સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/યમને



આજથી
અમે આ પૃથ્વીના સૌ માનવો ભેગા થયા છીએ.
તારા ઘરની સામે ધરણાં કરી બેઠા છીએ.
હવે અમે નિર્બળ નથી.
હવે અમે તારી જોહુકમી નહીં ચલાવી લઈએ.
તું જવાબ નહીં આપે ત્યાં સુધી
અમે સૌ આમરણાંત ઉપવાસ પર ઊતરશું.
તારે અમારી શરતો સ્વીકારવી જ પડશે.
આજથી
કાલાઘેલા શબ્દો હોઠ પર હજી ભીના ભીના છે
એ હોઠોને તું હંમેશ માટે ચૂપ નહીં કરે.
એકબીજાની આંખમાં આકાશમાં કલ્લોલ કરતાં
પતિપત્નીના યુગલમાંથી એકને
તું નિષ્ઠુર થઈ વીંધી નહીં નાખે.
પપ્પા-મમ્મી, મમ્મી-પપ્પા બોલી બોલી
ઘરમાં ફરી વળતા ખુશખુશાલ બાળકને
ધરતીને કોઈ પણ ખૂણે પપ્પા કે મમ્મી મળે જ નહીં
એવો તું ક્યારેય નિર્દય નહીં થાય.
આજથી હવે
અમે તારા કહેવાથી
અહીંથી ખસીશું નહીં.