સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શિરીષ કણેકર/પડદા પરની પાકીઝા


મીનાકુમારી સુંદર હતી. પણ નસીમબાનુ કે શોભના સમર્થની જેમ કેવળ સૌંદર્ય જ તેની મૂડી નહોતું. તે પ્રથમ અભિનેત્રી હતી, પછી સૌંદર્યવતી હતી. તેથી જ, મીનાકુમારી સરસ ન દેખાઈ એમ પ્રેક્ષકો ક્યારેક કહેતા હશે, પણ તેણે કામ સારું કર્યું નહીં એમ કોઈ કહી શકતું નથી. જ્યાં ચંદ્ર કાચનો અને ફૂલો કાગળનાં હોય છે એ મુખવટાની દુનિયામાં મીનાકુમારી સાચેસાચી લાગતી. ઓછો પણ સ્વાભાવિક અને પ્રભાવશાળી અભિનય એ તેની વિશિષ્ટતા હતી. ઘણી વાર સંવાદની જરૂર રહેતી નહીં. તેના બિડાયેલા હોઠ અને ઝળઝળિયાંળી આંખો તો બોલતી જ, પણ થરથરતી પાંપણો પણ ઘણું બધું કહી જતી. એકાદબે તૂટક વાક્યોથી, નજરના એક ફટકાથી કે ફક્ત દબાયેલા નિ :શ્વાસથી મીનાકુમારી પ્રેક્ષકોના કાળજાને સ્પર્શી જતી. ‘પરિણીતા’માં તેને જોતાં દરેક વખતે લાગ્યા કર્યું કે આ જ ભૂમિકા માટે તેનો જન્મ થયો છે. સાકરની જેમ તે ભૂમિકામાં ઓગળી જતી અને સમગ્ર ચિત્રપટને મધુર કરી દેતી. ‘બૈજુ બાવરા’, ‘પરિણીતા’, ‘બંદિશ’, ‘એક હી રાસ્તા’, ‘ચિરાગ કહાં, રોશની કહાં’, ‘શારદા’, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, ‘ફૂલ ઔર પત્થર’, ‘ચિત્રલેખા’, ‘સાહિબ, બીબી ઔર ગુલામ’, ‘આરતી’, ‘પાકીઝા’ અને ‘મેરે અપને’ જેવાં ચિત્રપટોમાં તે ભૂમિકા સાથે એટલી એકરૂપ થઈ, કે ચિત્ર પૂરું થયા પછી તેને તેનાથી છૂટી પાડીને દૂર કરવી પડી હશે. તેના સંવાદ એટલે કાનને મિજબાની. દરેક શબ્દમાં તેના હૃદયનાં સ્પંદનો અનુભવાતાં. પછી તે, “ઐસી જગહ પે બદનસીબ નહીં જાતે” કહેતી ‘યહૂદી’ની હન્ના હોય, “ઔરતજાત કે લિયે ઇતના બડા અપમાન? ઇતની બડી લજ્જા?” એમ સંતાપથી પૂછતી ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ની છોટી બહૂ હોય, કે “તવાયફોં કી કબ્ર ખુલી રખી જાતી હૈ” એમ વ્યથિત થઈને બોલતી ‘પાકીઝા’ની સાહેબજાન હોય. પ્રસિદ્ધ દિગ્દર્શક એમ. સાદિકે એક વાર કહ્યું હતું, હિંદી ચિત્રપટસૃષ્ટિનો ઇતિહાસ લખાશે ત્યારે ચાર નામ સુવર્ણાક્ષરે લખવાં પડશે : અશોકકુમાર, લલિતા પવાર, દિલીપકુમાર અને મીનાકુમારી. (અનુ. જયા મહેતા)
[‘રૂપેરી સ્મૃતિ’ પુસ્તક]