સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/સ્વતંત્રતાનો દિવસ કે પરાધીનતાનો?


૧૫ ઓગસ્ટ એ આપણો સ્વાતંત્ર્ય-દિન છે. પરંતુ ઘણી વાર મને એમ થાય છે કે આ આપણો સ્વતંત્રતાનો દિવસ છે કે પરાધીનતાનો? સ્વરાજ એટલે શું? સ્વરાજ આવતાં લોકોને એવી આત્મપ્રતીતિ થવી જોઈતી હતી કે હવે આપણું રાજ આવ્યું એટલે આપણો ઉદ્ધાર હવે આપણે જ કરવાનો છે. પણ આવું થયું ખરું? આને બદલે સાવ ઊલટું જ થયું. લોકો બધી બાબતમાં સરકાર તરફ તાકીને બેઠા! પ્રજાનું પોતાનું કર્તૃત્વ અને પુરુષાર્થ જ વિલાઈ ગયાં! મારી યાત્રા બિહારમાં ચાલતી હતી. ત્યાં મોટી રેલ આવી. માઈલોના માઈલો સુધીનો વિસ્તાર પાણી હેઠળ આવી ગયો. મારી પદયાત્રા ત્યારે કમર સુધીનાં પાણીમાં ચાલતી હતી. ભાષણ સાંભળવા લોકો હોડીમાં આવતા. એક શહેરથી માત્ર ચારેક માઈલ છેટે સુધી રેલનાં પાણી આવી ગયેલાં. પણ શહેરવાળાઓ તરફથી રેલગ્રસ્તોની રાહત માટે કાંઈ જ થયું નહીં. હા, ત્યાં સિનેમા-નાટક બધું યથાવત્ ચાલતું હતું. મેં લોકોને પૂછ્યું તો કહે, અમે શું કરી શકીએ? આ તો સરકારનું કામ છે. સ્વરાજ મળ્યા પછી આપણે આવા પરાધીન બની ગયા. પ્રજાનો સ્વતંત્ર પુરુષાર્થ ન રહ્યો. બસ, સરકારે આ ન કર્યું ને પેલું ન કર્યું. સરકારની નંદાિ-સ્તુતિ કર્યા કરવા સિવાય પ્રજા પાસે જાણે બીજું કોઈ કામ જ ન રહ્યું. સ્વરાજ એટલે શું લોકોનું આવી રીતે પરાધીન થવું? બધું સરકાર કરશે એમ માનીને બેસી રહેવું? આ તે સ્વાધીનતા કે પરાધીનતા? આજે લોકો પાસે જઈને કોઈ એમ નથી કહેતું કે તમારો ઉદ્ધાર તમારે જાતે કરવાનો છે, તમારું સુખ અને દુઃખ તમારા પોતાના પુરુષાર્થ પર નિર્ભર છે. બસ, અગાઉ જેમ પંડા-પુરોહિતો કહેતા કે અમને દક્ષિણા આપો તો તમને સ્વર્ગ મળશે, તેમ આજના આ આધુનિક પંડા-પુરોહિતો પણ લોકો પાસે જઈને કહે છે કે અમને મત આપો તો તમે સુખી થશો. અને લોકો પણ માને છે કે આ બધા દેવતા છે, એમને મત આપીશું તો તેઓ આપણને સુખ આપશે. અસલમાં વાત એ સમજવાની છે કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે; પરંતુ તે મારો કેવળ અધિકાર જ નથી, મારું કર્તવ્ય પણ છે. સ્વરાજનો અર્થ છે, પોતાની જવાબદારી પોતે ઉપાડવી. સ્વરાજની બીજી કસોટી છે, પ્રજાનો ગુણ-વિકાસ. શું સ્વરાજ મળ્યા પછી આપણો ગુણ-વિકાસ થયો છે? શું પહેલાંના ઝઘડા હવે શમી ગયા છે? પહેલાંની ભેદભાવની વૃત્તિ છોડીને શું હવે આપણે એકાત્મતાથી કામ કરવા લાગ્યા છીએ? પહેલાંના આપણા સ્વાર્થ ને સંકુચિતતા ધોવાઈને શું આપણામાં ધૈર્ય, કરુણા, દયા, બીજાની ચિંતા વગેરે સદ્ગુણો વધ્યા છે? શું આપણી સામાજિક ભાવના વ્યાપક ને વિશાળ બની છે? સ્વરાજનાં આટલાં વરસોમાં જો આ રીતેનો ગુણવિકાસ થયાનો અનુભવ થઈ રહ્યો હોય, તો સમજવું કે સ્વરાજ સંપન્ન થયું છે. પરંતુ આને બદલે જો માત્ર એટલું જ થયું હોય કે સ્વરાજ પછી દેશમાં થોડું ધન વધ્યું, નદીઓ પર પુલ નહોતા તે બંધાયા, રેલવે લાઇનો નહોતી તે નખાઈ, જીવનધોરણ વધ્યું, ઉદ્યોગ-ધંધા વધ્યા વગેરે-તો એટલા ઉપરથી એમ ન કહી શકાય કે આપણી સ્વરાજ-શક્તિ વધી. બહુ બહુ તો એટલું કહી શકાય કે થોડુંક સુખ વધ્યું. પરંતુ આજે હજી દેશમાં જાતિભેદ, ઊંચનીચના ભેદ, ધર્મભેદ ઝઘડા વગેરે બધું કાયમ છે. ત્યારે સ્વરાજને બળ ક્યાંથી મળશે? આ આપણા બધાંની મોટી ચિંતાનો ને ચિંતનનો વિષય બનવો જોઈએ. સ્વરાજમાં આપણાં સુખ-સગવડ કેટલાં વધ્યાં એ મહત્ત્વનું નથી, પણ આપણામાં સ્વરાજની શક્તિનો કેટલો વિકાસ થયો તે મહત્ત્વનું છે. વળી, સ્વરાજની એક મુખ્ય કસોટી તો એ છે કે આપણને સ્વરાજ મળ્યું છે, તેની પ્રતીતિ દરેકે દરેક જણને થવી જોઈએ. સૂર્યોદય થાય છે, તો તેને કાંઈ ચીંધી બતાવવો પડતો નથી. સૂર્યનારાયણ ઘેર ઘેર પહોંચી જાય છે તેમ સ્વરાજ પણ ઘેર ઘેર પહોંચવું જોઈએ. દરેકને સ્વરાજનો પ્રત્યક્ષ અનુભવ થવો જોઈએ. આજે આવો અનુભવ દેશમાં સહુ કોઈને થાય છે ખરો? ઘણા દુઃખ સાથે કહેવું પડે છે કે હજી તો કેટલાયે લોકો ભારોભાર ગુલામીમાં સબડે છે. હરિજનો સવર્ણોના ગુલામ છે. ગામડાંના લોકો શહેરવાસીઓના ગુલામ છે અને શહેરવાસીઓ વિદેશીઓના ગુલામ છે. ઉપરથી નીચે સુધીની આ તરેહતરેહની ગુલામી નાબૂદ ન થાય, ત્યાં સુધી આપણને સ્વરાજ મળ્યું છે, એમ કઈ રીતે કહી શકાય? એક ગામ હતું. ત્યાં કસાઈ લોકો રહેતા હતા. તેઓ બકરાને ‘શેફીલ્ડ’ના છરાથી કાપતા હતા. પછી સ્વરાજ આવ્યું, તો નક્કી કરવામાં આવ્યું કે હવે ‘શેફીલ્ડ’ના નહીં, અલીગઢના છરાથી બકરા કપાશે. તેમ છતાં બકરા તો ચિલ્લાતા જ રહ્યા. કસાઈ કહેવા લાગ્યા, ‘મૂર્ખાઓ હવે કેમ બૂમો પાડો છો? હવે તો વિદેશના શેફીલ્ડના છરાથી નહીં. સ્વદેશના અલીગઢના છરાથી તમે કપાઈ રહ્યા છો.’ આ સાંભળીને શું બકરા ખુશ થશે? [‘ભૂમિપુત્ર’ પખવાડિક : ૨૦૦૬]