સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/ગાંધી પણ એવા ને એવા નહીં ચાલે


ઘનશ્યામદાસ બિરલાજીએ બાપુનાં સ્મરણોની સરસ ચોપડી લખી છે. એમાં એમણે બાપુની વ્યવહારકુશળતા બતાવવા એક પ્રસંગ ટાંક્યો છે. કામો વચ્ચેથી પણ વખત કાઢીને બાપુએ પૂછેલું કે ફલાણું ફંડ સરખી બેંકમાં રાખ્યું છે ને? અને એનું સરખું વ્યાજ મળે છે ને? એવો પ્રસંગ ટાંકીને બિરલાજી લખે છે: બાપુ ચતુર વાણિયા હતા. પરંતુ હું બહુ નમ્રતાપૂર્વક કહેવા માગું છું કે ફંડ એકઠું કરવું, એને વ્યાજે મૂકીને વધારવું, એ બધી હવે જૂનીપુરાણી વાતો થઈ ગઈ છે. આજે જો કોઈ મહાત્મા થાય અને વ્યાજની ચિંતા કરે તો એની તે વાત પછાત મનાશે. આજે તો એવું સૂઝવું જોઈએ કે વ્યાજ ન લેતાં ઊલટું આપવું જોઈએ; મૂડીને વધારવાની વાત જ ન હોય, એને તો ઘટાડવાની જ હોય. જેણે આપણો પૈસો લીધો એણે જો એનો બરાબર ઉપયોગ કર્યો હોય તો પાછો લેતી વખતે તેને ઊલટી કસર આપવી જોઈએ. આવું જેને સૂઝશે તે જ આ જમાના માટે લાયક ગણાશે. આપણે કોઈએ ગાંધીજીના સ્થૂળ ચરિત્રના આકારનું પૂછડું ન પકડવું જોઈએ. એ પોતે કાંઈ જૂની ચોપડીઓની નકલો કાઢનારા માણસ ન હતા. એ તો નિત્ય નવું અને તાજું વિચારતા અને કહેતા; તેમ છતાં આપણે એમની સ્થૂળ વાતોને પકડી રાખવાની ભૂલ કરીએ છીએ. ગાંધીજી જેટલે અંશે વ્યકિત હતા તેટલે અંશે, તેઓ જેમ ગુણોથી ભરેલા હતા તે જ રીતે દોષોથી પણ ભરેલા હતા. ત્યારે એમના ગુણ-દોષોની છણાવટ કરીને ગુણોનો સ્વીકાર અને દોષોનો પરિહાર કરવો એ અનિવાર્ય થઈ પડે છે. આપણે જો એ નહીં સમજીએ, તો આપણે ગાંધીજીને જરાય સમજ્યા નથી. તેઓ તો રોજેરોજ બદલાતા ગયા હતા, પળેપળ વિકસતા રહ્યા હતા, અને આજે તેઓ હોત તો કેવું વલણ લેત તે કોઈ કહી શકે તેમ નથી. માર્ક્સને કેટલીયે વાતો નહોતી સૂઝી, કેમ કે આજે જે વિજ્ઞાન વિકસ્યું છે તે એણે ભાળ્યું નહોતું. એને જો આ વિજ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ હોત તો એ એના સિદ્ધાંતોને બદલત; કારણ એ ચિંતનશીલ મનુષ્ય હતો. આજે વિજ્ઞાનયુગમાં માર્કસ નહીં ચાલે, તેમ પુરાણા-કાળનો મનુ પણ આજે નકામો નીવડશે. અને ગેરસમજ ન કરો તો હું નમ્રતાપૂર્વક કહેવા માગવું છું કે ગાંધી પણ આજે એવો ને એવો નહીં ચાલે. આપણે તો સમાજ-શરીરમાં કાંટાની પેઠે ઘૂસી જવાનું છે. કાં તો શરીર કાંટાને ફેંકી દે છે, કાં એ શરીરને સતત ભોંકાયા જ કરે છે. તે જ રીતે આપણે કુશાગ્ર બુદ્ધિથી સમાજશરીરમાં પેસી જવાનું છે. સમાજ આપણને ફેંકી દે તો જરાયે આશ્ચર્યની વાત નથી. મને તો ઊલટું આશ્ચર્ય એ વાતનું થાય છે કે હજી સુધી ફાંસી, શૂળી કે ક્રોસ આપણાથી આટલાં છેટાં ને છેટાં કેમ રહ્યાં છે! આપણો વિચાર સમાજને ભોંકાવો જોઈએ. વિચાર જો પરોણીની જેમ ન ભોંકાય તો સમજવું જોઈએ કે આપણે જે વિચાર રજૂ કર્યો તેનાથી સમાજનું ગાડું આગળ ધપે તેમ નથી, એ સમાજને ‘જૈસે થે’ (જેવો ને તેવો) રાખનારો છે.