સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/અનિષ્ટનો આશ્રય


કોમવાદને આપણે રાષ્ટ્રના હિતનો એવો તો કટ્ટો શત્રુ માનેલો છે કે એની સાથે પ્રાણાંતે પણ સમાધાન હોઈ શકે નહીં. તેમ છતાં, કેરળ પ્રદેશને સામ્યવાદની પકડમાંથી છોડાવવા કૉંગ્રેસ તથા પ્રજા-સમાજવાદી પક્ષ સાથે મળીને જંગ ખેલી રહ્યા હતા ત્યારે તેમણે ત્યાંની મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરવાની ભૂલ કરી દીધી. પરિણામે, દેશના જાહેરજીવનમાંથી લગભગ નામશેષ થઈ ગયેલી મુસ્લિમ લીગને ફરીથી જાણે જીવન મળી ગયું; અને દેશમાં મુસ્લિમ કોમવાદ ફરીને ઊભો કરવાના પ્રયાસ એણે આરંભી દીધા. એક અનિષ્ટને ટાળવા માટે બીજા અનિષ્ટનો આશ્રય લેવો એ કેટલું બધું ખોટું અને જોખમકારી છે, તે અંગેનું આ દુખદ દૃષ્ટાંત છે. કોમવાદ જો ભયંકર હોય તો સર્વ સ્થળે અને સર્વ સંજોગોમાં એની સામે લડી લેવાનો રાષ્ટ્રવાદી બળોનો ધર્મ થાય છે. અમુક વિસ્તારમાં કોમવાદી લોકોની મોટી બહુમતી છે એટલે ત્યાં આપણે જીતી શકવાના નથી એમ સમજીને ત્યાં લડવાનું માંડી વાળવું, એ કોમવાદને માટે રસ્તો સરળ કરી આપવા જેવું થાય છે. “બધા મતદારો કોમવાદી છે, અને તેમને આપણે સમજાવીશું તોય તેઓ કોમવાદી મટવાના નથી,” એમ માનવું તે લોકો વિશે ને આપણી જાત વિશે અશ્રદ્ધા સેવવા જેવું છે. એક પણ માણસનું મતપરિવર્તન ન થાય તો પણ લોકો પાસે જઈને તેમને રાષ્ટ્રવાદની ભૂમિકા પરથી સમજાવવાની કોશિશ કરવી, એ રાષ્ટ્રવાદી સંસ્થાઓનું પ્રથમ કર્તવ્ય છે. ચૂંટણીમાં બેઠક મળે કે ન મળે પરંતુ કોમવાદને ખતમ કરવો જ છે, કોમવાદમાં ફસાયેલા લોકોને તેમાંથી બહાર કાઢવા જ છે, એવો સંકલ્પ પ્રતિકૂળ સંજોગોમાં તો ઊલટો વિશેષ દૃઢ થવો જોઈએ. કેવળ બેઠક હારવા-જીતવાની દૃષ્ટિએ ન વિચારતાં, દરેક મતવિસ્તારમાં પહોંચીને લોકોને ચેતવવાં જોઈએ, ને એનાં જોખમો સમજાવવાં જોઈએ.