સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વત્સલા મહેતા/બાળક સવાલ પૂછે ત્યારે —


૧૯મી સદીનો વિખ્યાત અંગ્રેજ કવિ રોબર્ટ બ્રાઉનિંગ જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે એક દિવસ એના પિતા કાંઈક વાંચતા હતા. “શું વાંચો છો, ડેડી?” નાના રોબર્ટે પૂછ્યું. “આ ‘ઇલિયડ’ પુસ્તકમાંથી ટ્રોયના ઘેરા વિશે વાંચું છું,” પિતા બોલ્યા. “ટ્રોય શું છે?” બાળકે ફરીથી પૂછ્યું. બીજા કોઈ પિતાએ કહ્યું હોત કે ટ્રોય એક શહેરનું નામ છે અને પછી ઉમેર્યું હોત કે, “જા હવે બહાર રમવા જા અને મને વાંચવા દે!” પણ રોબર્ટના પિતાએ તો ઊભા થઈને ત્યાં દીવાનખાનામાં જ ટેબલ— ખુરશીઓને ગોઠવીને જાણે કે નાનું સરખું શહેર બનાવ્યું અને એક મોટી ખુરશી પર એ નાના છોકરાને બેસાડયો. “જો, હવે આ બધું ટ્રોય નગર છે અને તું તેનો રાજા પ્રાયમ છે... અને હા, આ રહી તારી સુંદર મજાની રાણી હેલન!” એટલું બોલીને પિતાએ રોબર્ટની પાળેલી બિલાડીને ઊંચકી. “અને બહાર પેલા જંગલી કૂતરાઓ છે ને — જે હમેશાં તારી બિલાડીની પાછળ પડે છે? તે જ રાજા એગ્મેન અને રાજા મેનેલેઅસ, જેમણે હેલનનું હરણ કરી જવા ટ્રોય ઉપર ચડાઈ કરેલી.” આ પ્રમાણે પિતાએ નાના રોબર્ટને સરળ રીતે વાર્તા સમજાવી. પછી જ્યારે એ સાત-આઠ વરસનો થયો ત્યારે પિતાએ એને ‘ઇલિયડ’ પુસ્તક વાંચવા આપ્યું... અને થોડાં વરસો પછી રોબર્ટને મૂળ ગ્રીક ભાષામાં ‘ઇલિયડ’ વાંચતાં શીખવ્યું. માતા-પિતા તરીકે આપણે હંમેશા બાળકોને કાંઈ ને કાંઈ શીખવતાં જ હોઈએ છીએ — પછી ભલે શીખવવાનો આપણો ઇરાદો ન પણ હોય. આપણે આપણાં બાળકોને લાડ કરીએ કે મારીએ, તેમની ચિંતા કરીએ કે ઉપેક્ષા કરીએ — દરેક વર્તન મારફત એમને કાંઈ ને કાંઈ શીખવીએ જ છીએ.