સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર પ્રસાદ/ચંપારણમાં ચિનગારી

From Ekatra Wiki
Revision as of 11:54, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી હિંદુસ્તાનનાં મુખ્ય મુખ્ય સ્થળોની મુલાકાત લેતા લેતા કલકત્તા આવ્યા હતા. તેમના સ્વાગત માટે ત્યાં સભા રાખવામાં આવી હતી. એ વખતે લોકો તેમને ‘કર્મવીર ગાંધી’ કહેતા. તે કસવાળું સફેદ અંગરખું અને ધોતિયું પહેરતા, માથે સફેદ ફેંટો બાંધતા, ખભે ખેસ રાખતા, પણ પગરખાં નહોતા પહેરતા. તેમના દક્ષિણ આફ્રિકાના કાર્ય વિશે મેં છાપામાં વાંચેલું, એટલે એમની સ્વાગત-સભામાં હું ગયેલો. આ ૧૯૧૫ની વાત છે. ગોખલેએ ગાંધીજી પાસેથી વચન લીધેલું કે પોતે હિંદુસ્તાનમાં ફરીને દેશની સ્થિતિ જાતે નિહાળશે, પણ એક વરસ સુધી કોઈ પણ પ્રકારની ચળવળમાં ભાગ નહીં લે-અને ભાષણ પણ નહીં કરે. આ સમારંભ એ એક વરસ દરમિયાન થયેલો એટલે, ઘણું કરીને, તેઓ તેમાં કાંઈ બોલ્યા નહોતા. ૧૯૧૬ના ડિસેમ્બરમાં કોંગ્રેસનું અધિવેશન લખનૌમાં ભરાયું, ત્યાં ગાંધીજી આવ્યા હતા. બિહારના ચંપારણ વિસ્તારના રાજકુમાર શુક્લ વગેરે ખેડૂત આગેવાનો કોંગ્રેસ આગળ પોતાનું દુખ રડવા આવ્યા હતા. તેઓ ગાંધીજીને પણ મળ્યા અને ચંપારણના ખેડૂતોની વિટંબણાની વાત કરી.

*

ચંપારણમાં જેમ આંબાનાં વન છે, તેમ ૧૯૧૭માં ત્યાં ગળીનાં ખેતરો હતાં. ચંપારણના ખેડૂતો પોતાની જ જમીનના ૩/૨૦ ભાગમાં ગળીનું વાવેતર તેના મૂળ [ગોરા] માલિકો સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ ‘તીન કઠિયા’ કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર, એનું નામ તીન કઠિયાનો રિવાજ. હું ચંપારણનાં નામનિશાન જાણતો નહોતો. ગળીનું વાવેતર થાય છે એ ખ્યાલ પણ નહીં જેવો જ હતો. ગળીની ગોટી જોઈ હતી, પણ એ ચંપારણમાં બનતી હતી ને તેને અંગે હજારો ખેડૂતોને દુખ વેઠવું પડતું હતું એની કશી ખબર નહોતી. રાજકુમાર શુક્લ ઉપર દુખ પડેલું. એ દુખ તેમને કઠતું હતું. આ ગળીનો ડાઘ બધાને સારુ ધોઈ નાખવાની ધગશ તેમને થઈ આવી હતી. લખનૌની મહાસભામાં હું ગયો ત્યાં આ ખેડૂતે મારો કેડો પકડ્યો. ત્યારે બાબુ બ્રીજકિશોરપ્રસાદે ગાંધીજીને કહેલું કે, ચંપારણને લગતો એક ઠરાવ આપ કોંગ્રેસમાં રજૂ કરો. પણ ગાંધીજીએ પોતે ઠરાવ મૂકવાની ના પાડી. તેમણે કહ્યું કે, હું પોતે જોઈ કરીને બધી બાબતોથી માહિતગાર ન થાઉં ત્યાં સુધી ઠરાવ રજૂ ન કરી શકું; પણ અલબત્ત તમે કહો છો તે કેટલું સાચું છે તે જોવા માટે ચંપારણ જરૂર આવું. પછી બ્રીજકિશોરબાબુએ ઠરાવ મૂક્યો અને તે પસાર થયો.

*

રાજકુમાર શુક્લને તેટલેથી જ સંતોષ ન થયો. તે તો મને જાતે ખેડૂતોનાં દુખ દેખાડવા માગતા હતા. મેં કહ્યું, “મારા ભ્રમણમાં હું ચંપારણને પણ લઈશ, ને એક-બે દિવસ આપીશ.” હું [અમદાવાદ] આશ્રમમાં ગયો, તો રાજકુમાર શુક્લ મારી પૂઠે જ હતા : “અબ તો દિન મુકરર કીજિયે.” મેં કહ્યું, “જાઓ, મારે ફલાણી તારીખે કલકત્તા જવું છે, ત્યાં આવજો ને મને લઈ જજો.” ક્યાં જવું, શું જોવું, શું કરવું, એની મને કશી ખબર નહોતી. કલકત્તામાં હું ભૂપેનબાબુને ત્યાં પહોંચું તેના પહેલાં એમણે તેમને ત્યાં ધામો નાખ્યો જ હતો. આ અભણ, અણઘડ પણ નિશ્ચયવાન ખેડૂતે મને જીત્યો. ૧૯૧૭ના આરંભમાં કલકત્તાથી અમે બે જણ રવાના થયા. બંને સરખી જોડી. બંને ખેડૂત જેવા જ લાગીએ. પટણા ઊતર્યા. પટણાની આ મારી પહેલી મુસાફરી હતી. ત્યાં હું કોઈને ઘેર ઊતરી શકું એવી ઓળખાણ કોઈની સાથે મને નહોતી. મારા મનમાં એમ હતું કે, રાજકુમાર શુક્લને કંઈ વગવસીલો તો હશે જ. પણ પટણામાં પોત કળાઈ ગયું. તેમણે જેમને મિત્ર માન્યા હતા, તે વકીલો તેમના મિત્ર નહોતા. ખેડૂત અસીલ અને વકીલોની વચ્ચે તો ચોમાસાની ગંગાના પહોળા પટ જેટલું અંતર હતું. મને તે રાજેન્દ્રબાબુને ત્યાં લઈ ગયા. રાજેન્દ્રબાબુ પુરી કે [બીજે] ક્યાંક ગયા હતા. બંગલે એકબે નોકર હતા. બિહારમાં તો છૂતાછૂતનો રિવાજ સખત હતો. મારી ડોલના પાણીના છાંટાં નોકરને અભડાવે. અંદરના પાયખાનાનો ઉપયોગ કરવાનું રાજકુમારે બતાવ્યું. નોકરે બહારના પાયખાના તરફ આંગળી ચીંધી. મને આમાં ક્યાંયે મૂંઝાવાનું કે રોષનું કારણ નહોતું. આવા અનુભવોમાં હું રીઢો થયો હતો. નોકર તો પોતાનો ધર્મ પાળતો હતો. આ રમૂજી અનુભવોથી રાજકુમાર વિશે મારું જ્ઞાન વધ્યું. પટણાથી મેં લગામ મારે હાથ કરી.

*

ત્યાંથી ચંપારણ જતાં રસ્તામાં મુજફ્ફરપુર આવે છે, ત્યાં તિરહુત વિભાગના કમિશ્નર રહેતા. ચંપારણના ગળીના છોડના બગીચાના ગોરા માલિક નીલવરોની સંસ્થા બિહાર પ્લેન્ટર્સ એસોસીએશનની ઓફિસ પણ ત્યાં હતી, ને તેના મંત્રી ત્યાં રહેતા હતા. આથી ગાંધીજીએ વિચાર કર્યો કે ચંપારણ પહોંચતાં પહેલાં એ બંનેને મળી લેવું સારું.

*

મારે તો ખેડૂતોની હાલતની તપાસ કરવી હતી. ગળીના માલિકોની સામે જે ફરિયાદો હતી, તેમાં કેટલું સત્ય છે તે જોવું હતું. આ કામને અંગે હજારો ખેડૂતોને મળતાં પહેલાં ગળીના માલિકોની વાત સાંભળવાની ને કમિશ્નરને મળવાની મેં આવશ્યકતા જોઈ. આચાર્ય કૃપાલાની ત્યારે મુજફ્ફરપુર રહેતા હતા. તેમને હું ઓળખતો હતો. મેં તેમને તાર કર્યો. મુઝફ્ફરપુર ટ્રેન મધરાતે પહોંચતી હતી. પોતાના શિષ્યમંડળને લઈને તે હાજર થયા હતા. પણ તેમને ઘરબાર નહોતાં. તે અધ્યાપક મલકાનીને ત્યાં રહેતા હતા, ત્યાં મને લઈ ગયા. કૃપાલાનીજીએ બિહારની દીન દશાની વાત કરી ને મારા કામની કઠણાઈનો ખ્યાલ આપ્યો. એમણે પોતાના સંબંધી બિહારીઓને મારા કામની વાત કરી મૂકી હતી. સવારે નાનકડું વકીલ મંડળ મારી પાસે આવ્યું. “તમે જે કામ કરવા આવ્યા છો તે માટે તમારે અમારા જેવાને ત્યાં રહેવું જોઈએ. ગયાબાબુ અહીંના જાણીતા વકીલ છે. તેમને ત્યાં ઊતરવાનો આગ્રહ હું તેમની વતી કરું છું. અમે બધા સરકારથી ડરીએ તો છીએ જ. પણ અમારાથી બને તેટલી મદદ અમે તમને દઈશું. મહેરબાની કરીને તમે ગયાબાબુને ત્યાં ચાલો.” આ ભાષણથી હું લોભાયો; ગયાબાબુને ત્યાં ગયો. મને સંઘરવાથી ગયાબાબુની સ્થિતિ કફોડી થાય, એવા ભયથી મને સંકોચ હતો. પણ ગયાબાબુએ મને નિશ્ચંતિ કર્યો. બ્રીજકિશોરબાબુ અને રાજેન્દ્રબાબુ બહારગામ ગયેલા ત્યાંથી આવ્યા. તેમનામાં બિહારીની નમ્રતા, સાદાઈ, ભલમનસાઈ, અસાધારણ શ્રદ્ધા જોઈને મારું હૈયું હર્ષથી ઊભરાઈ ગયું. બિહારી વકીલમંડળ ને મારી વચ્ચે જન્મની ગાંઠ બંધાઈ.

*

મુજફ્ફરપુરમાં કમિશ્નરે તેમ જ નીલવરોના મંડળના મંત્રીએ ગાંધીજીને કહ્યું કે, “તમે ચંપારણ ન જશો. ખેડૂતોની ફરિયાદો વિશે સરકાર પોતે તપાસ કરે છે અને તે બાબતમાં વિચાર કરીને યોગ્ય પગલાં લેશે. તમારા ત્યાં જવાથી ખેડૂતો ઉશ્કેરાશે અને અત્યારે યુરોપમાં મહાયુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે એ લોકો ધાંધલ કરે તે બિલકુલ ઇચ્છવા જેવું નથી. વળી ઘણાખરા નીલવરો લડાઈમાં ભાગ લેવા ગયા છે અને તેમની ગેરહાજરીમાં કોઈ ચળવળ ઉપાડવી યોગ્ય નથી.” ખેડૂતોની ફરિયાદો અતિશયોક્તિભરી ને ખોટી છે વગેરે વાતો કરીને એમણે જેમ જેમ ગાંધીજીને આગળ જતાં અટકાવવાનો પ્રયત્ન કર્યો, તેમ તેમ ગાંધીજીનો સંદેહ વધતો જતો હતો કે દાળમાં કાંઈક કાળું છે. છેવટે એ લોકોને બેત્રણ વાર મળ્યા પછી તેમણે ચંપારણ જવાનો નિર્ણય કર્યો.

*

માલિકોના મંડળના મંત્રીની મુલાકાત વખતે તેણે સાફ જણાવ્યું કે, તમે પરદેશી ગણાઓ, તમારે અમારી ને ખેડૂતોની વચ્ચે નહીં આવવું જોઈએ. છતાં તમારે કંઈ કહેવાનું હોય તો મને લખી જણાવજો. મેં મંત્રીને વિવેકપૂર્વક કહ્યું કે, હું મને પોતાને પરદેશી ન ગણું, ને ખેડૂતો ઇચ્છે તો તેમની સ્થિતિની તપાસ કરવાનો મને પૂરો અધિકાર છે. પછી કમિશ્નર સાહેબને મળ્યો. તેમણે તો ધમકાવવાનું જ શરૂ કર્યું ને મને તિરહુત છોડવાની ભલામણ કરી.

*

દરમિયાન, ગાંધીજી પોતાની વહારે આવે છે અને મુઝફ્ફરપુર સુધી પહોંચી ગયા છે એમ સાંભળીને ચંપારણના ઘણા ખેડૂતો મુઝફ્ફરપુર આવી લાગ્યા. આમ તો, એ ખેડૂતોને એટલા લાંબા સમયથી કનડવામાં આવતા હતા કે તેઓ ડરપોક બની ગયા હતા અને નીલવરો સામે કાંઈ બોલવાની હિંમત તેમનામાં રહી નહોતી. સરકારમાં નીલવરોની ખૂબ લાગવગ હતી. તેમના જુલમના સમાચાર અમલદારોને મળતા, છતાં તેઓ ખેડૂતોને ખાસ કશી મદદ કરી શકતા નહોતા. કોઈ કોઈ નેક અમલદાર સરકારને ગુપ્ત અહેવાલ મોકલતા, અને મામલો બહુ બગડે ત્યારે સરકાર કાંઈક નામજોગાં પગલાં ભરતી; પણ તેનું ખાસ કશું પરિણામ આવતું નહીં. તેથી કોઈવાર ખેડૂતો ઉશ્કેરાઈને તોફાને ચડતા. એકાદ નીલવરને એમણે મારી નાખેલો અને તેમની બેએક કોઠીઓ પણ બાળી મૂકેલી. પણ આવાં તોફાનોને અંતે તેમના પર વધારે જુલમ થતા. કોર્ટ મારફત કેદની ને ફાંસીની પણ સજા થાય તે ઉપરાંત તેમનાં ઘર-ખેતર લૂંટી લેવામાં આવતાં, ઢોરઢાંખર ભગાડી જવામાં આવતાં, ઘર સળગાવી મુકાતાં, માર મારવામાં આવતો અને ઘણાની તો વહુદીકરીની લાજ પણ લુંટાતી. કોઈ પણ તોફાન થયા પછી નીલવરો અને અમલદારો ખેડૂતોને એવા તો કચડી નાખતા કે આખો જિલ્લો દિવસો સુધી મસાણ જેવો થઈ જતો. જ્યાં જ્યાં તોફાન થતાં ત્યાં વધારાની પોલીસ મૂકવામાં આવતી અને તે પાછી ખેડૂતોને લૂંટતી ને કનડતી. ઉપરાંત એ પોલીસનો બધો ખર્ચ સરકાર ખેડૂતો પાસેથી જ વસૂલ કરતી. પરિણામે ખેડૂતો એટલા ભયભીત થઈ ગયા હતા કે નીલવરો કે તેના માણસો સામે ફરિયાદ કરવા પણ કચેરીમાં કોઈ જતું નહીં. કાઉન્સિલમાં તેમની ફરિયાદો રજૂ થાય ત્યારે સરકાર તરફથી એક જ જવાબ મળતો કે, ખેડૂતોને ફરિયાદ હોત તો તેઓ પોતે જ કોર્ટમાં જાત; પણ એવું કાંઈ તે કરતા નથી તે પરથી જણાય છે કે આ બધું બહારના ચળવળિયાઓનું કારસ્તાન છે. કોઈક ખેડૂત હિંમત કરીને ફરિયાદ કરવા કોર્ટમાં જતો, તો ત્યાં નીલવરના માણસો હાજર હોય અને તેને કોર્ટ બહાર ઘસડી જઈને મેજિસ્ટ્રેટની નજર સામે જ ખૂબ ટીપે. ગાંધીજી વિશે બેચાર જણાએ કાંઈક સાંભળ્યું હોય, તે સિવાય ખેડૂતો ભાગ્યે જ કશું જાણતા. મારા જેવો ભણેલોગણેલો અને જાહેર પ્રશ્નોમાં કાંઈક રસ લેનારો માણસ પણ એમને વિશે ઝાઝું જાણતો નહોતો, તો પછી બિચારા ગામડિયા ખેડૂતોની શી વાત કરવી? છતાં એમણે એટલું સાંભળ્યું હતું કે એમની વહારે કોઈક માણસ બહારથી આવેલ છે અને મુજફ્ફરપુર સુધી પહોંચી ગયો છે. એ માણસ પોતાનો ઉદ્ધાર કરશે એવી શ્રદ્ધા એમને, કોણ જાણે ક્યાંથી, બેસી ગઈ હતી! એમનો હંમેશનો ડર પણ ત્યારે કોણ જાણે ક્યાં ભાગી ગયો! એટલે ઘણા ખેડૂતો પોતપોતાને ગામથી મુજફ્ફરપુર આવીને ગાંધીજીને મળ્યા. તેમાં એક મુશ્કેલી એ હતી કે ત્યાંની ગામઠી ભોજપુરી બોલી ગાંધીજી સમજી શકતા નહોતા; હિન્દી પણ તેમને થોડીક જ આવડતી. અને ખેડૂતો પોતાની બોલી સિવાય બીજી કોઈ ભાષા સમજી શકતા નહોતા. આથી બ્રીજકિશોરબાબુએ પોતાના બે વકીલ મિત્રોને દુભાષિયાનું કામ કરવા ગાંધીજી પાસે મોકલ્યા.

*

બ્રીજકિશોરબાબુએ મને બધી હકીકતથી વાકેફ કર્યો. તેઓ ગરીબ ખેડૂતોને સારુ લડતા હતા તેવા બે કેસ ત્યારે ચાલી રહ્યા હતા. ત્યાગી છતાં તેઓ આ ભોળા ખેડૂતો પાસેથી ફી લેવામાં સંકોચ ન રાખતા. ફી ન લે, તો તેમનું ઘરખર્ચ ન ચાલે ને તેઓ લોકોને મદદ પણ ન કરી શકે, એ દલીલ હતી. તેમની ફીના આંકડા સાંભળી હું ગૂંગળાઈ ગયો. હજારો સિવાય તો વાત જ મેં ન સાંભળી. આ બાબતનો મારો મીઠો ઠપકો આ મિત્રમંડળે હેતપૂર્વક સાંભળ્યો; તેનો ખોટો અર્થ ન કર્યો. મેં કહ્યું : “આ કેસો વાંચ્યા પછી મારો અભિપ્રાય તો એવો છે કે આપણે આ કેસો કરવાનું હવે માંડી જ વાળવું. જે રૈયતવર્ગ આટલો કચરાયેલો છે, જ્યાં સહુ આટલા ભયભીત રહે છે ત્યાં કોર્ટકચેરીઓ મારફતે ઇલાજ થોડો જ થઈ શકે. લોકોનો ડર કાઢવો, એ તેમને સારુ ખરું ઔષધ છે. આ તીનકઠિયા પ્રથા ન જાય ત્યાં લગી આપણે સુખે બેસી નથી શકતા. હું તો બે દિવસ જોવા આવ્યો છું, પણ હવે જોઉં છું કે આ કામ તો બે વર્ષ પણ લે. એટલો સમય જાય તોપણ હું આપવા તૈયાર છું. આ કામમાં શું કરવું જોઈએ તેની મને સૂઝ પડે છે. પણ તમારી મદદ જોઈએ.” બ્રીજકિશોરબાબુએ શાંતિથી જવાબ આપ્યો : “અમારાથી બનશે તે મદદ અમે આપીશું. પણ તે કેવા પ્રકારની એ અમને સમજાવો.” આ સંવાદમાં અમે રાત ગાળી. મેં કહ્યું, “તમારી વકીલાતની શક્તિનો મારે ઓછો ઉપયોગ પડશે. તમારા જેવાની પાસેથી તો હું લહિયાનું ને દુભાષિયાનું કામ માગું. આમાં જેલમાં જવાપણું પણ જોઉં છું. તે જોખમમાં તમારે ન ઊતરવું હોય તો ભલે ન ઊતરો; પણ વકીલ મટી લહિયા થવું ને તમારો ધંધો તમારે અનિશ્ચિત મુદતને સારુ પડતો મૂકવો, એ કાંઈ હું ઓછું નથી માગતો. અહીંની હિંદી બોલી સમજતાં મને મુસીબત પડે છે. કાગળિયાં બધાં કૈથી કે ઉર્દૂમાં લખેલાં હોય એ હું ન વાંચી શકું. આના તરજુમાની તમારી પાસેથી આશા રાખું. આ કામ પૈસા આપીને કરીએ તો પહોંચાય નહીં. આ બધું સેવાભાવથી થવું જોઈએ.” બ્રીજકિશોરબાબુ સમજ્યા. પણ તેમણે મારી તેમ જ પોતાના સાથીઓની ઊલટતપાસ ચલાવી. મારાં વચનોના ફલિતાર્થો પૂછ્યા. વકીલોને તેમની ત્યાગની શક્તિ કેટલી હતી તે પૂછ્યું. છેવટે તેમણે આ નિશ્ચય જણાવ્યો : “અમે આટલા જણ તમે જે કામ સોંપશો તે કરી દેવા તૈયાર રહીશું. એમાંના જેટલાને જે વખતે માગશો, તેટલા તમારી પાસે રહેશે. જેલ જવાની વાત નવી છે. તે વિશે અમે શક્તિ મેળવવા કોશિશ કરશું.”

*

મુજફ્ફરપુરમાં ગાંધીજી બેત્રણ દિવસ રોકાયા તે દરમિયાન આસપાસનાં થોડાંક ગામડાં તે જોઈ આવ્યા. બિહારની જમીન બહુ ફળદ્રૂપ હોવા છતાં ત્યાં ગરીબી ઘણી છે. ગામડાંની ગરીબી ને ગંદકી જોઈને, ખાસ કરીને સ્ત્રીઓની દુર્દશા નિહાળીને ગાંધીજીને પારાવાર દુખ થયું. તે બોલી ઉઠ્યા કે, આ ગરીબોની અને ગામડાંની હાલત સુધરે નહીં ત્યાં સુધી હિંદુસ્તાનનું શું ભલું થવાનું હતું? એ બેત્રણ દિવસમાં જ ગાંધીજીની વાતચીત સાંભળીને અને તેમને કામ કરતા જોઈને લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયા. ચંપારણના મુખ્ય શહેર મોતીહારીમાં ગાંધીજી પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા સેંકડો ખેડૂતો સ્ટેશને આવી પહોંચ્યા હતા. ઉતારે પહોંચતાં વેંત ખેડૂતોનાં ટોળાં ત્યાં આવવા લાગ્યાં અને દરેક જણ પોતાનાં વીતક ગાંધીજીને સંભળાવવા લાગ્યો. આ બધાંની અસર ગાંધીજી પર થઈ તો ખરી, પણ પોતે જાતે બધું જુએ નહીં ત્યાં સુધી એમને ખાતરી થાય નહીં. જોગાનુજોગ એવું બનેલું કે ગાંધીજી ત્યાં પહોંચ્યા તે પહેલાં બેચાર દિવસે જ કોઈ નીલવરે એક પ્રતિષ્ઠિત ખેડૂત પર બહુ ત્રાસ ગુજાર્યો હતો. પોલીસની મદદથી એનું ઘર લુંટાવ્યું હતું, એના ખેતરના ઊભા મોલમાં ઢોર છોડી મૂક્યાં હતાં, તેની વાડીના કેળના રોપા હાથીઓ પાસે ઉખેડી નખાવ્યા હતા. આ અત્યાચારનાં ચિહ્નો હજી તાજાં જ હતાં. એ ખેડૂતે ગાંધીજી પાસે આવીને બધું બયાન આપ્યું, એટલે જાતે જઈને એ જુલમની નિશાનીઓ જોવાનું ગાંધીજીએ વિચાર્યું. અને બીજે જ દિવસે, એપ્રિલ મહિનાની બપોરના સખત તડકામાં દસ-બાર માઈલ દૂર આવેલા એ ગામે જવા ગાંધીજી નીકળી પડ્યા.

*

અમે હાથી પર સવારી કરીને નીકળી પડ્યા. ગુજરાતમાં ગાડાનો ઉપયોગ થાય છે, લગભગ એમ ચંપારણમાં હાથીનો થાય છે. અર્ધે રસ્તે પહોંચ્યા ત્યાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો માણસ આવી પહોંચ્યો ને મને કહ્યું : “સાહેબ તમને સલામ દેવડાવે છે.” હું સમજ્યો. ધરણીધરબાબુ વકીલને મેં આગળ જવાનું કહ્યું. હું પેલા જાસૂસની સાથે તેની ગાડીમાં બેઠો. તે મને ઘેર લઈ ગયો ને ચંપારણ છોડવાની નોટિસ આપી.

*

ચંપારણના જિલ્લા મેજિસ્ટ્રેટે ફોજદારી કાયદાની ૧૪૪મી કલમ હેઠળ નોટિસ કાઢી. તેનો લેખિત જવાબ ગાંધીજીએ તરત મોકલ્યો કે, હું ચંપારણ છોડવા માગતો નથી; તમારે જે પગલાં લેવાં હોય તે ખુશીથી લો. એટલે મેજિસ્ટ્રેટે જણાવ્યું કે હુકમભંગ માટે તમારી સામે કેસ ચલાવવામાં આવશે. સાથોસાથ તેમણે વિનંતી કરી કે, કેસ પૂરો થાય ત્યાં સુધી આપ ગામડાંની મુલાકાતે જશો નહીં. એ વિનંતી ગાંધીજીએ કબૂલ રાખી. તે જ દિવસે ગાંધીજીને સમન્સ મળ્યો તેમાં બીજા જ દિવસની મુદત આપવામાં આવી હતી. એ રાત્રે ગાંધીજીએ તનતોડ મહેનત કરી. પહેલાં તો તેમણે પોતાના સહુ સાથીઓને તથા મિત્રોને તાર કરીને કેસની ખબર આપી. તે વખતે લોર્ડ ચેમ્સફર્ડ હિંદના વાઇસરોય હતા. બ્રિટિશ સંસ્થાનોમાં વસેલા હિંદીઓના પ્રશ્ન અંગે તેમની સાથે ગાંધીજી અગાઉ પરિચયમાં આવેલા; તેમને પત્ર લખ્યો. તેમાં પરિસ્થિતિ સમજાવીને બ્રિટિશ સરકાર સાથેના પોતાના જૂના સંબંધોનો ઉલ્લેખ કર્યો, અને છેવટમાં લખ્યું કે, “આ જ સરકારે મારી જાહેર સેવા માટે મને સોનાનો કૈસરે હિન્દ ચાંદ એનાયત કર્યો છે-જેની હું ઘણી કદર કરું છું. પણ હવે સરકારને મારામાં વિશ્વાસ નથી રહ્યો અને તે મને જાહેર સેવા પણ કરવા દેવા માગતી નથી, ત્યારે એ ચાંદ રાખવો મારે માટે યોગ્ય ન ગણાય. આથી તે જેની પાસે છે તેને મેં એ આપને પાછો મોકલવાને લખી દીધું છે.” બીજા ઘણા મિત્રોને પત્રો લખીને તેમણે બધી બાબતોની જાણ કરી. ઉપરાંત વળતી સવારે કોર્ટમાં રજૂ કરવા માટે એક નિવેદન પણ એમણે રાતમાં જ લખી કાઢ્યું. આ બધું કરતાં મધરાત વીતી ગઈ. તમામ તાર, પત્રો, નિવેદન-બધું તેમણે સ્વહસ્તે લખ્યું એટલું જ નહીં, બધાંની નકલો પણ કરી લીધી. પછી દુભાષિયા તરીકે તેમની મદદમાં આવેલા વકીલો ધરણીધરબાબુ અને રામનવમીબાબુને એમણે કહ્યું, “કેસમાં મને સજા થશે, એટલે હું તો જેલમાં જવાનો; પણ પછી તમે શું કરશો?” એ સજ્જનો માટે તે સવાલનો એકાએક જવાબ આપવાનું મુશ્કેલ હતું. ગાંધીજી પાસે આવ્યા ત્યારે એમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આવી પરિસ્થિતિ ઊભી થશે. પોતે જેની સલાહ લઈ શકે તેવું કોઈ ત્યાં હતું નહીં. અને જવાબ આપ્યા સિવાય પણ ચાલે તેમ નહોતું. એટલે ધરણીધરબાબુએ કહ્યું, “આપ અમને દુભાષિયા તરીકે અહીં લાવ્યા હતા. હવે આપ જેલમાં જશો એટલે એ કામ પૂરું થશે અને અમે અમારે ઘેર જઈશું.” એટલે ગાંધીજીએ પૂછ્યું, “અને આ ગરીબ ખેડૂતોને આ જ દશામાં છોડી જશો?” પેલા લોકોએ કહ્યું, “અમે બીજું શું કરી શકીએ? કંઈ સમજણ પડતી નથી. પણ આપ કહેતા હો તો, આપ એમની ફરિયાદોની ને એમની સ્થિતિની જેવી તપાસ કરવા માગતા હતા તેવી તપાસ અમારાથી થઈ શકે ત્યાં સુધી અમે કરીએ. પરંતુ સરકાર અમને પણ જિલ્લો છોડી જવાનો હુકમ આપશે, તો એ હુકમનો ભંગ ન કરતાં અમે છાનામાના ચાલ્યા જઈશું, અને કામ ચાલુ રાખવા માટે અમારા બીજા સાથીઓને સમજાવીને મોકલશું.” આ સાંભળીને ગાંધીજી રાજી તો થયા, પણ તેમને પૂરો સંતોષ ન થયો. છતાં તેમણે કહ્યું, “વારુ, એમ કરજો અને બને ત્યાં સુધી કામ ચાલુ રાખજો.” આ પ્રમાણે નક્કી કરીને સહુ સૂઈ ગયા. રાત હવે થોડી જ બાકી રહી હતી. એ બે વકીલોએ ગાંધીજીને જવાબ તો આપી દીધો, પણ તેનાથી એમને પોતાને પણ સંતોષ નહોતો. પથારીમાં પડ્યા પડ્યા એ વાતોએ વળગ્યા કે, આપણે અહીંના રહેવાસી અને ખેડૂતોને મદદ કરવાની ડંફાશ મારનારા, તે બેચાર દિવસ પછી પોતાને ઘેર ચાલ્યા જઈને વકીલાત કરી પૈસા કમાઈએ ને મોજ કરીએ, જ્યારે આ અજાણ્યો માણસ, જેને આપણા પ્રદેશ સાથે કશી લેવાદેવા નથી કે અહીંના ખેડૂતો સાથે કશો જ પરિચય નથી, તે આ ગરીબો માટે જેલમાં ગોંધાઈ રહે — એ તો, માળું, ભારે વિચિત્ર કહેવાય! ગાંધીજી પાસે આવતાં પહેલાં જેલ જવા વિશે તો એમણે વિચાર સરખો કરેલો નહોતો, એટલે ઘરનાં માણસો કે મિત્રો સાથે તે અંગે મસલત કરવાની તો વાત જ ક્યાંથી ઊભી થાય? વળી, પોતે જેલમાં જાય તો બાળ-બચ્ચાંનું શું થાય? અને અદાલતમાં સજા થયા પછી સરકાર તેમની વકીલાતની સનદ ખૂંચવી લે તો? એવી બધી ભાંજગડમાં બાકીની રાત પણ વીતી ગઈ ને બીજા દિવસની સવાર પડી ગઈ. ગાંધીજીની કામ કરવાની રીત બિહાર માટે જ નહીં, આખા દેશને માટે નવી હતી. આવી રીતે કામ કરવાનું પહેલાં કોઈએ બતાવ્યું નહોતું. તેમ કરતાં શું પરિણામ આવે તેની કોઈને કલ્પના પણ નહોતી. ગાંધીજીની મહેનત કરવાની શક્તિ પણ અજબ હતી. આખી રાત જાગીને આટલું બધું લખવું અને બીજા દિવસ માટે બધું તૈયાર કરવું, એ એક એવી અદ્ભુત બાબત હતી જે અહીંના લોકોએ અગાઉ કદી જોયેલી નહીં. વહેલી સવારે તૈયાર થઈને ગાંધીજી પોતાના બંને સાથીઓ જોડે ઘોડાગાડીમાં બેસીને કોર્ટમાં જવા નીકળ્યા. પેલા બે તો રાતે સૂતા સૂતા જે વિચાર કરતા હતા તેના તે વિચારોમાં અત્યારે પણ હતા. પણ હવે તેમનાથી રહેવાયું નહીં અને તેમણે ગાંધીજીને કહ્યું : “અમે, જોકે, આવી બાબતનો અગાઉ કદી વિચાર કરેલો નથી. પણ આટલે બધે દૂર છેક ગુજરાતથી આવીને આપ આ ગરીબો માટે જેલ વેઠવા તૈયાર થયા છો, ત્યારે અહીંના જ રહેનારા અમે આપને સાથ આપ્યા વગર કેમ રહી શકીએ? એટલે અમે હવે નિશ્ચય કર્યો છે કે આપ જેલમાં જશો પછી અમે એ કામ ચાલુ રાખશું, અને જરૂર પડે તો અમે પણ જેલમાં જઈશું.” આ સાંભળતાં જ ગાંધીજીનો ચહેરો ખીલી ઊઠ્યો. ન્યાયકચેરીનો તે દિવસનો દેખાવ અનેરો હતો. ગાંધીજીના કેસની ખબર ચારેકોર ફેલાઈ ગઈ હતી અને ઘણા ખેડૂતો ત્યાં આવી પહોંચ્યા હતા. પોતાની વહારે ધાનારા એક સાવ અજાણ્યા મનુષ્યનાં દર્શન કરવા તેઓ ગામેગામથી આવ્યા હતા. બીકના માર્યા, નીલવરોના જુલમ સામે ફરિયાદ કરવાયે જે કચેરી પાસે ઢૂંકતા નહોતા, તે ખેડૂતો આજે સરકારના હુકમનો ભંગ કરનારનો કેસ જોવા હજારોની સંખ્યામાં ઊમટી પડ્યા હતા. મેજિસ્ટ્રેટ આવ્યા ને કેસ શરૂ થયો એટલે અદાલતના ઓરડામાં પેસવા માટે ધક્કામુક્કી થઈ. પોલીસ બહાવરી બનીને આ બધું જોઈ રહી! ખેડૂતોનો સદાનો ડર કોણ જાણે ક્યાં જતો રહ્યો, ને તેમનામાં આટલાં ઉત્સાહ ને હિંમત ક્યાંથી આવી ગયાં! કેસમાં અમારે ગાંધીજીનો બચાવ કરવો પડશે, એવું માનવાની ભૂલ અમે એકલાએ જ નહોતી કરી. સરકારી વકીલે પણ ધારેલું કે ગાંધીજી તરફથી મોટા વકીલ બેરિસ્ટરો હાજર થશે. ગાંધીજી પોતે પણ બેરિસ્ટર છે, એટલે તેઓ પણ કાયદાનાં થોથાં ઊથલાવીને તૈયાર થઈ કચેરીમાં આવશે. પણ કેસ શરૂ થતાં ખબર પડી કે એવી બધી અટકળો ખોટી હતી. સરકારી વકીલે આરંભમાં જ એક સાક્ષી રજૂ કર્યો અને તેને એવા સવાલો પૂછવા માંડ્યા કે જેમાંથી સાબિત થાય કે જે હુકમના ભંગ માટે કેસ ચાલતો હતો તે ગાંધીજી ઉપર બરાબર બજાવાયેલો હતો. પણ ત્યાં જ ગાંધીજીએ મેજિસ્ટ્રેટને કહ્યું : “આ પુરાવાની કશી જરૂર નથી. એમાં આપનો ને મારો સમય શા માટે બગાડવો? હું પોતે કબૂલ કરું છું કે એ મનાઈ-હુકમ મને મળેલો હતો અને તે માનવાનો મેં ઇન્કાર કરેલો. મારું નિવેદન હું લખી લાવ્યો છું તે, આપની રજા હોય તો, વાંચું.” મેજિસ્ટ્રેટ, સરકારી વકીલ અને કોર્ટમાં જે બીજા હાજર હતા તે સહુને માટે બચાવ કરવાની આ રીત સાવ નવી જ હતી. સહુ અજાયબ થયા અને વિચાર કરવા લાગ્યા કે જોઈએ — હવે શું થાય છે. મેજિસ્ટ્રેટે રજા આપી, એટલે ગાંધીજીએ નિવેદન વાંચી સંભળાવ્યું : “ફોજદારી કાયદાની ૧૪૪મી કલમ મુજબ કરવામાં આવેલા હુકમનો દેખીતો અનાદર કરવાનું ગંભીર પગલું મારે કેમ લેવું પડ્યું, તે વિશે ટૂંકું બયાન હું અદાલતની પરવાનગીથી રજૂ કરવા ઇચ્છું છું. મારા નમ્ર અભિપ્રાય મુજબ, તેમાં અનાદરનો સવાલ નથી પણ સ્થાનિક સરકાર અને મારી વચ્ચે મતભેદનો સવાલ છે. જનસેવા અને દેશસેવા કરવાના હેતુથી જ હું આ પ્રદેશમાં દાખલ થયો. અહીંના નીલવરો રૈયત સાથે ન્યાયથી વર્તતા નથી એ કારણે લોકોને મદદ કરવા આવવાનો મને આગ્રહ થયો, એટલે જ મારે આવવું પડ્યું છે. પણ આખા પ્રશ્નના અભ્યાસ વિના હું તેમને મદદ શી રીતે કરી શકું? એટલે એવો અભ્યાસ કરવા, બની શકે તો સરકાર અને નીલવરોની મદદ લઈને અભ્યાસ કરવા, હું આવ્યો છું. બીજો કોઈ પણ ઉદ્દેશ મેં રાખ્યો નથી; અને મારા આવવાથી જાહેર શાંતિનો ભંગ થશે એવું હું માની શકતો નથી. આવી બાબતમાં મને ઠીક ઠીક અનુભવ છે, એવો મારો દાવો છે. પણ સરકારનો ખ્યાલ મારાથી જુદો છે. એમની મુશ્કેલી હું સમજી શકું છું. કાયદાને માન આપનાર નાગરિક તરીકે તો મને આપવામાં આવેલા હુકમને માન્ય રાખવાનું મને સ્વાભાવિક રીતે મન થાય-અને થયું પણ હતું. પણ તેમ કરવામાં, જેમને માટે હું અહીં આવ્યો છું તેમના પ્રત્યેના મારા કર્તવ્યનો હું ઘાત કરું, એમ મને લાગ્યું. મને લાગે છે કે મારાથી તેમની સેવા આજે તેમની મધ્યમાં રહીને જ થઈ શકે. એટલે હું સ્વેચ્છાએ ચંપારણ છોડી શકું તેમ નથી. આવા ધર્મસંકટમાં, મને ચંપારણમાંથી ખસેડવાની ફરજ સરકાર ઉપર નાખ્યા વિના હું રહી શક્યો નહીં. “હિંદના લોકજીવનમાં જેની પ્રતિષ્ઠા હોય તે મારા જેવા માણસે અમુક પગલું ભરીને દાખલો બેસાડવામાં ભારે કાળજી રાખવી જોઈએ, તે હું બરાબર સમજું છું. પણ મારી દૃઢ માન્યતા છે કે આજની પરિસ્થિતિમાં મારા જેવા સંજોગોમાં મુકાયેલા સ્વાભિમાની માણસની પાસે બીજો એકે સલામત અને માનભર્યો રસ્તો નથી-સિવાય કે હુકમનો અનાદર કરી, તે બદલ જે સજા થાય તે મૂંગે મોઢે ખમી લેવી. “આપ મને જે સજા કરવા ધારો તે હળવી કરાવવાના હેતુથી આ બયાન હું નથી રજૂ કરતો. પણ હુકમનો અનાદર કરવા પાછળ, કાયદેસર સ્થપાયેલી સત્તાનું અપમાન કરવાનો મારો ઉદ્દેશ ન હોવાથી, મારું અંતર જે વધારે ઊંચો કાયદો સ્વીકારે છે તેને — એટલે કે અંતરાત્માના અવાજને-અનુસરવાનો મારો હેતુ છે, એટલું જ મારે જણાવવું હતું.” નિવેદન સાંભળતાંવેંત સહુ સ્તબ્ધ થઈ ગયા. હિંદુસ્તાનની કોઈ પણ કોર્ટમાં અગાઉ કદી આવું નિવેદન કોઈએ કરેલું નહોતું, કે સાંભળ્યું નહોતું. મેજિસ્ટ્રેટ પણ મૂંઝાઈ ગયા. તેમણે માનેલું કે બીજા કેસોની માફક આમાં પણ સાક્ષી-પુરાવા થશે, દલીલો થશે અને તેમાં ઘણો વખત જશે; તે દરમિયાન શો ચુકાદો આપવો, કેટલી સજા કરવી વગેરે બાબત અંગે પોતે જિલ્લા મેજિસ્ટ્રેટને પુછાવી શકશે. પણ ગાંધીજીના આવા નિવેદન પછી તો પુરાવાની કે દલીલોની કશી જરૂર ન રહી; કેટલી સજા કરવી એ એક જ બાબત હવે બાકી રહી હતી. પણ તેને માટે મેજિસ્ટ્રેટ હજી તૈયાર થયેલા નહોતા. એટલે તેણે કહ્યું : “આપે નિવેદન તો વાંચ્યું, પણ આપે ગુનો કર્યો છે કે નહીં તે તો એમાં ચોખ્ખું કહ્યું નથી. તેથી મારે પુરાવા નોંધવા પડશે અને દલીલો સાંભળવી પડશે.” પણ ગાંધીજી એમ ચૂકે એવા ક્યાં હતા? તેમણે તરત જવાબ આપ્યો કે, એમ હોય તો લો — હું આ કબૂલ કરું છું કે હું ગુનેગાર છું. હવે મેજિસ્ટ્રેટ પાસે સમય વિતાવવાનો કોઈ રસ્તો રહ્યો નહીં. તેણે કહ્યું કે, હું ચુકાદો થોડા કલાક પછી આપીશ; એ દરમિયાન આપ જામીન આપીને જઈ શકો છો. જવાબમાં ગાંધીજીએ કહ્યું કે, અહીં મારી પાસે જામીન આપનારું કોઈ નથી — અને હું જામીન આપવા માગતો પણ નથી. એટલે મેજિસ્ટ્રેટ વળી મૂંઝાયા. તેમણે કહ્યું કે, જામીન ન આપવા હોય તો જાતમુચરકો આપો. પણ ગાંધીજીએ જવાબ આપ્યો કે, હું એ પણ નહીં આપી શકું. છેવટે મેજિસ્ટ્રેટે જણાવ્યું કે હું ત્રણ વાગ્યે ચુકાદો આપીશ; તે વખતે આપ હાજર થજો. પણ પછી ત્રણ વાગવા આવ્યા ત્યારે મેજિસ્ટ્રેટે ગાંધીજીને કહેવડાવ્યું કે, આજે ચુકાદો આપી શકાય તેમ નથી; અને તે માટે પાંચ-સાત દિવસ પછીની મુદત આપી.

*

સમનની વાત એક ક્ષણમાં બધે ફેલાઈ ગઈ અને, લોકો કહેતા હતા કે, કદી નહીં જોયેલું એવું દૃશ્ય મોતીહારીમાં જોવામાં આવ્યું. ગોરખબાબુનું ઘર અને કચેરી લોકોથી ઊભરાઈ ઊઠ્યાં. સારે નસીબે મેં મારું બધું કામ રાતના આટોપી લીધું હતું, તેથી આ ભીડને હું પહોંચી વળ્યો. લોકોને નિયમમાં રાખવામાં સાથીઓ ગૂંથાઈ ગયા. કચેરીમાં જ્યાં જાઉં ત્યાં ટોળેટોળાં મારી પાછળ આવે. કલેક્ટર, મેજિસ્ટ્રેટ, સુપરિન્ટેન્ડેન્ટ વગેરે અને મારી વચ્ચે પણ એક જાતની ગાંઠ બંધાઈ. સરકારી નોટિસો વગેરેની સામે કાયદેસર વિરોધ કરવો હોત તો હું કરી શકતો હતો. તેને બદલે તેમની બધી નોટિસોના મારા સ્વીકારથી ને અમલદારો સાથેના અંગત પરિચયમાં વાપરેલી મીઠાશથી તેઓ સમજી ગયા કે, મારે તેમનો વ્યક્તિગત વિરોધ નથી કરવો પણ તેમના હુકમનો વિનયી વિરોધ કરવો છે. તેથી તેમને એક પ્રકારની નિર્ભયતા મળી. મારી કનડગત કરવાને બદલે તેમણે લોકોને નિયમમાં રાખવા સારુ મારી ને સાથીઓની મદદનો ખુશીથી ઉપયોગ કર્યો. પણ સાથે તેઓ સમજી ગયા કે તેમની સત્તા આજથી અલોપ થઈ છે. લોકો ક્ષણભર દંડનો ભય તજી તેમના આ નવા મિત્રની પ્રેમની સત્તાને વશ થયા. યાદ રાખવાનું છે કે ચંપારણમાં મને કોઈ ઓળખતું નહોતું. ખેડૂતવર્ગ સાવ અભણ હતો. ચંપારણ ગંગાને પેલે પાર છેક હિમાલયની તળેટીએ નેપાળની નજીકનો પ્રદેશ, એટલે નવી દુનિયા જ. અહીં મહાસભાનું નામ ન મળે. જેમણે નામ સાંભળ્યું હોય તે નામ લેતાં ડરે. આ પ્રદેશમાં મહાસભાનો અર્થ વકીલોની મારામારી, કાયદાની બારીઓથી સરકી જવાના પ્રયત્નો, મહાસભા એટલે કહેણી એક ને કરણી બીજી. આવી સમજણ સરકારમાં અને સરકારનીયે સરકાર ગળીના માલિકોમાં હતી. સાથીઓની સાથે મસલત કરીને મેં નિશ્ચય કર્યો હતો કે મહાસભાને નામે કંઈ જ કામ કરવું નથી. ટપટપનું નહીં પણ મમમમનું કામ છે. મહાસભાનું નામ અળખામણું છે. પણ મહાસભા એ નથી, મહાસભા બીજી જ વસ્તુ છે, એમ અમારે સિદ્ધ કરવાનું હતું. તેથી અમે મહાસભાનું નામ જ ક્યાંયે ન લેવાનો નિશ્ચય કર્યો હતો. લોકો તેના અક્ષરને ન જાણતાં તેના આત્માને જ જાણે ને અનુસરે તે જ ખરું છે, એમ અમે વિચારી મૂક્યું હતું. ચંપારણનો આ દિવસ મારા જીવનમાં કદી ન ભુલાય એવો હતો. મારે સારુ ને ખેડૂતોને સારુ એ એક ઉત્સવનો દિવસ હતો. કાયદા પ્રમાણે મુકદ્દમો મારી સામે ચાલવાનો હતો. પણ ખરું જોતાં તો મુકદ્દમો સરકારની સામે હતો.

*

કેસનો ચુકાદો થોડા દિવસ પછી આવવાનો હતો. એટલામાં ચાર્લી એન્ડ્રુઝ મોતીહારી આવી પહોંચ્યા. ભારતીય વસાહતીઓ દુનિયામાં જ્યાં જ્યાં ગયેલા ત્યાં લગભગ દરેક જગાએ તેમની બૂરી દશા હતી. તેમને કોઈ પણ પ્રકારના હક નહોતા. તેમને જંગલી ગણવામાં આવતા. આ જાતની ખરાબ વર્તુણૂક સામે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ પોકાર ઉઠાવ્યો અને સત્યાગ્રહ કર્યો. હિન્દીઓ સાથે ચલાવવામાં આવતી આવી ખરાબ વર્તુણૂકથી ચાર્લી એન્ડ્રુઝ જેવા અંગ્રેજ અને સાચા ખ્રિસ્તીને દુખ થતું હતું. પરદેશમાં હિન્દીઓ જ્યાં હાડમારી ભોગવતા હોય ત્યાં બધે જઈને તેમને બનતી મદદ કરવી, તેમની પર થતા જુલ્મો અટકાવવા, ઇંગ્લૅન્ડમાં તે બાબત લોકમત જાગ્રત કરવો વગેરે કામને તેમણે પોતાનું બનાવ્યું હતું. તેને અંગે તેમને દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને મળવાનું થયેલું અને એમની સાથે ગાઢ સંબંધ બંધાયો હતો. અંગ્રેજોમાં એન્ડ્રુઝનું ઘણું માન હતું, અને હિંદમાં તેઓ વાઇસરોય સુધી પહોંચી શકતા હતા. ફીઝીમાંના હિંદી વસાહતીઓએ એન્ડ્રુઝને બોલાવ્યા હતા, અને ત્યાં જતા પહેલાં ગાંધીજી સાથે મસલત કરવા તે ચંપારણ આવ્યા હતા. એન્ડ્રુઝ સાથે અમારી આ પહેલી મુલાકાત હતી. આવો અંગ્રેજ અમે પહેલાં જોયો નહોતો. તેમણે કપડાં તો અંગ્રેજી ઢબનાં પહેર્યાં હતાં, પણ તે ઢંગધડા વગરનાં લાગતાં હતાં. આખી દુનિયામાં તે કેટલીયે વાર ફરી વળ્યા હતા, છતાં સાવ સીધાસાદા જણાતા હતા. એન્ડ્રુઝે બે-ત્રણ દિવસ અમારી વચ્ચે ગાળ્યા, પછી એમના જવા વિશે વાત નીકળી ત્યારે અમને થયું કે હજી થોડા દિવસ એ રોકાય તો સારું. અમે એમને રોકાવાનો આગ્રહ કર્યો ત્યારે એમણે કહ્યું કે, ફીજીમાં મારે જરૂરી કામ છે, ત્યાં જવા માટે સ્ટીમર પર જગાનો બંદોબસ્ત થઈ ગયો છે; છતાં તમારો આગ્રહ છે તો હું રોકાઈ જાઉં — પણ ગાંધીજી રજા આપે તો. પરંતુ ગાંધીજી સંમત ન થયા. અમે બહુ આગ્રહ કર્યો ત્યારે એ બોલ્યા : તમે જેમ જેમ આગ્રહ કરો છો તેમ તેમ મારો વિચાર દૃઢ થતો જાય છે કે એન્ડ્રુઝે ચંપારણમાં ન રોકાતાં ફીજી જવું જોઈએ. તેમણે અમને બેધડક કહ્યું કે, “એન્ડ્રુઝને રોકવા તમે આટલી જીદ કેમ કરો છો તે હું સમજી ગયો છું, અને જે કારણે તમે એમને રોકવા માગો છો તે જ કારણે હું એમને અહીંથી જલદીમાં જલદી રવાના કરવા માગું છું. તમારા મનમાં એમ છે કે અહીં અંગ્રેજ નીલવરો સાથે આપણો ઝઘડો ચાલે છે. અહીંના મોટા અમલદારો પણ અંગ્રેજ છે. એન્ડ્રુઝ પણ અંગ્રેજ છે, અને ગવર્નર સુધીના સહુ અંગ્રેજો પર સારો પ્રભાવ છે. સરકાર જુલમ કરે ત્યારે એન્ડ્રુઝ અહીં હોય તો સારું; આપણને તેમની મદદ મળે. તમારા મનમાં સરકારનો ડર છે અને તેમાં તમારે એન્ડ્રુઝનું રક્ષણ મેળવવું છે. એ ડર હું તમારા મનમાંથી કાઢવા માગું છું. જો આપણે નીલવરો સામે લડવાનું આવે, તો તેમાં કોઈ અંગ્રેજની મદદથી-ખુદ એન્ડ્રુઝની મદદથી પણ-આપણે ક્યાં લગી ફાવવાના હતા? આપણે તો નીડર થઈને, આપણી જ શક્તિ પર વિશ્વાસ રાખીને, કામ કરવાનું છે; તો જ આપણે ફાવીશું. માટે હું કહું છું કે એન્ડ્રુઝે અહીંથી જવું જોઈએ. કાલે સવારની ગાડીમાં જ તે અહીંથી રવાના થાય. વળી ફીજીનું કામ પણ તેમનાથી કેમ છોડી શકાય?” આથી અમે થોડા નિરાશ તો થયા; પણ અમે જોયું કે અમારા મનની અંદર શું રહેલું છે તે ગાંધીજી બરાબર કળી ગયા હતા. એમની વાતની અમારા મન પર બહુ અસર થઈ. નિર્ભયતાનો આ પદાર્થપાઠ અમને આરંભમાં જ મળી ગયો.

*

સજાને સારુ કોર્ટમાં જવાનો સમય આવ્યો તેના પહેલાં મારી ઉપર મેજિસ્ટ્રેટનો સંદેશો આવ્યો કે ગવર્નર સાહેબના હુકમથી કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે, ને કલેક્ટરનો કાગળ મળ્યો કે મારે જે તપાસ કરવી હોય તે કરવી, ને તેમાં જે મદદ અમલદારો તરફથી જોઈએ તે માગવી. આવા તાત્કાલિક ને શુભ પરિણામની આશા અમે કોઈએ નહોતી રાખી. કલેક્ટર મિ. હેકોકને હું મળ્યો. તે પોતે ભલા ને ઇન્સાફ કરવા તત્પર જણાયા. જે કાગળિયાં કે બીજું કંઈ જોવું હોય તે માગી લેવાનું ને જ્યારે તેને મળવું હોય ત્યારે મળવાનું તેણે જણાવ્યું.

*

ગાંધીજી પરનો કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને તેઓ ખેડૂતોનાં બયાન સાંભળે છે, એવી ખબર બધે ફેલાઈ ગઈ. ખેડૂતો એટલી મોટી સંખ્યામાં આવવા લાગ્યા કે અમે સવારથી સાંજ સુધી લખ્યા કરતા છતાં એ બધાનાં નિવેદનો લઈ શકતા ન હતા. ગાંધીજીએ અમને ચેતવ્યા કે, “તમને એ લોકો નિવેદનો લખાવશે તેમાં કેટલુંક અસત્ય અને કેટલીક અતિશયોક્તિ પણ હશે. તમે સહુ વકીલ છો, એટલે દરેકની ઊલટતપાસ કરી તમને સાચું લાગે તેટલું જ લખજો.” અમે એ રીતે બયાન લખતા થયા, તેટલામાં અમને બીજો પદાર્થપાઠ મળ્યો. તપાસ કરવાની રજા અમને મળી, તેમ પોલીસને પણ ફરમાન થયું હતું કે તેમણે અમારી બધી કાર્યવાહી પર નજર રાખવી અને ઉચ્ચ અમલદારોને તેની ખબર આપતા રહેવું. પરિણામે પોલીસનો એક ફોજદાર લગભગ આખો દિવસ અમારી આસપાસ ભમ્યા કરતો. એક દિવસ ધરણીધરબાબુ આઠ-દસ ખેડૂતો વચ્ચે બેઠા બેઠા તેમનાં નિવેદનો લખતા હતા. પેલો ફોજદાર પણ પાસે આવીને બેઠો. ધરણીધરબાબુને તે ન ગમ્યું; પણ એ કાંઈ બોલ્યા નહીં અને ત્યાંથી ઊઠીને બીજી જગ્યાએ બેસી નિવેદનો લખવા લાગ્યા. ફોજદાર પણ તે જગ્યાએ જઈ બેઠો. ધરણીધરબાબુ ઊઠીને ત્રીજી જગાએ ગયા; પેલો ત્યાં પણ પહોંચી ગયો. હવે ધરણીધરબાબુથી રહેવાયું નહીં અને તેમણે કડક અવાજે પેલાને કહ્યું, “તમે આમ માથા પર આવીને કેમ બેસો છો? તમારે જે કાંઈ જોવું-સાંભળવું હોય તે જરા દૂર રહીને જુઓ-સાંભળો!” પેલાએ એટલો જ જવાબ આપ્યો કે, અમને એવો હુકમ છે. પછી ફોજદારે ગાંધીજી પાસે જઈને ફરિયાદ કરી. ગાંધીજીએ અમને સહુને બોલાવીને પૂછપરછ કરી. ધરણીધરબાબુએ બધી વાત કહી. ગાંધીજીએ એમને પૂછ્યું કે, “લખતી વેળા તમે એકલા હતા, કે તમારી આસપાસ બીજા કોઈ હતા?” એમણે જવાબ આપ્યો કે, “ઘણા ખેડૂતો મારી આજુબાજુ ઊભા હતા.” એટલે ગાંધીજીએ સવાલ કર્યો કે, “આ ફોજદાર ત્યાં આવ્યા, એ તમને કેમ ન ગમ્યું?” તેમણે જવાબ આપ્યો, “એમની હાજરીથી અમારા કામમાં અડચણ થતી હતી.” એટલે ગાંધીજી કહે, “બીજા ખેડૂતોની હાજરીથી તમને કશી અડચણ ન પડી, પણ આમના આવવાથી પડી; તેનો અર્થ એ કે આ પોલીસના માણસ છે તેથી અડચણ પડે છે. એમની ને બીજાઓની વચ્ચે તમે ભેદ કેમ રાખ્યો? હજી પણ તમારા મનમાં પોલીસનો ડર હોય એમ લાગે છે. એ ડર કાઢવો જોઈએ. આપણે છુપાઈને કોઈ બૂરું કામ તો કરતા નથી. તો પછી પોલીસનો કોઈ પણ માણસ ત્યાં હાજર રહે તેથી ડરવાનું શું છે? ખેડૂતોના મનમાંથી પણ એ ડર કાઢવો જોઈએ. તેમણે જે કાંઈ કહેવાનું હોય તે પોલીસ, મેજિસ્ટ્રેટ અને નીલવરોની સમક્ષ નિર્ભયતાપૂર્વક સાફ કહેવું જોઈએ.” ગાંધીજીની વાત તો સાચી હતી. પોલીસનો થોડોઘણો ડર હજી સહુને રહેતો જ હતો. મનમાં એમ થતું કે, આપણી વાત પોલીસ જાણી જશે, તો કોણ જાણે તેનું શું યે પરિણામ આવશે! પણ હવે ફોજદારે જોયું કે અમારી નજરમાં તેની અને ખેડૂતોની હાજરીમાં કશો ફરક રહ્યો નથી; એ બેઠો હોય કે કોઈ ખેડૂત તે અમારે મન સરખું જ હતું. એથી ફોજદારનો રુઆબ સાવ ઊતરી ગયો!

*

થોડા દિવસ પછી ગાંધીજી કહે, આ કામમાં થોડો વખત જશે એમ લાગે છે, એટલે એકલા ગોરખબાબુ પર આટલો બોજો નાખવો ઠીક નથી. વળી એમના મકાનમાં જગા પણ બહુ નથી. એટલે બીજું મકાન શોધી કાઢીને ત્યાં પડાવ નાખીએ. શહેરના ભાઈઓએ નજીકમાં જ એક મકાન શોધી કાઢ્યું. ગાંધીજીએ કહ્યું કે, મકાન સાફસૂફ કરાવી નાખીને આજે જ ત્યાં ચાલ્યા જઈએ. તે સાફ થતાં-કરતાં સાંજ પડી ગઈ. અમને થયું કે હવે રાત વખતે ત્યાં ન જતાં કાલે સવારે જઈશું. ગાંધીજીને તેની જાણ કરી નહોતી, કારણ કે અમને એમ કે આવી નાની વાતમાં ગાંધીજીને શું જણાવવું હતું? પણ રાતના આઠ-નવ વાગ્યે ગાંધીજીએ પૂછ્યું કે, આપણે નવા ઘરમાં જવાના હતા તેનું શું થયું? — ક્યારે નીકળવું છે? કોઈએ જણાવ્યું કે સાફસૂફીમાં મોડું થઈ ગયું, એટલે હવે કાલે જવાનું રાખ્યું છે. એ સાંભળીને ગાંધીજી બોલ્યા, “એમ ન થાય. એક વાર નિશ્ચય કર્યો કે અમુક કરવું છે, તો પછી એ કરવું જ જોઈએ. આમ નિશ્ચય બદલવો સારો નહીં. અને સફાઈ કરવી એમાં શી મોટી વાત છે? આપણું રહેવાનું ઘર પણ આપણે જાતે સાફ ન કરી શકીએ? સફાઈ ન થઈ હોય તો આપણે પોતે જઈને કરી લેવી જોઈએ.” ગાંધીજીનો પોતાનો સામાન તો થોડોક જ હતો. એમના કપડાં એક નાનકડા બિસ્તરામાં જ બાંધેલાં રહેતાં. એ બિસ્તરો રાતે સૂતી વખતે તેઓ ખોલતા, અને સવારે ઊઠીને વ્યવસ્થિત બાંધીને મૂકી દેતા. આમ એમનો બિસ્તરો તો જ્યારે જોઈએ ત્યારે બાંધેલો તૈયાર જ હોય. બીજો એક પતરાનો ડબ્બો હતો. વાત પૂરી કરતાં કરતાં તો તેઓ ઊઠીને ઊભા થયા અને પોતાનો બિસ્તરો ઉઠાવીને, “હું તો જાઉં છું; ત્યાં જ સૂઈશ,” કહેતા ચાલવા મંડ્યા. અમે બધા ગભરાઈ ગયા, અને તેમની પાછળ દોડીને કોઈકે જેમ તેમ કરીને તેમનો બિસ્તરો લઈ લીધો ને કોઈકે ડબો ઉપાડી લીધો. અમે પણ આવીએ છીએ, કહીને સહુ તેમની સાથે ચાલ્યા. નવા મુકામ પર પહોંચતાં જ, ગાંધીજીએ આંગણામાં એક સાવરણી પડી હતી તે ઉઠાવીને વાળવા માંડ્યું. એ જોઈને તો અમે લોકો ડઘાઈ જ ગયા. જેમ તેમ કરીને સાવરણી એમના હાથમાંથી લઈ લીધી. અમારા સહુના બિસ્તરા પણ જ્યાં ત્યાં પથરાઈ ગયા. પોતાનું બચકું પોતાને હાથે ઊંચકવું, જાતે ઝાડુ વાળવું — એ અમારા બધા માટે સદંતર નવી વાત હતી; કારણ કે અત્યાર સુધી અમે જુદી જ રીતે જીવન ગાળતા હતા. અમે અથવા અમારા વર્ણના લોકોએ, ઓછામાં ઓછું બિહારમાં તો, આ જાતનું કામ કદી કરેલું નહોતું. પણ આવા પદાર્થપાઠ તો અમને રોજેરોજ મળતા ગયા. મોતીહારીમાં અમે મુકામ નવા મકાનમાં ફેરવ્યો અને ખાવાપીવાનો બંદોબસ્ત કરવાનું અમારે માથે આવ્યું ત્યારે સવાલ એ થયો કે રસોઈ કોણ કરે, અને વાસણપાણી કોણ કરે? અમારામાંના લગભગ બધા જ ન્યાતજાતમાં માનનારા હતા. હું તો તેમાંયે વિશેષ કટ્ટર હતો. નાનપણથી જ ઘરના એવા સંસ્કાર હતા. જ્યારે પણ મારે પટના-કલકત્તા વગેરે જગ્યાએ જવાનું થતું ત્યારે અમારી જ્ઞાતિના અથવા તો બ્રાહ્મણ રસોઈયાના હાથની જ રસોઈ જમતો. કલકત્તામાં એક વાર અમે હિન્દુ હોટલમાં ઊતરેલા, ત્યારે ત્યાં પણ બિહારી બ્રાહ્મણ રસોઇયો રાખીને અમારે માટે જુદી રસોઈનો બંદોબસ્ત કરાવેલો, કારણ કે અમારામાં ન્યાતજાતની એટલી તો કટ્ટરતા હતી કે એક-બે જણ સિવાયના બાકીના બિહારીઓ તો બંગાળી બ્રાહ્મણના હાથની પણ રસોઈ જમવા તૈયાર નહોતા! એટલે મોતીહારીમાં અમારે બ્રાહ્મણ રસોઇયો શોધવાની જરૂર ઊભી થઈ. ગાંધીજીએ અમને સમજાવ્યું કે, “આમ નાતજતના વાડા રાખવાથી આપણા કામમાં નડતર થશે, દરેક જણ માટે જુદા ચૂલા કરવા પડશે અને ખર્ચ પણ વધારે આવશે. સાર્વજનિક કામ એ રીતે ન ચાલી શકે. આપણે આ બધું હવે છોડવું પડશે. આપણે સહુ જો એક જ કામમાં પડ્યા છીએ, તો પછી આપણા સહુની એક જ જ્ઞાતિ કેમ ન માનવી?” આમ કહીને એમણે મોતીહારીમાં જ ન્યાતજાતના વાડા તોડાવી નાખ્યા. અમારામાંથી જ એક જણે રસોઈ કરી, અને તે અમે સહુ સાથે બેસીને જમ્યા. આમ, કોઈ બીજી ન્યાતના માણસે બનાવેલી રસોઈ જંદિગીમાં પહેલી વાર હું મોતીહારીમાં જમ્યો! થોડા દિવસ પછી ગાંધીજીનું ધ્યાન ગયું કે અમારી સાથે કેટલાક નોકરો પણ છે. પહેલાં તો ઘણા લોકો રાતદિવસ હાજર રહેતા, અને સહુ કાંઈ ને કાંઈ સેવા આપવા તત્પર રહેતા; એટલે નોકર કોણ છે ને સ્વયંસેવક કોણ છે તેની ખબર પડતી નહીં. મારી સાથે કોઈ આબરૂદાર ખેડૂતના જેવા દેખાવવાળો એક નોકર મોતીહારીમાં હતો. પછી અમે બેતિયા ગયા ત્યાં પણ એ સાથે જ હતો. મોતીહારીમાં ને બેતિયામાં બેય સ્થળે આટલી સેવા કરનાર આ માણસ કોણ છે તે ગાંધીજીની સમજમાં હવે ઊતર્યું. પછી એમને ખબર પડી કે એવા બીજા પણ કેટલાક સ્વયંસેવક જેવા લાગતા માણસો ખરેખર તો નોકરો છે. એટલે વળી એમણે અમને સમજાવ્યું કે આમ નોકર રાખીને પોતાનું કામ કરાવવું, એ કાંઈ દેશસેવકને શોભે નહીં. જેણે દેશની સેવા કરવી હોય તેણે પ્રથમ તો આ બધી બાબતમાં સ્વાવલંબી થવું જોઈએ. પરિણામ એ આવ્યું કે એકેએકે બધા નોકરોને વિદાય આપવામાં આવી. કેવળ એક માણસ રહ્યો તે વાસણ માંજતો ને રસોડું સાફ કરતો. પોતાનું કામ જાતે કરવાનું અમે ધીરે ધીરે શીખી લીધું. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે તે અમે ધારતા હતા તેટલું મુશ્કેલ નહોતું! કસ્તૂરબા ચંપારણ આવ્યાં, પછી ગાંધીજીએ રસોઇયાને રજા આપી અને કહ્યું કે, બા જ બધાની રસોઈ કરશે. અમને એ ગમતું નહોતું, પણ અમારું કાંઈ ચાલ્યું નહીં. ચૂલામાં લાકડાં બરાબર સળગતાં નહીં, ધુમાડાથી બાની આંખો લાલ થઈ જતી ને તેમાંથી પાણી ગળતું, ત્યારે એમને બહુ દુખ થતું. અમે ગાંધીજીને વાત કરતા, તો તેઓ “આવા જાહેર કાર્યમાં ઓછામાં ઓછું ખર્ચ કરવું જોઈએ. નોકર ને રસોઇયાનું ખર્ચ બને ત્યાં સુધી બચાવવું જોઈએ. બાને તો રસોઈ કરવાનો મહાવરો છે…” એવું બધું કહીને અમારી વાત ટાળતા. પ્રજાનો પૈસો તેઓ કેટલી કરકસરથી વાપરે છે અને એક એક પાઈ બચાવવા કેટલી મહેનત કરે છે, તે અમે સમજી ગયા. અમે જોયું કે પોસ્ટકાર્ડથી ચાલતું હોય તો તેઓ પરબીડિયાનો ઉપયોગ કરતા નહીં; એમના ઘણાખરા મહત્ત્વના લેખો, કોંગ્રેસ તથા બીજી સંસ્થાઓના અગત્યના ઠરાવો વગેરે આપણે કચરાની ટોપલીમાં ફેંકી દઈએ એવા કાગળના ટુકડાઓ પર લખવામાં આવેલા છે. પરબીડિયાને ઉખેળીને તેની અંદરનો ભાગ અને બીજા એક બાજુ વપરાયેલા કાગળોની કોરી બાજુ તેઓ હંમેશાં લખવાના કામમાં લેતા. સાર્વજનિક કામમાં પૈસા ખર્ચવાની બાબતમાં કેટલી હદ સુધી સાવધાન રહેવું જોઈએ, તે અમને ત્યારે શીખવાનું મળ્યું. દક્ષિણ આફ્રિકામાં તો ગાંધીજી પાયખાનાં પણ જાતે સાફ કરતા. પરંતુ ચંપારણમાં તેમણે સ્વાવલંબનનો સંપૂર્ણ કાર્યક્રમ અમારી સમક્ષ મૂક્યો નહોતો. તેઓ જાણતા હતા કે કુમળી ડાળ આસ્તે આસ્તે જ વાળી શકાય; વધારે પડતું જોર કરવા જતાં કદાચ એ બટકી જાય. (અનુ. કરીમભાઈ વોરા) : મો. ક. ગાંધી [‘બાપુને પગલે પગલે’ અને ‘સત્યના પ્રયોગો’ પુસ્તકો]