સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/‘જ્ઞાનેશ્વરી’ અને ‘કેન્ટરબરી ટેઇલ્સ’


આપણી બધી ભાષાઓ સેંકડો વરસથી ખેડાતી આવી છે અને સેંકડો વરસનું ઉત્તમ સાહિત્ય આપણી ભાષાઓમાં છે. એક દાખલો આપું. ‘કેન્ટરબરી ટેઇલ્સ’ અંગ્રેજીમાં બારમી સદીનો ગ્રંથ છે. એ જ અરસામાં લખાયેલો જ્ઞાનેશ્વર મહારાજનો ‘જ્ઞાનેશ્વરી’ ગ્રંથ મરાઠીમાં છે. આ બંને ગ્રંથો મેં વાંચ્યા છે, બંનેનો અભ્યાસ કર્યો છે. હવે, આ બે ગ્રંથોને તુલનાત્મક દૃષ્ટિએ જોઈએ તો જણાય છે કે ‘જ્ઞાનેશ્વરી’ પાસે જેટલા શબ્દો છે, તેના ચોથા ભાગના પણ શબ્દો ‘કેન્ટરબરી ટેઇલ્સ’માં નથી. અને વળી ‘જ્ઞાનેશ્વરી’ કંઈ મરાઠીનો પહેલો ગ્રંથ નથી; તેની પહેલાં પણ મરાઠીમાં અનેક પુસ્તકો લખાયાં છે. [‘ભૂમિપુત્ર’ પખવાડિક : ૨૦૦૫]