સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર શાહ/શેરીએ આવે સાદ

Revision as of 12:14, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ,
હાલ્યને આંબાવાડિયે, હજી પોરની તાજી યાદ;

પાંદડુંયે નહિ પેખીએ એવો
ઝૂલતો એનો મોર,
કોઈને મોટા મરવા અને
કોઈને છે અંકોર.
ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ,
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ.

ઘરનું નાનું આંગણું,
ગમે મોકળું મોટું વન;
કોઈનોયે રંજાડ નહિ ને
ખેલવા મળે દન.
હાલીએ ભેરુ, કાયર જે કોઈ હોય તે રહે બાદ,
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ.