સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ગાંધીજયન્તી


ગાંધીજીના વિચારો સાથે ભલે મતભેદ હોય. ખરા મતભેદને હું તો એક જીવનની નિશાની સમજું છું. કશો વિચાર જ ન કરે, સામાય ન થાય, સાથેય ન આવે, તેવા માણસો જ આ દુનિયાને ભારરૂપ છે. અને આપણો દેશ એવાઓનો જ જાણે ભરેલો છે. પણ ગાંધીજીમાં મતભેદ ઊભો કરાવવાની કોઈ અજબ શકિત છે. તેઓ ઘણા નમ્ર છે, વિનમ્ર છે, છતાં એટલા બધા કાર્યને ધપાવનારા છે કે તમારે એક દિવસ તેમની સાથે કે સામે ગયા વગર ચાલે જ નહીં. ગાંધીજી સાથે આપણે મતભેદ હોય તોપણ, તે આપણા દેશના એક મગરૂરી લેવા યોગ્ય પુરુષ નથી શું? અને એવા પુરુષની જયન્તી પ્રસંગે પણ શહેરના કેટલા થોડા માણસોની હાજરી! પણ તે પણ એક રીતે ઠીક છે. કંઈ પણ લાગણી કે જિજ્ઞાસા વિનાના માણસો માત્ર એક આચાર તરીકે આવે, તે કરતાં થોડા પણ ખરા લાગણીવાળા કે જિજ્ઞાસુ ત્યાં હતા તેથી હર્ષ અને વાતાવરણ વધારે શુદ્ધ હતાં. આપણે જેમ વ્યકિતપૂજક છીએ, તેમ વ્યકિતધિક્કારક પણ છીએ. એક માણસ સારો, તો તેનું બધું સારું; એક માણસ નઠારો, તો તેનું બધું નઠારું. ગાંધીજી સારા તો તેમનું બધું સારું. ગાંધીજી ન જોઈએ તો તેમનું ‘નવજીવન’ ન જોઈએ, તેમની અહિંસા ન જોઈએ, તેમનું સાહિત્ય ન જોઈએ, ખાદી ન જોઈએ, રેલવેના ડબામાં ધોળી ટોપીવાળા ન જોઈએ. [‘સ્વૈરવિહાર’ (ભાગ ૧) પુસ્તક: ૧૯૩૧]