સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/જો ઘર ફૂંકે આપના...


પરમેશ્વરે જો હરેકના દિલમાં બારી મૂકી હોત, તો મારા હૃદયમાં જે આગ ધીકી રહી છે, તે આપ ભાળી શકત. આજની સ્થિતિ એક મિનિટ માટે પણ સહન થઈ શકે એવી નથી. આજકાલ હું હસતો જ રહું છું. એટલા વાસ્તે હસતો રહું છું કે રોવાનું વાજબી નથી. જોકે હાલત તો રોવા લાયક જ છે. ચારે કોર કેવું કેવું થઈ રહ્યું છે! અન્યાય જ અન્યાય ચાલી રહ્યો છે. અંદરથી ભારે વેદના અનુભવાય છે. આજનો ‘સ્ટેટસ કો’-જૈસે કે તૈસે સ્થિતિ બિલકુલ બરદાસ્ત થઈ શકે તેવી નથી. આજે નીચેનાઓને સતત વધુ ને વધુ દબાવાઈ રહ્યા છે. એમનું બેફામ શોષણ ચાલી રહ્યું છે. એમની સાથે જે કાયમની હિંસા આચરાઈ રહી છે, તે હરગિજ સહન થઈ શકે તેવી નથી. આવું જ ચાલુ રહ્યું, તો તૂફાન આવશે અને લોહિયાળ ક્રાંતિમાં સહુને સમેટી લેશે. એવું થશે તો મને દુઃખ તો થશે, પણ આજની ‘સ્ટેટસ કો’ સ્થિતિથી થાય છે તેના કરતાં ઓછું જ થશે. જોકે તે જોવા માટે હું જીવતો નહીં રહું. અહિંસક ઢબે ક્રાંતિ થાય તે માટે હું મારો જાન આપી દઈશ. છતાં ઈશ્વર ‘રુદ્ર’ ને ‘શિવ’ બંને છે. તેને જો પોતાનું રુદ્ર સ્વરૂપ પ્રગટ કરવું હશે, તો તમારી ને મારી શી વિસાત છે તેને રોકવાની? જ્યાં ગરીબોની કોઈ પૂછપરછ નથી, એમને રોજી-રોટી, કપડાં-મકાન મળે છે કે નહીં તેની કોઈને પરવા નથી, એવી હાલત તો કેમ સહન થાય? ગામડે-ગામડે હું જ્યારે ગરીબોની હાલત જોઉં છું, ત્યારે મારું દિલ રડી ઊઠે છે. હું ખાઉં છું ત્યારે કોળિયે-કોળિયે મને ગરીબોની યાદ આવે છે. આ ચીજ જ મને સતત ચલાવી રહી છે, મને પગ વાળીને બેસવા દેતી નથી. લોકો મને પૂછે છે કે, તમે થાકતા નથી? હું જવાબ દઉં છું કે આ બૂઢાપામાં થાકવું તો સ્વાભાવિક છે. શરીર આરામ માગે છે, એ તેનો સ્વભાવ છે. પરંતુ હું થાકતો નથી, કેમ કે હું મારી આંખો સામે આટલો બધો અનર્થ જોઈ રહ્યો છું! હું જોઈ રહ્યો છું કે આપણે સહુ એકબીજાને મદદ નહીં કરીએ, શ્રમજીવીઓને અને ગરીબોને આપણા પરિવારમાં સામેલ નહીં કરીએ, તો સમાજનું ઘણું અઘટિત થવાનું છે. હું જોઈ રહ્યો છું કે આવું ને આવું ચાલુ રહે, તો આગળ શું થાય. એટલે સહુને સાવધાન કરવા હું એક પણ દિવસની ફુરસદ લીધા વિના અવિરત ઘૂમી રહ્યો છું અને મારો દુર્બળ અવાજ તમારા કાન સુધી પહોંચાડી રહ્યો છું. આગ લાગી છે, ત્યારે હું પગ વાળીને બેસી શી રીતે શકું? આગળ શું થશે, એ તો ઈશ્વરની ઇચ્છા ઉપર નિર્ભર છે. મેં મારી ફરજ બજાવી, તેના કરતાં વિશેષ હું શું કરી શકું? હું એટલું જોઉં છું કે મારા પરિશ્રમ ને પુરુષાર્થમાં કોઈ કસર ન રહી જાય. આજની પ્રચલિત વ્યવસ્થાના મૂળ પર આપણે કુઠારાઘાત કરવો છે. આજના સમાજના ઢાંચાને આપણે જડમૂળથી બદલવો છે. આમ તો દુનિયામાં કરવાનાં સારાં કામો તો અનેક છે, પણ એવાં સામાન્ય સેવાનાં, રાહતનાં ને કલ્યાણનાં કામો અત્યારે નહીં. અત્યારે તો આપણે સમાજમાં સમૂળી ક્રાંતિ લાવવી છે. માણસ-માણસ વચ્ચે આજે જે સંબંધ છે, તે સંબંધોમાં જ આપણે ધરમૂળથી પરિવર્તન લાવવા માગીએ છીએ. આજે સમાજમાં જે મૂલ્યો છે, તેને આપણે બદલી નાખવા માગીએ છીએ. આને માટે આપણા અંતરનો અગ્નિ પ્રજ્વલિત જોઈએ. એટલા વાસ્તે હું ગામડે-ગામડે અને ઘરે-ઘરે જઈને લોકોનાં દિલને ઢંઢોળું છું. ગરીબો જમીન-વિહોણાં જ નહીં, જબાન-વિહોણાં પણ છે. હું એ જબાન-વિહોણાંઓની જબાન બન્યો છું. હું ભીખ નથી માગતો, હું એ જબાન-વિહોણાંઓનો હક માગું છું. ઉત્પાદન વધારો, સમૃદ્ધિ વધારો, પછી એ બધું ઉપરના સ્તરેથી ધીરે ધીરે ઝમતું-ઝમતું નીચેના સ્તર સુધી પહોંચશે-એવી ‘પરકોલેશન થિયરી’ મને હરગિજ મંજૂર નથી. કોઈ માણસ ડૂબી રહ્યો છે, તો તત્કાળ એને ઉગારવાનો હોય, ડૂબતાને તુરત બચાવવાનો હોય. તેના ઉદ્ધારમાં ઉધારી નહીં ચાલે. આટઆટલાં વરસોની જાતજાતની યોજનાઓ છતાં ગરીબોને હજી જીવનની પ્રાથમિક જરૂરિયાતો જેટલુંયે ન મળતું હોય, તે કેમ ચાલે? હું તો કોઈ પણ યોજનામાં પહેલવહેલું એ જોઉં કે તેનાથી સૌથી પહેલો ગરીબોને લાભ મળે છે કે કેમ? અને મળે છે તો કેટલો મળે છે? આપણે આ ગરીબોની શૂન્ય આંખોમાં પુણ્ય-પ્રભા લાવવી છે. એ પુણ્ય-પ્રભા ત્યારે જ આવશે, જ્યારે આપણે લોકો કરુણાવાન બનીશું, એમના માટે કંઈક કરી શકીશું. ગાંધીજી આવીને આ જ વાત કહી ગયા. એમણે અહિંસાની ક્રાંતિનો, પ્રેમની ક્રાંતિનો માર્ગ દાખવ્યો. મેં તે માર્ગે ચાલવાની પૂરેપૂરી કોશિશ કરી છે. તેમ કરતાં મેં મારા પ્રયત્નોની પરાકાષ્ઠા કરી દીધી. મને એવી એક ક્ષણ પણ યાદ નથી કે જ્યારે આ બાબતમાં હું અસાવધાન રહ્યો હોઉં. મારો અંતરાત્મા આનો સાક્ષી છે. ક્રાંતિઓ ફુરસદથી નથી થતી. ‘હંડ્રેડ ઇયર્સ વોર’-યુરોપનું સો વરસનું યુદ્ધ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. સો વરસ સુધી લડાઈ ચાલતી રહી. એક પછી એક પાંચ પેઢીઓ થઈ ગઈ, એક લડાઈ લડતાં-લડતાં! આવી જ રીતે ક્રાંતિ માટે પણ અવિરત ઝઝૂમતા રહેવાનું છે. આવા અહિંસક સમાજ-પરિવર્તનના આંદોલનમાં કોણ ટકી શકશે? જેનામાં ક્રાંતિની ભાવના હશે અને વૈરાગ્યની વૃત્તિ હશે. આ બેમાંથી એક નહીં હોય તો ટકાશે નહીં. ક્રાંતિની ભાવના હશે, પણ વૈરાગ્ય નહીં હોય, આધ્યાત્મિક વૃત્તિ નહીં હોય, તો પોતાનો માયાપાશ તોડી નહીં શકે. આજની સમાજવ્યવસ્થાને ગાળો દેતા રહેશે, અસંતુષ્ટ રહ્યા કરશે, પણ સાતત્યપૂર્વક ક્રાંતિકાર્યમાં રચ્યોપચ્યો નહીં રહી શકે. આધ્યાત્મિક વૃત્તિ હશે તો જ અંદરથી શક્તિ મેળવી શકશે. બીજી બાજુ, આધ્યાત્મિક વૃત્તિ હશે, પણ ક્રાંતિની ભાવના નહીં હોય, તો મોડોવહેલો વ્યક્તિગત સાધનામાં સરી પડશે. માટે બેઉ વસ્તુ જોઈશે-ક્રાંતિની ભાવના તેમ જ આધ્યાત્મિક વૃત્તિ. આને માટે સાધકોને ને સેવકોને આવાહન છે. કબીરે હાકલ કરેલી— કબીરા ખડા બાજાર મેં લિયે લુકાટી હાથ, જો ઘર ફૂંકે આપના ચલે હમારે સાથ! અમારી સાથે આવવું છે, તો ઘર પણ રાખશો, માબાપ ને કુટુંબકબીલો રાખશો, તે નહીં બને. બધું છોડીને આવવું પડશે. કબીરસાહેબ રાહ જોતા રસ્તા પર ખડા છે. [‘ભૂમિપુત્ર’ પખવાડિક : ૨૦૦૬]