સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લલ્લુભાઈ મ. પટેલ/એવો એક ધોબીડો!


દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની નીચે હિંદીઓએ સત્યાગ્રહની લડત માંડી હતી. મોટી સંખ્યામાં લોકો જેલમાં ગયેલા. તેમાંના કેટલાક એવા હતા કે પાછળ એમના કુટુંબનું ધ્યાન રાખનાર કોઈ હતું નહીં. તેવાં કુટુંબોને માટે ગાંધીજીના આશ્રમ ટોલ્સટોય ફાર્મમાં વ્યવસ્થા કરવામાં આવેલી. ગાંધીજી જેલમાંથી છૂટીને આવ્યા પછી ખૂબ કામમાં રહેતા હતા. છતાં સમય કાઢી એ કુટુંબની બહેનોને મળવાનું ને આશ્વાસન આપવાનું ચૂકતા નહીં. તેમને ઘરકામમાં પણ કોઈક વાર મદદ કરતા. એક દિવસ ગાંધીજી પોતાનાં કપડાં ધોવા નદીએ જતા હતા. નાનાં નાનાં બાળકો વાળી માતાઓની મુશ્કેલીનો વિચાર કરીને તેમની પાસે એ ગયા ને બોલ્યા : “આજે તમારાં સહુનાં કપડાં હું ધોઈ આપીશ. નદી ઘણે લાંબે છે, અને તમારે નાનાં છોકરાં સાચવવાનાં હોય. એટલે બાળકોએ ઝાડો-પેસાબ કર્યાં હોય તેવાં કપડાં સુધ્ધાં મને આપી દો.” “અરે, ગાંધીભાઈને તે કપડાં ધોવા અપાતાં હશે! એ તો મોડાંવહેલાં અમે જ ધોઈ નાખશું.” પ્રેમ અને સંકોચમિશ્રિત લાગણી સાથે બહેનો બોલી. પણ ગાંધીજી એમ નમતું જોખે તેવા ન હતા. કપડાં લઈ જવાનો આગ્રહ તેમણે ચાલુ રાખ્યો. બહેનોના સંકોચનો તો પાર નહોતો. પણ અંતે પ્રેમનો વિજય થયો. બધાં કપડાંનો એક મોટો ગાંસડો બાંધ્યો અને તેને પીઠ પર નાખીને ગાંધીભાઈ નદી તરફ ચાલી નીકળ્યા. ત્યાં જઈને બધાં કપડાં પ્રેમપૂર્વક ધોયાં, નદીના તટ પર સૂકવ્યાં, તેની ગડી કરી ‘ફાર્મ’ પર લાવ્યા અને ઘેરઘેર ફરી બહેનોને તેમનાં કપડાં પહોંચાડ્યાં. પછી એ ધોબીના ધોયેલાં વસ્ત્રો પહેરતાં બહેનોએ કેવી કેવી લાગણીઓ અનુભવી હશે! લલ્લુભાઈ મ. પટેલ [‘લોકજીવન’ : ૧૯૫૬]