સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/પાછી નદી તો વહેવા જ માંડે

From Ekatra Wiki
Revision as of 06:30, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શ્રીમતી દમયંતીબહેનના દેહાંતનો પત્ર વાંચી ઘડીભર સ્થિર થઈ ગયો. તે પછી કેટલીએ વાર પાનાં લઈ લઈ લખ્યાં, પણ કશું લખવાનું સૂઝ્યું નહિ. અરે ભગવાન! તમારો આવો મીઠો સંબંધ! તેમાં આ શું બન્યું? કેમ બન્યું? ઘણી વાર દુનિયાના બનાવો વાર્તા કે નાટકના બનાવો કરતાં પણ વધારે અસંભવિત, વધારે ચોંકાવનારા હોય છે. તેવો જ આ છે. વાર્તા કરતાં વધારે કરુણ, અને આ જગતને ચલાવનારી શક્તિ વાર્તા કરતાં પણ કહો કે વધારે નિષ્કરુણ! તમારે માથે એક બાજુ દુઃખ આવી પડ્યું અને બીજી તરફથી જાણે એ દુઃખ પણ પૂરું ન ભોગવવા દેવું હોય તેમ છોકરાં ઉછેરવાની જવાબદારી! પણ હું તો તમને એમ કહું કે એ છોકરાંની જવાબદારી એ જ તમારો તરણોપાય. એક રીતે તો એ છોકરાં તમારા કરતાં વધારે દુઃખી છે. તેમને જીભ નથી એટલે એ વધારે દેખાય નહિ, પણ મા વિનાનાં છોકરાંની કરુણતા એટલી જબરી છે કે હું માનું છું કવિઓ પણ તેને ન્યાય આપી શક્યા નથી. એ છોકરાંની કરુણ દશાથી તમારે વધારે દુઃખી ન થવું ઘટે, પણ એ છોકરાંની માતા થવું ઘટે. વિધવા માતા છોકરાંને સાચવે છે, ખરા વીરત્વથી સાચવે છે, એવા મૂક વીરત્વથી અને ધૈર્યથી હવે તમે તમારો નવો માર્ગ કોરી કાઢો. મન અને શરીરને નિશ્ચેષ્ઠ કરતો વિષાદ છોડી દો. માત્ર નિશ્ચેષ્ઠ કરતો વિષાદ એમ કહું છું, બાકી અમુક બનાવોની અસર જિંદગીભર ખસતી નથી અને આની પણ નહિ ખસે. પણ એ વિષાદ જતો રહેવો જોઈએ. જીવન નવા રંગથી પણ પાછું વહેવા માંડવું જોઈએ. નદી ઉપર વીજળી પડે છે ત્યાં પાણીનો સુંદર ધરો થાય છે, પણ પાછી નદી તો વહેવા જ માંડે છે. જીવનનું પણ એવું છે. વધારે ઊંડાણથી તમારું જીવન પાછું વહેવા માંડે એમ ઇચ્છું છું. શરીર સાચવશો. હજી તેની પાસેથી ઘણું કામ લેવાનું છે. [ઝવેરચંદ મેઘાણી પર પત્ર : ૧૯૩૩]