સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/ક્રાંતિ અને શાંતિનો સંગમ


હું નાનો હતો, ત્યારથી મારું ધ્યાન બંગાળ અને હિમાલય ઉપર ચોંટ્યું હતું. હિમાલય અને બંગાળ જવાનાં સપનાં હું સેવ્યા કરતો. બંગાળમાં વંદેમાતરમ્ની ક્રાંતિની ભાવના મને ખેંચતી હતી, અને બીજી બાજુએથી હિમાલયનો જ્ઞાનયોગ મને તાણતો હતો. ૧૯૧૬માં જ્યારે હું ઘર છોડીને નીકળી પડ્યો, ત્યારે મને એક તો હિમાલય જવાની ઇચ્છા હતી, બીજી બંગાળ જવાની. હિમાલય ને બંગાળ બંનેને રસ્તે કાશીનગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં પહોંચ્યો. કાશીમાં હતો તે દરમ્યાન મને એક દિવસ ગાંધીજીનું સ્મરણ થયું. એમનું પેલું પ્રસિદ્ધ ભાષણ હું વડોદરા હતો ત્યારે મેં છાપામાં વાંચેલું. બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયના પ્રારંભ પ્રસંગે યોજાયેલ સમારંભમાં તેઓ આવ્યા હતા. તે સમારંભમાં મોટા મોટા વિદ્વાનો, રાજા મહારાજાઓ અને વાઇસરોયની હાજરીમાં ગાંધીજીએ જે ઓજસ્વી ભાષણ આપેલું, તેની મારા ઉપર બહુ ઘેરી અસર થઈ હતી. કાશીમાંયે હજી તેની ચર્ચા ચાલ્યા કરતી હતી. મને લાગ્યું કે આ પુરુષ એવો છે, જે દેશની રાજકીય સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથે સાધવા માગે છે. મને આ જ ખપતું હતું. મેં પત્ર લખી પ્રશ્નો પૂછ્યા. જવાબ આવ્યા એટલે ફરી પૂછ્યા. ગાંધીજીએ વળતી આશ્રમમાં દાખલ થવા અંગેના નિયમોની પત્રિકા મોકલી અને લખ્યું કે પત્રવ્યવહારથી વધુ ફોડ નહીં પાડી શકાય, તમે રૂબરૂ આવી જાવ. અને મારા પગ મહાત્મા ગાંધી તરફ વળ્યા. આમ જોતાં તો એમ લાગે કે ન તો હું હિમાલય ગયો, કે ન બંગાળ પહોંચ્યો. પણ મારા મનથી તો હું બંને જગ્યાએ એકી સાથે પહોંચી ગયો. ગાંધીજી પાસે મને હિમાલયની શાંતિ પણ મળી અને બંગાળની ક્રાંતિ પણ જડી. જે વિચારધારા હું ત્યાં પામ્યો, તેમાં ક્રાંતિ અને શાંતિનો અપૂર્વ સંગમ થયો હતો. ૭ જૂન, ૧૯૧૬ને દિવસે કોચરબ આશ્રમમાં હું ગાંધીજીને પહેલી વાર મળ્યો. ભગવાનની અપાર દયા હતી કે એમણે મને એમનાં ચરણોમાં સ્થિર કર્યો. ગાંધીજી તો પારસમણિ જેવા હતા. એમના સ્પર્શથી લોઢું સુવર્ણ બનતું. એમના હાથમાં એવો કીમિયો હતો જેને લીધે તેઓ માટીમાંથી મહાપુરુષ પેદા કરી શકતા હતા, જંગલીને સભ્ય બનાવી શકતા હતા, નાનાને મોટો કરી શકતા હતા. એમણે મારા જેવા અસભ્ય માણસને સભ્ય તો નહીં, પણ સેવક જરૂર બનાવ્યો. મારી અંદરના ક્રોધના જ્વાળામુખીને અને બીજી અનેક વાસનાઓના વડવાગ્નિને શમાવી દેનારા તો ગાંધીજી જ હતા. આજે હું જે કાંઈ છું, તે બધો એમની આશિષનો ચમત્કાર છે. ગાંધીજી પાસે પહેલવહેલો આશ્રમમાં પહોંચ્યો, ત્યારે મને તો કંઈ આવડે નહીં. એમને પણ ખબર કે સદ્ભાવનાથી છોકરો આવ્યો છે. પહેલે દિવસે એમણે શાક સમારતાં શિખવાડ્યું, અને અમે ખૂબ વાતો કરી. એમના હાથે જ હું ધીરે ધીરે ઘડાયો. ૧૯૧૬માં જ્યારે હું એમની પાસે પહોંચ્યો, ત્યારે ૨૧ વરસનો છોકરડો હતો. એક જિજ્ઞાસુ બાળકની વૃત્તિ લઈને એમની પાસે ગયો હતો. ત્યારે એમણે મારી પરીક્ષા કરી હશે કે કેમ તે હું જાણતો નથી, પરંતુ મારી બુદ્ધિથી મેં એમની ઘણી પરીક્ષા કરી લીધી હતી; અને જો તે પરીક્ષામાં તેઓ ઓછા ઊતરત, તો એમની પાસે હું ટકી શકત નહીં. મારી પરીક્ષા કરીને તેઓ મારામાં ગમે તેટલી ખામીઓ જોત, તોપણ મને પોતાની સાથે રાખત; પણ મને એમની સત્યનિષ્ઠામાં જો કંઈક કમી, ન્યૂનતા દેખાત, તો હું એમની પાસે ન રહેત. ગાંધીજી હંમેશાં કહેતા કે, હું તો અપૂર્ણ છું. વાત એમની સાચી હતી. મિથ્યા બોલવું તેઓ જાણતા નહોતા. તેઓ સત્યનિષ્ઠ હતા. પરંતુ મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે, જેમને પોતાને એવો ભાસ હોય કે પોતે પૂર્ણ પુરુષ છે; એમ છતાં એવા કોઈનું મને લગીરે આકર્ષણ નથી થયું, પરંતુ હંમેશાં પોતાને અપૂર્ણ માનનારા ગાંધીજીનું જ અનેરું આકર્ષણ મને રહ્યું. મારા પર જેટલી અસર ગાંધીજીની પડી, તેટલી પૂર્ણતાનો દાવો કરનારા બીજા સજ્જનોની ન પડી. હું ગાંધીજીને મળ્યો અને એમના ઉપર મુગ્ધ થઈ ગયો. ‘ગીતા’માં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો આવે છે. એ વર્ણન જેને લાગુ પડે એવો સ્થિતપ્રજ્ઞ શરીરધારી ભાગ્યે જ શોધ્યો જડે. પણ એ લક્ષણોની બહુ નજીક પહોંચી ચૂકેલા મહાપુરુષને મેં મારી સગી આંખે જોયો. [‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૨૦૦૪]