સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શંકરલાલ બેંકર/“એમ કહું કે, સિનેમા કાઢજો?”


૧૯૨૨માં ગાંધીજીને છ વરસની કેદની સજા થઈ હતી. એમની સાથે મને એક વરસની સજા થઈ હતી. એ વરસ હું ગાંધીજી સાથે જેલમાં રહ્યો ત્યારે એમણે કાંતવા-પીંજવાને પોતાની દિનચર્યામાં મુખ્ય સ્થાન આપ્યું હતું. શરીર કામ આપી શકે એટલી હદ સુધી તેમણે રોજ બે કલાક પીંજવાના અને ચાર કલાક કાંતવાના કામ માટે રાખ્યા હતા. એવામાં, જેમની કેદની મુદત પૂરી થવા આવી હતી તેવા એક નેતા ગાંધીજીને મળ્યા અને પૂછ્યું : “બાપુ, જેલમાંથી બહાર જઈને મારે શું કરવું તે અંગે આપ સલાહ આપો.” ગાંધીજીએ કહ્યું, “બહાર જઈને ખાદીને જોરશોરથી દેશમાં ફેલાવજો.” એ ભાઈ પોતે ખાદીપ્રેમી હતા અને શ્રદ્ધાપૂર્વક રેંટિયો પણ ચલાવતા; પરંતુ લોકોની વૃત્તિ વિશે એમના દિલમાં શંકા હતી. તેમણે કહ્યું, “બાપુ, આપનું કહેવું બરાબર જ છે. પણ આ ખાદી ચાલશે શી રીતે? લોકોને જો એ પસંદ ન પડે, તો શું કરી શકાય?” એ સજ્જનના આવવાથી ગાંધીજીને દુઃખ થયું અને તેઓ કંઈક વ્યગ્રતાથી બોલી ઊઠ્યા : “ઠીક, તો તમે જ કહો કે બીજું કયું કામ બતાવું? શું એમ કહું કે, સિનેમા કાઢજો? સિનેમા તો લોકોને ખૂબ ગમશે. સેંકડોની સંખ્યામાં લોકો એ જોવા આવશે અને તે માટે પૈસા પણ આપશે. પણ તેથી શું? શું આપણું કામ લોકોને પસંદ પડે એવી જ પ્રવૃત્તિઓ બતાવવાનું છે? આપણે તો જેમાં તેમનું હિત હોય તેવો માર્ગ બતાવવો જોઈએ, અને રેંટિયો જ તે માર્ગ છે.” ગરીબ પ્રજાને શરીર ઢાંકવા પૂરાં કપડાં નથી મળતાં, તે સ્થિતિથી ચોંકી ઊઠીને એમણે કચ્છ ધારણ કર્યો હતો અને બીજાં વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. દેશમાં ગરીબીનું દુખ તો છે જ, પરંતુ પ્રજામાં ઘર કરી બેઠેલું આળસ ગાંધીજીને તેનાથી પણ વધુ ખટક્યા કરતું હતું. એટલે તેઓ કહેવા લાગ્યા : “લોકોને કપડાં નથી મળતાં અને ભૂખમરો વેઠવો પડે છે, એ દુખની વાત છે જ. પણ એથીયે વધુ દુખદ વાત તો એમનામાં ઘર કરી બેઠેલું આળસ છે. આપણા દેશની આટલી દયાજનક સ્થિતિ કેમ? તેનો વિચાર કરો તો તેના મૂળમાં આળસ જ ભર્યું છે. પ્રજાને જો ગરીબાઈ ખૂંચતી હોય, તો તેણે મહેનત કરીને તે દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. પણ આજે તો આળસનાં પડળ એટલાં જામ્યાં છે કે જ્યાં ગરીબી અને દુખ વધુ, ત્યાં આળસ પણ વધુ જોવા મળે છે. આ આળસ દૂર થાય તો જ ગરીબી જાય. એ આળસને દૂર કરવાનો સાચો ઉપાય એ છે કે ગામડાંની પ્રજા સહેલાઈથી કરી શકે એવા કામે તેને લગાડવી. તો તેમના શરીરનું અને સાથેસાથે મનનું આળસ પણ દૂર થાય.”