સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/ઢગલેઢગલા


આપણા દેશની વિદ્યાપીઠો તો હરતી-ફરતી વિદ્યાપીઠો હતી. કબીર, નામદેવ, તુલસીદાસ, ચૈતન્ય વગેરેના અસંખ્ય ભક્તો ગામેગામ ફરતા અને, વેપારીઓ જેમ ગામેગામ ફરીને લોકોને પોતાનો માલ પહોંચાડે છે તેમ, તેઓ ‘ઉપનિષદ’ વગેરે બ્રહ્મવિદ્યા લોકોના કાન સુધી પહોંચાડતા. માલ બનાવવાનું કામ ‘વેદો’થી માંડીને રવીન્દ્રનાથ સુધી થયું. એટલો બધો માલ બની ગયો છે કે તેના ઢગલેઢગલા પડ્યા છે અને તે ખપતો નથી. તો આપણું કામ ગામેગામ જઈને આ જ્ઞાન ખપાવવાનું છે. બુદ્ધ-ઈશુ-કૃષ્ણથી ગુરુદેવ-રામકૃષ્ણ-વિવેકાનંદ જેવા સંતોએ જથ્થાબંધ બનાવેલો માલસામાન લઈને હું ગામેગામ જઈ તેનું છૂટક વેચાણ કરું છું.