્રણ વાર સાંજે કે સવારે અમે તેમને માલ રોડની દુકાનોમાંથી બ્રેડ, માખણ, ઈંડાં કે શાકભાજી ખરીદતાં જોતા. એક દિવસ અમારી સ્કૂલ કશાંક કારણોને લીધે બે કલાક વહેલી બંધ થઈ હતી. હું ઘર તરફ પાછો વળતો હતો ત્યારે જોયું તો મેકીમાઈ વરંડામાં બેઠાં બેઠાં ચા પીતાં હતાં. મેં હાથ ઊચો કરી કહ્યું: “ગુડ આફ્ટરનૂન, ગ્રેની...” “કમ કમ, સની, આજે સ્કૂલ વહેલી બંધ થઈ ગઈ? એકલો કેમ છે? તબિયત સારી છે ને? આવ, ચા પી...” નાક પર સરી આવેલાં ચશ્માં ઊચાં કરતાં મેકીમાઈ બોલી ઊઠ્યાં. બંગલાના ઝાંપામાં હું દાખલ થયો. વરંડાનાં પગથિયાં ચડતાં ચડતાં પૂછ્યું: “ગ્રેની, તમારો ટાઈગર છૂટો તો નથી ને?” “ના, પાછળના રૂમમાં એને બાંધી રાખ્યો છે. ચિંતા કર્યા વિના બેસ. બોલ, ચા પીશ? બનાવું?” તેમણે ચાની કીટલી ઉપાડતાં પૂછ્યું. “ના, ના, ગ્રેની, ચા પીતો નથી.” “વૅલ, તો પછી આ કેક ને પેસ્ટ્રી ખા. લે, કેક મેં ઘેર બનાવી છે.” મારી સામે નાના ટેબલ પર કેક અને પેસ્ટ્રીની મોટી ડિશ મૂકી. કેકનો એક ટુકડો લઈ હું ખાવા લાગ્યો. “તારું નામ શું છે? તારા પિતા. નોકરી. વતન.” મેકીમાઈ પૂછવા માંડ્યાં. મેં ટૂંકમાં બધું જણાવ્યું. પછી પ્રશ્ન કર્યો: “ગ્રેની, તમે અહીં એકલાં જ રહો છો?” એમણે ચાનો કપ નીચે મૂક્યો. નેપ્કિન વડે હોઠ લૂછ્યા. ચશ્માં ઊચાં કરીને એ બોલવા લાગ્યાં: “સની, હું વર્ષોથી અહીં એકલી જ રહું છું. પ્રથમ વિશ્વયુદ્ધથી, એટલે કે સન ૧૯૧૪થી. મારાં માતાપિતા, ભાઈઓ બધાં જ મરી પરવાર્યાં. મારે બીજું કોઈ સગુંવહાલું નથી. બીજી લડાઈ વખતે મેં દહેરાદૂન હોસ્પિટલમાં નર્સ તરીકે સેવાઓ બજાવી હતી, એટલે સરકાર થોડુંક પેન્શન આપે છે. તેનાથી ગુજરાન ચાલે છે. ક્યારેક ઇંગ્લેન્ડમાં રહેતી મારી સખીઓ, મિત્રો વગેરે ભેટ-સોગાદ મોકલતી રહે છે. ચાલે છે. ભગવાનની દયા છે.” “તમારાં અહીં કોઈ મિત્રો. નથી?” પેસ્ટ્રીનો એક ટુકડો મોંમાં મૂકતાં મેં પૂછ્યું. “ના, કોઈ નથી. ક્યારેક અહીંના ચર્ચના પાદરી મને મળવા આવે છે. બાકી આવનારામાં પોસ્ટમેન, દૂધવાળો, માળી... બસ. હા, મારો હંમેશનો સાથી છે, મારો વફાદાર ટાઈગર. અનિલ, તું કયા સ્ટાન્ડર્ડમાં છે?” “દસમામાં... ટેન્થમાં.” “વેલ, ગુડ.—હજુ તો તું અહીં બે વર્ષ રહેવાનો, કેમ?” “હા, ગ્રેની.” “હોસ્ટેલમાં રહે છે ને?” ઊનનો દડો તથા સોયો હાથમાં લઈ ગૂંથતાં ગૂંથતાં તેમણે પૂછ્યું. “યસ, ગ્રેની, મારાં પેરન્ટ્સ દિલ્હીમાં છે. બસ, હવે મને રજા આપો, જાઉં.” કહી હું ઊભો થયો. “ફરીથી પાછો આવજે, અનિલ.” અનિલ?... મારા એક મિત્રનું નામ અનિલ હતું. મારું નામ મેં મેકીમાને કહ્યું હતું, છતાં એ ભૂલી ગયાં હતાં. હું કંઈ બોલ્યો નહીં. અને વરંડાનાં પગથિયાં ઊતરતાં, હાથ ઊચો કરતાં, બોલ્યો: “બાય, ગ્રેની, સી યુ અગેન!”

*

મેકીમાઈને ફૂલછોડનો ભારે શોખ. પોતાના નાનકડા બગીચામાં ચીકુ, સફરજન, જાંબુ અને જામફળનાં વૃક્ષો તો ઉગાડ્યાં જ હતાં, પરન્તુ સાથે સાથે દેશી-વિદેશી ફૂલોના રોપાઓ ઘણા વાવ્યા હતા. હેલિયાઝ, ઓકિર્ડ, ક્રીથેન્સિયમ, ગ્લેડિઓલિ, બોગન જેવાં વિદેશી ફૂલો અને મોગરો, ગુલાબ, ચંપો, જૂઈ જેવાં દેશી ફૂલોની રંગીન સમૃદ્ધિથી મેકીમાઈનો બગીચો ખૂબ શોભી ઊઠતો. ફૂલઝાડ વિશે મેકીમાઈનું જ્ઞાન ઘણું સારું હતું. તદુપરાંત પક્ષીઓ અને પ્રાણીઓનાં જીવન તથા ટેવોની તેમને સારી માહિતી હતી. આ વિષયનાં અસંખ્ય રંગીન ચિત્રોવાળાં પુસ્તકો તેમની પાસે હતાં. વિવિધ પ્રકારનાં રંગબેરંગી પતંગિયાંનાં ચિત્રોનું એક આલ્બમ જોઈ હું તો મુગ્ધ થઈ ગયો હતો.

*

સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. વરસાદની મોસમ લગભગ પૂરી થવા આવી હતી. મેકીમાઈના બગીચામાં આફ્રિકન મેરીગોલ્ડ પૂરબહારમાં ખીલ્યાં હતાં. શનિવાર હતો એટલે સવારની સ્કૂલ હતી. અગિયાર, સવા અગિયાર વાગ્યા હશે. પુસ્તકોથી ભરેલી વજનદાર બૅગ ગળાની આગળ લટકાવી હું ધીમે ધીમે હોસ્ટેલ ભણી જતો હતો. મારી નજર મેકીમાઈનાં મેરીગોલ્ડ ફૂલ પર સ્થિર થઈ. ફ્લાવરવાઝમાં મૂકવા માટે એ સુંદર ફૂલો હતાં. અમારી હોસ્ટેલમાં અમારા રૅક્ટર સાહેબની ઓફિસ આગળ એક મોટું ગોળ ટેબલ હતું. તેના પર એક જૂનો, ખાલી વાઝ પડ્યો રહેતો. મને થયું, માઈના બગીચામાંથી થોડાંક ફૂલો તોડી પેલા વાઝમાં ગોઠવીશ તો રૅક્ટર સાહેબ ખુશ થશે. જે કોઈ જોશે, આનંદ પામશે. વરંડામાં તડકો હતો એટલે મેકીમાઈ એમની મોટી આરામખુરશીમાં બેઠાં નહોતાં. ધીમેથી, અવાજ ન થાય એમ ઝાંપો ઉઘાડી હું બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થયો. મેરીગોલ્ડનાં ફૂલો થોડાંક તોડ્યાં, એટલામાં મેકીમાઈ વરંડામાં આવી પહોંચ્યાં. હું એક છોડની આડમાં સંતાઈ ગયો. મેકીમાઈ કદાચ મને જોઈ ગયાં હતાં. વરંડાનાં પગથિયાં ઊતરી, સ્લીપરનો પટાક્ પટાક્ અવાજ કરતાં એ આવી પહોંચ્યાં મારી પાસે. આવ્યાં એટલે પસીનાથી ભીના થયેલા મારા ચહેરાને ખમીસની બાંય વડે લૂછતાં, અટકતાં અટકતાં મેં કહ્યું: “ગુડ મોર્નંગિ, ગ્રેની.” “ગુડ મોર્નિંગ, સની. પણ તું આમ છુપાયો છે શા માટે? તારે ફૂલો જોઈતાં હતાં તો મને કહેવું હતું. જો દીકરા, આ મેરીગોલ્ડનાં ફૂલ મને બહુ ગમે છે. ઝાડ ઉપર જ એ સુંદર લાગે છે.” “આઈ એમ વૅરી સોરી, ગ્રેની,” છોડની આડમાંથી બહાર આવતાં હું બોલ્યો. “ડોન્ટ વરી, ચાલ થોડાંક ફૂલ બીજાં તોડી લે. પણ શું કરીશ તું આ બધાં ફૂલોનું?” મારા ખભે હાથ મૂકતાં તેમણે પૂછ્યું. “ગ્રેની, અમારી હોસ્ટેલમાં એક વાઝ ઘણા દિવસોથી ખાલી પડ્યો છે, તેમાં મૂકવાં છે.” ચાર-પાંચ ફૂલો દાંડી સાથે તોડી લીધાં અને મારી બૅગમાંથી એક પ્લાસ્ટિક-થેલી કાઢી તેમાં સાચવીને મૂકી દીધાં. “ચાલ ઉપર, વરંડામાં બેસી વાતો કરીએ.” અમે વરંડામાં જઈને બેઠાં. હાથમાં ઊનનો દડો અને સોયો લઈ તેમણે મને પૂછ્યું, “અનિલ, તને ફૂલોે ખૂબ ગમે છે, કેમ?” “હા, ગ્રેની, મારે બોટનિસ્ટ થવું છે.” “સરસ. પણ તને ફૂલોનાં નામની ખબર છે?” “હા, તમારા બગીચાનાં ઘણાંખરાં ફૂલનાં નામ હું જાણું છું. જુઓ પેલા ઝાંપા પાસેનો છોડ ‘બટરકપ’નો છે. પેલી બોગન છે, તેની પાસે એગ્ઝોરા છે, પેલા ખૂણામાં ડૅલિયા, પછીની ક્યારીમાં ઓકિર્ડ. હા, પેલાં પીળાં-લાલ ફૂલોવાળા, બદામ જેવા આકારનાં પાંદડાંવાળા છોડના નામની ખબર નથી.’ “એ છે ગોલ્ડબોગન, તેને વાઇલ્ડ બોગન પણ કહે છે. વચ્ચે પેલી ગોળ ક્યારીમાં છે—જાંબુડી રંગના ફૂલોવાળો છોડ તે સેલ્વિયાનો. તેં ફૂલોનું પુસ્તક જોયું છે? બેસ, હું લઈ આવું...” કહી મેકીમાઈ ઊભાં થઈને અંદર ગયાં. દસેક મિનિટ બાદ હાથમાં એક મોટું પુસ્તક લઈને આવી પહોંચ્યાં. મને તેમની બાજુમાં બેસવા કહ્યું. “જો અનિલ, આ પુસ્તકનું નામ છે ‘ફ્લોરાં હિમાલીઅન્સિસ’. ઘણું જૂનું છે.” મેકીમાઈએ પુસ્તકનું લાલ પૂંઠું ખોલતાં કહ્યું. મેં અંદર નજર નાંખી—સન ૧૮૯૨માં પ્રકાશિત થયેલું હતું. “હિન્દુસ્તાનમાં કદાચ આ પુસ્તક કોઈની પાસે હવે નહીં હોય. આ પુસ્તકમાં હિમાલયની વનસ્પતિ વિશે વિપુલ માહિતી આપવામાં આવી છે. આનો લેખક વર્ષો સુધી હિમાલયની તળેટીઓમાં ફર્યો હતો અને બધી માહિતી એકઠી કરી હતી. ફૂલોના શોખીન લોકો માટે આ પુસ્તક અમૂલ્ય છે. આમાં ઘણાં અજાણ્યાં જંગલી ફૂલોની જાતોનું વર્ણન છે. તને આમાં ખૂબ રસ પડશે. હા, અને તારે બોટનિસ્ટ થવું છે ને? એટલે તો તને ઘણું ઉપયોેગી થશે. ચાલો આપણે જોઈએ.” કહી તેમણે પાનાં ફેરવવા માંડ્યાં. એ રંગબેરંગી ચિત્રો બતાવતાં અને ઓળખાવતાં ગયાં. “આમાંનાં ઘણાં ફૂલઝાડ મસૂરીમાં જોવા મળતાં નથી. તારે હિમાલયની તળેટીમાં બધે ઘૂમવું પડશે, આ ચિત્રોમાં બતાવેલાં ફૂલઝાડ શોધી કાઢવાં પડશે. તું બોટનિસ્ટ થવાનો છે ને? અને પછી આવું સુંદર પુસ્તક તું પણ તૈયાર કરજે હોં..” “હા, ગ્રેની, જરૂર તૈયાર કરીશ.” મેં હકારમાં માથું હલાવતાં કહ્યું. “ચાલ હવે અંદર જઈએ,” પુસ્તક બંધ કરતાં એ બોલ્યાં. “તને સરસ કોફી પિવડાવું. ચાલ.” થોડાક સંકોચ સાથે હું તેમની પાછળ ગયો. રસોડાના પ્લૅટફોર્મ પર બે સ્ટવ હતા, એક નાનો અને બીજો મોટો. બેઉ વાટવાળા સ્ટવ હતા. નાના સ્ટવની વાટોને દીવાસળી વડે સળગાવી તેના પર પિત્તળની કીટલી મૂકી. કીટલીમાં પાણી ભરેલું હતું. પ્લૅટફોર્મ આગળ બે મૂડા પડ્યા હતા. મને મૂડા પર બેસવાનું મેકીમાઈએ કહ્યું. પછી તે પણ મારી બાજુના મૂડા પર બેસી ગયાં. ફૂલોનાં રંગીન ચિત્રોવાળું પુસ્તક મેકીમાઈએ ડાઇનિંગ ટેબલ પર મૂક્યું હતું. કોફી તૈયાર થતી હતી તે દરમિયાન એ પુસ્તક ખોલી હું ફૂલોનાં નામ વાંચતો હતો અને ચિત્રો જોતો હતો. “ગ્રેની, હું આમાંથી થોડાંક ફૂલોનાં નામ મારી નોટબુકમાં લખી લઉં?” મેં પૂછ્યું. “જરૂર, નોંધી લે.” કીટલીમાંથી કપમાં કોફી રેડતાં તેમણે કહ્યું. “થોડાંક નામ અત્યારે લખી લઉં, બાકીનાં ફરીથી આવીશ ત્યારે.” “યુ આર વેલકમ એની ટાઇમ. લે, પહેલાં કોફી અને બિસ્કિટ.” કોફી અને બિસ્કિટ લઈ, થોડાંક ફૂલોની નોંધ કરી હું મારી હોસ્ટેલે જવા ઊભો થયો. “ગુડ બાય, ગ્રેની, એન્ડ થેન્ક યૂ વેરી મચ. બાય!” “યૂ આર ઓલ્વેઝ વેલકમ, સની. બાય!” વરંડામાં આવી હાથ ઊચો કરી મેકીમાઈએ મને વિદાય આપી. પછી તો બસ નવાં નવાં ફૂલોનાં નામો, જાતો, રંગોની વિવિધતા, અનોખી સુગંધ વગેરેની મારી ઘેલછા ખૂબ વધી ગઈ. સ્કૂલની રિસેસમાં, ક્યારેક સાંજના, મસૂરીની પહાડીઓમાં ફૂલઝાડની શોધમાં ફરવા લાગ્યો. અજાણ્યાં નવાં ફૂલોે લાવી મેકીમાઈને બંગલે જતો; તેમને બતાવી તેનાં નામ જાણતો. પેલા પુસ્તકમાં ફૂલોનાં જે ચિત્રો હતાં તેની સાથે તોડી આણેલાં મારાં ફૂલોની સરખામણી કરતો.

*

સ્કૂલમાં ભણવામાં, રમતો રમવામાં, ટમિર્નલ પરીક્ષાની તૈયારીમાં અને સમય મળે ત્યારે જંગલી ફૂલો વીણવામાં, રખડવામાં, મેકીમાઈ સાથે વાતો કરવામાં દિવસો વીતતા ગયા. અમારી સ્કૂલમાં ઓક્ટોબરના અંતમાં વૅકેશન પડતું. ઓક્ટોબર પૂરો થવાને દસ દિવસ બાકી હતા. સપ્ટેમ્બરની શરૂઆતથી જ ક્યારેક તો મસૂરીમાં બરફ પડવા માંડે છે. હિમાલયનાં ઊચાં ઊચાં શિખરો પર બરફ જામતો જાય છે. હિમાચ્છાદિત શિખરોની પાછળ સ્વચ્છ, ભૂરું આકાશ ઝળૂંબતું દેખાય છે. સૂર્યાસ્તના સમયે શિખરો પર અનોખી રંગલીલાનાં દર્શન થાય છે. નારંગી રંગમાં રંગાયેલાં શિખર પર એકાએક સોનેરી રંગનું વિશાળ મોજું પથરાઈ જાય... પછી ક્ષણમાં લાલ. પ્રકાશ ક્ષીણ થતાંની સાથે શિખરો સૂવાની તૈયારી કરતાં ન હોય એમ પોતાના ધુમ્મસના બિસ્તરાઓ ખોલવા માંડે. રંગસાગરનાં મોજાં ધીરે ધીરે વિલીન થઈ જાય. સ્કૂલની ટર્મનો છેલ્લો દિવસ હતો. સાંજે હોસ્ટેલ તરફ જતી વખતે મેકીમાઈને મળવાનું મેં નક્કી કર્યું હતું. તેમને ‘ગુડ બાય’ કહેવા માટે ઝાંપો ઉઘાડી ચોગાનમાં દાખલ થયો. બંગલાના બારણે તાળું જોયું. મેકીમાઈની રાહ જોતો વરંડામાં પડેલા મૂડા પર બેઠો. પછી બગીચામાં ફરવા લાગ્યો. થોડીક વારમાં મેકીમાઈ આવી પહોંચ્યાં. બેઉ હાથમાં થેલીઓ તથા પડીકાં હતાં. પાછળ ટાઈગર ભસતો કૂદતો હતો. ટાઈગરને જોઈ હું થોડોક ડર્યો. એ પાસે આવ્યો, મારા પગ સૂંઘ્યા અને જતો રહ્યો. એ હવે મને ઓળખી ગયો હતો. “હલો ગ્રેની, ગુડ આફ્ટરનૂન.” મેં મેકીમાઈના હાથમાંથી પડીકાં લેતાં કહ્યું. “ઓહ અનિલ, તું ક્યારે આવ્યો?” મેકીમાઈએ હાંફતાં હાંફતાં પૂછ્યું. “પંદર-વીસ મિનિટ થઈ હશે. આવતી કાલે હું મારે ઘેર, દિલ્હી જવાનો છું. જતાં પહેલાં તમને મળવા આવ્યો છું.” “એમ? તારું વેકેશન કાલથી જ શરૂ થશે? ઓહ, આઈ વિલ મિસ યૂ વેરી મચ, સની! તારા વગર મને નહીં ગમે. વેલ... વેલ...” અમે પગથિયાં ચઢી વરંડામાં આવ્યાં, તાળું ઉઘાડી અંદર ગયાં. રસોડાના પ્લૅટફોર્મ પર બધો સામાન મૂકી અમે ડ્રોઇંગરૂમમાં આવ્યાં અને નેતરના સોફાસેટ પર બેઠાં. “કેટલા દિવસ પછી પાછો આવીશ, અનિલ?” તેમણે પૂછ્યું. “ક્રિસ્મસ પછી.” “ક્રિસ્મસ પછી? ઓહ, સો મેની ડેઝ! વેલ, યુ કાન્ટ હેલ્પ. બેસ, તારે માટે ચોકલેટ ડ્રિંક બનાવી લાવું.” “ગ્રેની! એની જરૂર નથી.” “ના, ના, તું લાંબા વખત માટે જવાનો છે. તારે કંઈક લેવું જ જોઈએ.” એમ કહી એ અંદર ગયાં અને ત્યાં સુધી હું ટેબલ પર પડેલું જૂનું ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ જોવા લાગ્યો. નાની ટ્રેમાં તે ચોકલેટ મિલ્કનો મોટો કપ લઈ આવ્યાં. ‘વીકલી’ સોફા પર મૂકી, હું દૂર દેખાતાં હિમાલયનાં શિખરો ભણી જોઈ રહ્યો. હાથ ઊચો કરીને મેં પૂછ્યું: “ગ્રેની, પેલું જે દેખાય છે તે શિખર કેટલું ઊેચું હશે?” “ચારેક હજાર મીટર ઊચું હશે. મને ઘણી વાર ત્યાં જવાનું મન થાય છે. ત્યાં જે ફૂલો થાય છે તે અહીં કદી જોવા મળતાં નથી. પેલા પુસ્તકમાં તેનાં ચિત્રો પણ છે. બ્લુ જેન્ટેન, પર્પલ કોલંબાઈન, એનિમોન. વગેરે ફૂલો ચાર હજાર મીટરની ઊચાઈ પર જ ઊગે છે.” “ગ્રેની, હું બોટનિસ્ટ થઈશ ત્યારે એ શિખર પર જરૂર જઈશ.” “જજે, ચોક્કસ જજે.” કહીને મેકીમાઈ પાસેના ટેબલ પર પડેલું પેલું પુસ્તક ‘ફ્લોરા હિમાલીઅન્સિસ’ લઈને બ્લુ જેન્ટેન, પર્પલ કોલંબાઈન વગેરે ફૂલોનાં ચિત્રો મને બતાવવા લાગ્યાં. લગભગ કલાક વીતી ગયો. હું ઊભો થયો. “ગ્રેની, હું જાઉં હવે. કાલે સવારની બસમાં જવાનું. સામાન, પુસ્તકો વગેરે બાંધવાનું બાકી છે.” “લે, આ પુસ્તક તું લઈ જા તારી સાથે.” કહીને મેકીમાઈએ પુસ્તક મારી સામે ધર્યું. “પરન્તુ ગ્રેની, હું જાન્યુઆરીમાં તો આવવાનો છું.” “ભલે, આવજે. પણ ઘરડાંની જિંદગીનો શો ભરોસો? આ પુસ્તક પસ્તીવાળાના હાથમાં જાય એવું હું નથી ઇચ્છતી. લઈ લે, તારા દફ્તરમાં મૂકી દે.” “પણ ગ્રેની...” “કંઈ નથી સાંભળવું મારે. લાવ તારું દફતર, હું જ મૂકી દઉં!” અને તેમણે દફતરમાં એ પુસ્તક મૂકી દીધું. “ગુડ બાય, ગ્રેની, એન્ડ થેન્ક યુ વેરી મચ,” કહી હું બંગલાનાં પગથિયાં ઊતરી ઝાંપા ભણી ચાલવા લાગ્યો. અમે બેઉ ઉદાસ હતાં. મારા પગ ભારે થઈ ગયા હતા.

*

દિલ્હી આવ્યા પછી બે-ત્રણ દિવસ સુધી મને કંઈ ગમ્યું નહીં. મસૂરી યાદ આવતું હતું. “ઘેર સુખરૂપ પહોંચી ગયો છું. કુશળ છું. તમારા સમાચાર લખશો,” એમ કાર્ડમાં મેકીમાઈને લખી, ટપાલપેટીમાં નાખ્યું. માતાપિતા તથા ભાઈ-બહેનો સાથે વાતો કરવામાં, ટીવી-સિનેમા જોવામાં, મિત્રોને ઘેર જવામાં, બાગ-બગીચામાં ફરવામાં દિવસો વીતવા લાગ્યા. દિવાળી તથા નવા વર્ષના તહેવાર આનંદપૂર્વક ઊજવ્યા. નવા વર્ષની ભેટરૂપે મેકીમાઈએ મને પોસ્ટ-પારસલ મારફતે એક સુંદર ગુલાબી રંગનું ઊનનું મફલર મોકલ્યું. તેની સાથે તેમનો પત્ર પણ હતો. આ મફલરને ગૂંથતાં મેં તેમને જોયાં હતાં. પત્રમાં લખ્યું હતું કે બરફ અને વરસાદ પડે છે. ઠંડી પણ અસહ્ય છે. છતાં ધીમે ધીમે તેઓ બધું કામ કરે છે. તબિયત સારી છે. મારા આવવાની પોતે રાહ જુએ છે. હિમવર્ષાને લીધે તેમના બગીચાને ઘણું નુકસાન થયું છે. મેં પણ કાર્ડ લખી મારા કુટુંબના તથા દિલ્હીના વાતાવરણના સમાચાર મેકીમાઈને જણાવ્યા. દિવસો વીતતા ગયા. નાતાલના તહેવાર આવી પહોંચ્યા. મેકીમાઈને મારે નાતાલ નિમિત્તે ભેટ મોકલવી હતી. કોની સાથે મોકલવી તેની મૂંઝવણમાં હતો. ત્યાં જાણવા મળ્યું કે પી.ડબલ્યુ.ડી.માં નોકરી કરતા મારા એક કાકા સરકારી કામે મસૂરી જવાના છે. મેકીમાઈ માટે તેમને ભાવતાં ફળો—સફરજન, દ્રાક્ષ, આલુ વગેરેનો નાનકડો કરંડિયો તથા બરફીનું પૅકેટ મોકલ્યાં. તેમના સામાન્ય રીતે હવામાં ઊડતા બોબ્ડ હૅર માટે એક મીનાકારીવાળી ચાંદીની હૅરપિન મોકલી. હૅરપિન પર રંગીન ફૂલોનું નકશીકામ હતું. તેમને ગમશે એમ હું માનતો હતો. અને ખરેખર તેમને પિન ખૂબ ગમી. તરત તેમનો પત્ર આવ્યો, તેમાં લાગણીપૂર્વક મારો તથા મારાં માતાપિતાનો આભાર તેમણે વ્યક્ત કર્યો હતો. બરફી પણ ભાવી વગેરે.

*

જાન્યુઆરીનાં ત્રણ અઠવાડિયાં પૂરાં થયાં. મસૂરી જવાની હું તૈયારી કરતો હતો ત્યાં મને મેકીમાઈનો પત્ર મળ્યો. માઠા સમાચાર હતા. તેમનો વફાદાર અને પ્રિય કૂતરો ટાઈગર ઠંડીને લીધે મૃત્યુ પામ્યો હતો. મેં દિલગીરી અને આશ્વાસન વ્યક્ત કરતો પત્ર મેકીમાઈને લખ્યો. હું એકાદ અઠવાડિયામાં મસૂરી આવી જઈશ, એમ જણાવ્યું. બે દિવસ બાદ હું મસૂરી જવા રવાના થવાનો હતો. ટિકિટ પણ આવી ગઈ હતી. અને સાંજે તાર મળ્યો, મારા પ્રિન્સિપાલનો. તેમાં તેમણે જણાવ્યું કે મેકીમાઈ ન્યુમોનિયા થવાથી મરણ પામ્યાં છે. ખૂબ આઘાત લાગ્યો. અનેક વિચારો, દૃશ્યો, લાગણીઓનાં મોજાં ઊઠ્યાં, ટકરાયાં. મન ખૂબ બેચેન અને અશાન્ત બન્યું. રવિવારે બપોરે હું મસૂરી પહોંચી ગયો. હોસ્ટેલમાં સામાન મૂકી, ઉતાવળો ‘મેકી હાઉસ’ ભણી ચાલવા લાગ્યો. હોસ્ટેલના પટાવાળાએ કહ્યું હતું કે સાંજના મેકીમાઈની દફનવિધિ છે; પ્રિન્સિપાલ સાહેબ તથા બીજા ‘ફાધરો’ પણ ત્યાં જ ગયા છે. ‘મૅકી હાઉસ’ આગળ ખાસ્સી ભીડ હતી. કૅથોલિક ધર્મનાં સ્ત્રીપુરુષો કાળાં વસ્ત્રો પહેરી કમ્પાઉન્ડમાં ઊભાં હતાં. કોફિન લઈ જવાની તૈયારીઓ ચાલતી હતી. બેઉ હાથ જોડી, આંખો બંધ કરી હું ઝાંપા આગળ ઊભો રહ્યો. મેકીમાઈના આત્માને ચિરશાન્તિ મળે તે માટે પ્રભુને પ્રાર્થના કરી. થોડીક મિનિટ બાદ આંખો ખોલી હું બગીચાનું નિરીક્ષણ કરવા લાગ્યો. બરફ, વરસાદ અને હિમપાતથી બગીચો નાશ પામ્યો હતો. ફૂલના છોડ ઝૂકી પડ્યા હતા. ઝાડનાં પાદડાં સુકાઈ ખરી ગયાં હતાં. મેકીમાઈના કોફિન પર થોડાંક ફૂલો મૂકવાની મારા મનમાં ખૂબ ઇચ્છા હતી. બજારમાંથી લઈ આવું એટલો સમય પણ નહોતો. ઝાંપા આગળથી ધીમેથી સરકી હું બંગલાની પાછળના ભાગમાં ગયો. ત્યાં મેરીગોલ્ડ ફૂલનાં ઝાડ હતાં. એક પર ત્રણ ફૂલો જોયાં. હળવેથી તોડી, રૂમાલમાં મૂકી દીધાં. સ્મશાનયાત્રા શરૂ થઈ. સાંજ વહેલી પડી ગઈ હતી, આકાશમાં થોડાંક વાદળાં હતાં. ચર્ચના પાદરી, ધર્મગુરુ તથા અમારી સ્કૂલના ફાધર, બીજા થોડાક કૅથોલિકો સ્મશાનયાત્રામાં ભેગા થયા હતા. સૌની પાછળ હું ચાલતો હતો. અમે કબ્રસ્તાનની પાછળના ભાગમાં આવ્યા. ત્યાં પાઈનવૃક્ષોનાં ઝુંડ નીચે કોફિન ઉતારવામાં આવ્યું. પ્રાર્થના તથા અન્ય ધામિર્ક ક્રિયાઓ બાદ કોફિનને દફનાવવાની ઘડી આવી. કોફિન પર ફૂલો મૂકવા હું આગળ ગયો. ફૂલો ચડાવી, હાથ જોડી પ્રાર્થના કરી. આંખોમાંથી અનાયાસ આંસુ ટપકવા લાગ્યાં. પ્રિન્સિપાલ મારી પાસે જ ઊભા હતા તેની મને ખબર નહોતી. તે મારા માથા પર હાથ ફેરવી, આશ્વાસન આપવા લાગ્યા. દફનવિધિ પૂરી થતાં હું પ્રિન્સિપાલ સાથે હોસ્ટેલ ભણી ચાલવા લાગ્યો. પ્રિન્સિપાલે મને મેકીમાઈની માંદગી, મારા પ્રત્યે તેમનો સ્નેહ, ફૂલોના પ્રેમ વગેરેની વાતો કરી. મેકીમાઈએ મારે વિશે તેમને બધી વાતો કહી હતી. ‘અનિલ’ નામના ગોટાળાની વાત જાણી, પરંતુ મારી ‘બોન્ડ’ અટક પરથી તેમણે મને ઓળખી કાઢ્યો હતો અને મેકીમાઈની ઇચ્છા મુજબ તેમણે મને દિલ્હી તાર કર્યો હતો. ખૂબ વરસાદ અને હિમવર્ષાને લીધે મેકીમાઈ ન્યુમોનિયામાં સપડાઈ ગયાં હતાં અને વૃદ્ધાવસ્થાને લીધે એકાએક હાર્ટફેલ થતાં મૃત્યુ પામ્યાં. મારાં માનસચક્ષુ સમક્ષ બધાં ચિત્રો પ્રગટ થયાં.

*

સ્કૂલથી હોસ્ટેલ જતાં રોજ ‘મેકી હાઉસ’ આગળ મારા પગ થંભી જાય છે. થોડીક વાર ઊભો રહી ભૂતકાળનાં સુખદ સ્મરણોને વાગોળી લઉં છું. બગીચો ઉજ્જડ બન્યો છે. બંગલાના દરવાજે તાળું લટકે છે. ચારેકોર સૂમસામ, ઉદાસ વાતાવરણ છે. ગુલાબના છોડ સુકાઈ ગયા છે, ફૂલો કરમાઈ ખરી ગયાં છે. મને મેકીમાઈએ પત્રમાં લખી મોેકલેલી કવિતાની પંકિતઓ યાદ આવે છે: Fairest things have fleetest end, Their scent survive their close; For roses’ scent is bitterness to him, That loved the rose. એક દિવસ સાંજે ‘મેકી હાઉસ’નો ઝાંપો ઉઘાડી, વરંડામાંનાં પગથિયાં પર જઈને બેઠો અને ત્યાંથી દેખાતાં હિમાલયનાં શિખરો ભણી જોઈ રહ્યો. ત્યાં ભૂખરા રંગની રિબન જેવી એક પગદંડી દેખાતી હતી. તેના કિનારા પર ભૂરાં, ઘેરા આસમાની રંગનાં ફૂલોનાં વૃક્ષો હતાં. મને લાગ્યું, મેકીમાઈ તેમનો આસમાની રંગનો ગાઉન પહેરી ત્યાં નવાં અજાણ્યાં ફૂલો, બ્લ્યુ જેન્ટન, પરપલ કોલંબાઈન શોધવા નીકળ્યાં છે. પગદંડી પર, વોકિંગ સ્ટિક ઠોકતાં એ ઉપર ને ઉપર ચડતાં જાય છે. (અનુ. ર. પ્રા. રાવલ)
[‘બુદ્ધિપ્રકાશ’ માસિક: ૨૦૦૫]
[ઘણાં વરસો પહેલાં મૂળ અંગ્રેજી વારતા વાંચીને અનુવાદક જાતે અમદાવાદથી મસૂરી ગયેલા—એ બંગલો, એ હોજ, એ ફુવારો જોવા.]