સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/આ બધું એમનેમ બન્યું હશે?


એ વાત નિશ્ચિત સમજી લેજો કે વિજ્ઞાન જ્યાં સુધી માતૃભાષામાં લોકો સમક્ષ નહીં મુકાય, ત્યાં સુધી તે વ્યાપકપણે ફેલાઈ શકશે નહીં. આજ સુધી વિજ્ઞાન બધું અંગ્રેજી ચોપડીઓમાં બંધ રહ્યું, તેને લીધે જ તે આપણા દેશમાં બહુ ઓછું ફેલાયું. વિજ્ઞાન તો ખેતીમાં હોઈ શકે, રસોઈમાં હોઈ શકે, સફાઈમાં હોઈ શકે. જીવનના એકએક ક્ષેત્રમાં વિજ્ઞાનની જરૂર છે, પરંતુ અંગ્રેજોના રાજમાં વિજ્ઞાનના પરિચય માટે અંગ્રેજીનું જ્ઞાન આવશ્યક હતું, અને અહીંના બહુજન સમાજને અંગ્રેજીનું જ્ઞાન હતું નહીં, તેથી કરોડો લોકોને વિજ્ઞાનનું જ્ઞાન મળી શક્યું નહીં. અંગ્રેજીમાં વિજ્ઞાનનાં સારાં-સારાં પુસ્તકો છે, તે બધાં આપણી ભાષાઓમાં લાવવાં છે. તો જેમણે પોતે અંગ્રેજીનું જ્ઞાન મેળવ્યું, તેમણે વ્રત લેવું જોઈએ કે, હું મરતાં પહેલાં એક સારા અંગ્રેજી પુસ્તકનો અનુવાદ મારી માતૃભાષામાં કરીશ; એવો અનુવાદ કર્યા વિના મરવાનો મને અધિકાર નથી. આજે ઘણાં ક્ષેત્રોમાં અંગ્રેજી વિના ચાલતું નથી એમ આપણે જ્યારે કહીએ છીએ, ત્યારે સાથે સાથે એટલો વિચાર નથી કરતા કે અંગ્રેજીને આવું સ્થાન મળ્યું શી રીતે? કાંઈ આપોઆપ તો નથી મળી ગયું. તે માટે અંગ્રેજોએ કેટલો બધો પુરુષાર્થ કર્યો છે! તેને લીધે આજે તો સ્થિતિ એવી છે કે આપણા પોતાના દેશની ભાષાઓ પણ જો આપણે શીખવી હોય, તો તે અંગ્રેજી મારફત જ શીખવી પડે છે! ધારો કે મારે બાંગ્લા ભાષા શીખવી છે, તો શું હું તેને મરાઠી મારફત કે ગુજરાતી મારફત શીખી શકીશ? નહીં, કેમ કે મરાઠી-ગુજરાતીમાં મને બાંગ્લાકોષ નહીં મળે; તે અંગ્રેજીમાં મળશે. એટલે પછી મારે અંગ્રેજી મારફત જ બાંગ્લા ભાષા શીખવી પડશે! એવું જ બહારની ભાષાઓ માટે પણ. વચ્ચે હું ચીની ભાષા શીખતો હતો, તો તેને માટે મારી પાસે જે પુસ્તકો આવ્યાં તે અંગ્રેજીનાં જ આવ્યાં. એટલે આજે તો અહીંની ને બહારની ભાષાઓ અંગ્રેજી મારફત જ આપણે શીખી શકીએ એવી પરિસ્થિતિ છે, કેમકે અંગ્રેજી ભાષામાં દરેક ભાષા માટેના કોષ મળી શકે છે. આ કોષ બધા એમનેમ બન્યા હશે? તેને માટે કેટલી બધી મહેનત એ લોકોએ કરી હશે! ખૂબ ખૂબ મહેનત કરીને એમણે પોતાની અંગ્રેજી ભાષાને આટલી બધી સંપન્ન બનાવી છે, ત્યારે એમની પાસેથી બોધપાઠ લઈને આપણે પણ ખૂબ મહેનત કરવી જોઈએ અને આપણી ભાષાઓને આ દૃષ્ટિએ પણ સંપન્ન બનાવવી જોઈએ.