સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાવજી પટેલ/ખેતર વચ્ચે



ખેતર વચ્ચે
તગતગ્યાં
બે દૂધભર્યાં ડૂંડાં લચેલાં સાવ પાસે!
રોમ પર એકાંત સરકે સીમનું.
હું શું કરું?

ચોપાસ એની છોડ થઈ ઊગી ઊઠું,
પંખી બનીને
આ લીલુંછમ લ્હેરતું આકાશ
પાંખોમાં ભરી ઊડું?
સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું?
રે શું કરું?

આંહીંથી ભાગી જઉં હું ક્યાંક,
પણ તે જાઉં ક્યાં?
મારા ભણી વાલોળનો વેલો સરી આવે!
વેલો નહીં — એ તો
પવન-તડકો અને માટી બધું ભેગું થઈને વેગથી —
[‘અંગત’ પુસ્તક : ૧૯૭૧]