સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામસિંહ રાઠોડ/અનોખી ન્યોછાવરી


કચ્છને છેક ઈશાન ખૂણે ઊંચી ગિરિમાળા ‘નીલવા’ની દક્ષિણે અને મોટા રણની કંધી પર ‘વ્રજવાણી’ નામે એક પ્રાચીન ગામના અવશેષો પડ્યા છે. ત્યાં ‘ઢોલીથરના ઢેરા’ ઉપર પડેલા એકસો વીસ ને એક પાળિયા પાછળ એક આવી આખ્યાયિકા પ્રચલિત છે : મુહૂર્તરાજ અખાત્રીજને દિવસે, નમતી સાંજે ‘ધાધિનક્ ધાતિનક્...’ ઢોલ વાગવો શરૂ થયો. હર વારતહેવારે બનતું તેમ, એ નાદ સાંભળીને ગામની આહીરાણીઓ પોતપોતાનાં કામ છાંડીને ઢોલે રમવા નીસરી પડી. ઢોલી એવી ગતથી દાંડી પીટતો કે સેંકડો વર્ષો પૂર્વે શ્રીકૃષ્ણના વેણુનાદથી ઘેલી થયેલી ગોપીઓની પેઠે આ આહીરાણીઓ પણ બાવરી બનીને રાસ રમવા ધસતી. હૈયાં હચમચી ઊઠે એવો રાસ જામ્યો... એની રંગતમાં રાત વીતી, સવાર થવા આવી. પણ એ છબીલો ઢોલી હજી વણથાક્યો ઢોલને દાંડી દીધે જ રાખતો હતો. અને દુધાળા દેહવાળી સૂરીલી એકસો ને વીસ આહીરાણીઓ ધરતીને ધમધમાવતી હજી રાસમાં મસ્ત હતી. રમઝટ જામી હતી. કોઈ કોઈને હટી દે એમ ન હતું. આહીર મરદો પણ ફરતા ટોળે વળી મુગ્ધ બનીને રાસ જોતા હતા. એવામાં વેડાંગ-પલાણ્યો એક વહીવંચો ત્યાંથી નીકળ્યો. આ તાસીરો જોઈને એનો અદેખો જીવ સળગી ઊઠયો. “ઐલફૈલ, ખૈલ ભૈલ, ખલકમેં ગૈલ ગૈલ” એવું કૈંક બબડતો તે આહીરોની વચ્ચે આવી ઊભો. ફાટફાટ થતા જોબનવાળી આહીરાણીઓમાં મહાલતા ઢાઢી ઢોલીની સામે તેનું મોં મચકોડાયું, અને ત્યાં ઊભેલા એક જુવાનજોધ આહીર તરફ આંખ મિચકારીને એણે ચાલતી પકડી. એ આહીરને કમત સૂઝી તે અતાલો થઈને ઢોલી પર કૂદી પડયો અને તેના માથામાં કડિયાળી ડાંગ ફટકારી. ઉછાળા મારતું લોહી ધગધગ કરતું નીકળ્યું અને ઢોલી ધરતીને ખોળે ઢળી પડયો. રાસમાં એકતાલ થયેલી આહીરાણીઓએ આ જોયું, અને એકસો ને વીસેય પોતાના હાથનાં ધીંગાં બલોયાં પોતપોતાનાં કપાળ પર ફટકારી ઢગલો થઈને પડી. લોહીમાં લોહી એકાકાર થઈ ગયું. ગામમાં અધાધૂમ કેર વર્તાઈ ગયો. સ્વધર્મ કે સ્વદેશ માટેની શહાદતો, રાજપૂતોનાં કેસરિયાં અને જૌહર, નીલકંઠ પર કમળપૂજા, કાશી-કરવત, ભૈરવ-જાપ, હેમાળો ગળવો, સતીનો અગ્નિપ્રવેશ — એવા એવા દેહસમર્પણના અનેકવિધ પ્રકારોમાં, એક ઢોલી અને તેની વાદ્યકળા પાછળ ૧૨૦ આહીરાણીઓના દેહની થયેલી આવી ન્યોછાવરી ઇતિહાસમાં અજોડ છે.