સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/પ્રાર્થના



બળ દે, બુદ્ધિ દે, તેજ દે, તાકાત દે,
ધીરજ દે, વિવેક દે, જ્ઞાન દે, શાંતિ દે,
અહંકાર હરી લે,
સરળતા દે, નમ્રતા દે, નિર્ભયતા દે.
મને કોઈનો ભય ન રહો,
કોઈ પ્રકારનો ભય ન રહો,
ગરીબીનો, તંગીનો, મુસીબતોનો, રોગનો,
નિરાશાનો, નિષ્ફળતાનો, અપકીર્તિનો, મૃત્યુનો
—કોઈનો ભય ન રહો.
હે પ્રભુ!
અહંકાર, મમતા, રાગ એ બધા
તારી-મારી વચ્ચેના અંતરાયો
વહેલામાં વહેલા દૂર થાઓ,
બિંદુ સિંધુમાં મળી જાઓ.
એવો ધન્ય દિવસ આવે ત્યાં સુધીમાં
કર્મની જંજાળ ઊભી ન કરી બેસું
એ માટે શું કર્તવ્ય, શું અકર્તવ્ય,
એની પ્રેરણા આપજો,
રાતદિવસ તારાં કામ કરી શકું
એવી પાત્રતા આપજો.
પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ રહો,
હૃદયમાંથી સૌ પ્રત્યે સદ્ભાવ વહેતો રહો,
પ્રેમ ઊડો ને વ્યાપક બનો,
કરુણા ક્રિયાશીલ બનો.
સામાન્ય માણસનો રોટલો ખાઈને
આમસમુદાય વચ્ચે ફરતો રહું,
એના સુખદુ:ખના પ્રશ્નોમાં સહાયરૂપ થઈ શકું,
એવી શકિત આપો, શકિત આપો.
એ માટે અપરિગ્રહનું બળ આપો.
ઇચ્છાઓ ને અપેક્ષાઓ
આપોઆપ ક્ષીણ થતી રહો.
કોઈનું કંઈ મળે, એવી ઇચ્છા
કદીયે ન રહેજો એટલું જ નહીં,
બીજાને જે જોઈએ તેવી વસ્તુની
મને ઇચ્છા જ ન રહે—
એવી મારા મનની ભૂમિકા સદાય રહેજો.
મને જે કાંઈ શકિત આપેલી છે
તેના કણેકણનો ને સમયની ક્ષણેક્ષણનો
ઉત્તમ ઉપયોગ કરી શકું,
જીવનની છેલ્લી ક્ષણ સુધી
તારું નામ લેતો રહું, તારાં કામ કરતો રહું
એટલી સ્વસ્થતા અને જાગૃતિ આપજો.
અમારાં સંતાનોને ઉત્તમ વિચારો મળજો,
સદાચરણની શકિત મળજો;
બુદ્ધિ, શકિત, સંપત્તિ વગેરે
જે કાંઈ એમની પાસે હોય,
તે બધું કેવળ પોતાને માટે નહીં
પરંતુ સારાયે સમાજ માટે છે,
એવી વિશાળ ભાવના એમની રક્ષા કરજો.