સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/ના કહેવાની શક્તિ


એક માણસને રાક્ષસ ઉપાડી ગયો. પછી તેની પાસે ખૂબ ખૂબ કામ કરાવે. આરામનું તો નામ જ નહીં. જરા ચૂં કે ચાં કરે કે રાક્ષસ ધમકી આપે કે, તને ખાઈ જઈશ. આખરે પેલા માણસે વિચાર્યું કે આવું તો ક્યાં સુધી ચાલે? એટલે એક દિવસ એણે કહી પાડ્યું કે, જા, કામ નથી કરવાનો; તારે મને ખાવો હોય તો ખાઈ જા! પણ રાક્ષસે કાંઈ એને ખાધો-બાધો નહીં, કેમકે એક વાર એને ખાઈ જાય તો પછી રાક્ષસનું કામ કોણ કરે? પછી માણસમાં વધુ હિંમત આવી. એણે કહ્યું કે, વગર મજૂરીએ કામ નહીં કરું. તો રાક્ષસ મજૂરી પણ આપવા લાગ્યો. આ ના કહેવાની શક્તિ — તમારા ખોટા કામમાં સહકાર નહીં આપું, એમ કહેવાની શક્તિ — આપણામાં આવવી જોઈએ. અને તેમ કરતાં મરવું પડે, તો મરવાની પણ તૈયારી આપણે રાખવી જોઈએ. બાળકોને આવી નિર્ભયતા શીખવવી જોઈએ. તેને બદલે આજે તો માબાપ બાળકોને માર મારીને ધાક બેસાડવા પ્રયત્ન કરે છે. તેનાથી છોકરાં ડરપોક બને છે. છોકરો નિશાળે નથી જતો. બે-ત્રાણ વાર સમજાવ્યો છતાં ન માન્યો, એટલે તેને માર્યો. પેલો ડરતો ડરતો નિશાળે જવા લાગ્યો. તે નિયમિતતા શીખ્યો, પણ તેણે નિર્ભયતા ખોઈ. એક રૂપિયો મેળવ્યો અને સાટામાં સો રૂપિયા ખોયા! અને પેલી નિયમિતતા પણ પાકી થોડી જ થઈ? પિતાજી ગયા, કે અનિયમિત વહેવાર શરૂ થયો. હજારો માબાપો માર મારી મારીને છોકરાંને ડરપોક બનાવે છે. પછી જુલ્મી લોકો આ ડરપોકપણાનો લાભ ઉઠાવે છે. આમ જુલ્મી લોકોનાં રાજ્ય ચાલે છે તેની બધી જવાબદારી બાળકોને મારનારાં માબાપોની છે. આશ્ચર્યની વાત તો એ છે કે માતામાં આટલી બધી શ્રદ્ધા રાખનારા, મા જે કહે તે માની લેનારા — મા ચાંદો કહે તો ચાંદો અને સૂરજ કહે તો સૂરજ — એવા છોકરાને મારપીટ કરવાનો વારો આવ્યો! આનો અર્થ એ કે તે માબાપોની નાલાયકી છે. બાળકોને તો નિર્ભય બનાવવાં જોઈએ. છોકરાને મારપીટ ન કરવી જોઈએ. બલ્કે એને તો એમ શીખવવું જોઈએ કે, કોઈ ડર બતાવીને કે મારપીટ કરીને તારી પાસે કાંઈ કરાવવા માગે, તો હરગિજ તેમ ન કરતો! આવી તાકાત દેશનાં બાળકોમાં, નવજવાનોમાં આવશે ત્યારે દેશની શક્તિ વધશે.