સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શિરીષ પંચાલ/એક ઓલિયો


એક દિવસ અચાનક પ્રણવ (સુરેશ જોષીનો મોટો પુત્ર) મને પૂછી બેઠો : તમને અનિલનાં ચાંદરણાં કેવાં લાગે છે? મારો પ્રતિભાવ આપતાં પહેલાં મેં એને જ પૂછ્યું : તને કેવાં લાગે છે? એ કહે : મને, અમને તો બહુ ગમે છે. મારા મિત્રોને પણ બહુ ગમે છે. હું આનંદિત થઈને બોલી ઊઠ્યો, તમને ગમે છે એ જાણીને આનંદ થયો, ખૂબ આનંદ થયો. અનિલનું ‘ચાંદરણાં’ તો ગુજરાતનું ઘરેણું છે. જો મારી પાસે પૈસા હોય તો એક સુંદર નમણી રોજનીશી છપાવી અને એના પાને પાને ઉપરનીચે ચાંદરણાંની પંક્તિઓ છાપું. ઉમાશંકર જોશીએ લખ્યું છે કે કવિ જ્યારે પરિપક્વ થાય, ઘણુંબધું આત્મસાત્ કરીને બેસે ત્યારે તેની ઉક્તિ સૂક્તિનું રૂપ લે. અનિલ આવા એક ઉત્તમ સૂક્તિકાર પણ છે. ક્યારેક એ સૂક્તિ સ્વતંત્ર રૂપે, ક્યારેક ગઝલના કોઈ શે’ર રૂપે તો ક્યારેક નિબંધના ભાગ રૂપે જોવા મળે. આવો સૂક્તિસંચય ‘ધૂમકેતુ’એ એક જમાનામાં કર્યો હતો અને એના વિશે રામનારાયણ પાઠકે કહ્યું હતું કે ‘ધૂમકેતુ’ ઉત્તમ વાર્તાઓ કેમ ન લખી શક્યા તેનું કારણ આ સૂક્તિસંચયમાંથી મળી રહે છે. જીવનદર્શન જ જ્યાં આટલું પાંગળું હોય ત્યાં વાર્તાઓ ક્યાંથી સમર્થ રૂપ પ્રગટાવે? ઉત્તમ સર્જન માટે હૃદય અને મગજના કોષો જીવંત રહેવા જોઈએ. અનિલે લખ્યું છે કે ગુજરાતી સર્જકે થોડા સમય માટે લખવાનું બંધ કરીને વાંચવું જોઈએ. પરંતુ આ સમય લેખિનીબ્રહ્મચર્યનો છે જ નહીં. કોઈને વાચક થવું નથી, કોઈને શ્રોતા થવું નથી તેનું શું? પેલા બુદ્ધદેવ બસુએ સૂઝપૂર્વક કહેલું કે ‘મહાભારત’માં યુધિષ્ઠિરનું વધારે મહત્ત્વ એટલા માટે કે એ ઉત્તમ શ્રોતા હતા. એક વનમાંથી નીકળીને બીજા વનમાં જાય અને સાંભળ્યા જ કરે, બસ સાંભળ્યા જ કરે.

*

૧૯૭૦ પછી અનિલનો પરિચય થયો. તે ગાળામાં તો હું સાવ ઓછોબોલો, કોઈને સામે ચાલીને મળવા જતાંય ભારે સંકોચ અનુભવું. હા, જેની સાથે સંવાદ શક્ય બનવાનો લાગે એવી વ્યક્તિઓ આંખમાં વસી જાય. અનિલ પણ એવી રીતે આંખોમાં વસી ગયા. ૧૯૭૫-૭૬નાં વરસોમાં એમ.એ.ના થોડા વિદ્યાર્થીઓને લઈને અમે સુરત ગયા. સાવ શહેરી વિદ્યાર્થીઓએ દોઢ કલાક સુધી અનિલને એમની વિલક્ષણ વાણીમાં ચોક પાસેની ચોપાટીમાં બેસીને સાંભળ્યા. ગુજરાતી સાહિત્યની આજકાલ વિશે સાંભળીને બધા દંગ રહી ગયા અને વધુ તો આનંદાશ્ચર્ય ત્યારે થયું જ્યારે મેં કહ્યું કે અનિલને અંગ્રેજી આવડતું નથી અને માત્ર ગુજરાતીની બે ચોપડી જ પાસ કરી છે. ચોપાટી પરના એ અવાજના રણકા હજુ આજે પણ ફોન કરે ત્યારે પ્રગટ થાય છે. હા, આજે ઉંમરને કારણે અવાજ વચ્ચે વચ્ચે હાંફતો ખાંસતો રહે છે અને છતાં આજે પણ તમને બોલવાની તક ન આપે. એમને એટલું બધું કહેવાનું છે અને સાંભળનાર જો મળે તો એ અધીરા થઈ જાય છે. એકદમ શરૂઆતમાં હું અ-સામાજિક હતો એટલે મારાથી કામ પુષ્કળ થતું હતું, છેલ્લાં વર્ષોમાં સામાજિક બનવા મથ્યો એટલે ઓછું લખાય છે. પણ પહેલાં કે પછી, મોટે ભાગે તો મેં ‘એતદ્’ કે ‘કંકાવટી’માં જ લખ્યું છે. (કેટલાક મિત્રો કહે પણ ખરા કે ‘કંકાવટી’માં શું લખ્યા કરો છો, કોઈ ઓળખશે નહીં. આજે થાય છે કે આમેય કોણ કોને ઓળખવા નવરું છે! સાચો વ્યક્તિરાગ આધુનિક કાળમાં નહીં, આજે આપણા સમયમાં આવ્યો છે. દરેક પોતાના કોશેટામાં.) જાણીતાઓનું કોઈ વાંચવા તૈયાર નથી હોતું, તો સાવ અજાણ્યાનું કોણ વાંચવા નવરું હોય? આમ છતાં અનિલ માટે સૌથી મોટો સધિયારો શબ્દનો. દુણાયેલા, દુભાયેલા, દાઝેલા અનિલ ટકતા જ રહ્યા, ટકતા જ રહ્યા. ૧૯૬૯ના સમયગાળામાં ‘કંકાવટી’નો કાયાકલ્પ રતિલાલ અનિલ કરી રહ્યા હતા. અંગ્રેજી ભાષા દ્વારા આવેલા યુરોપના કળાસાહિત્યનો અનિલને પ્રત્યક્ષ પરિચય નહીં. પરંતુ સહજ કોઠાસૂઝ એવી કે અનુવાદ દ્વારા આવેલા સાહિત્યને પ્રમાણી શકે. અણઘડિયો માણસ ઘડાયેલાઓને જાણે ફરી સંસ્કારવાનું બીડું ઝડપી બેઠો! આસપાસ ભણેલા પંડિતોનો દરબાર અને વચ્ચે બે ચોપડી ભણેલો કારીગર. એમના સદ્ભાગ્યે જે લેખકવૃંદ સાંપડ્યું તે નિષ્ઠાવાન, વિશ્વસનીય હતું. એટલે જે અનુવાદો આવતા હતા તે ઉત્તમ કૃતિઓના. આમ દર મહિને ઝીણી ઝીણી ચદરિયાનું સૂતર ખૂણે બેસીને કંતાતું ગયું અને એ ચાદર વણાતી પણ ચાલી. દર મહિને ભાવકો આનંદ અને અચરજથી એ રચનાઓના તાણાવાણા નિહાળતા રહ્યા. અનિલમાં જીવનની અપરોક્ષાનુભૂતિ પ્રગટી છે, ખાસ કરીને તો એમના નિબંધોમાં. આ નિબંધોમાં તો ભરી ભરી ચેતના હતી, જગતને જોવા-જાણવા માટે પ્રકૃતિએ આપેલી આ પાંચ ઇન્દ્રિયો જાણે ઓછી પડતી હતી. અનિલ કંઈ નિરંજન નિરાકાર કે લક્ષ્યાલક્ષ્યની વાત માંડવા બેઠા ન હતા. એને તો જગતનો કોઈ પણ પદાર્થ પોતાની ચેતનાને કેવી રીતે સ્પર્શે છે એ વાત કરવી હતી. તલખોળ ભરપટ્ટે ખાઈ ચૂકેલા બળદના છાણની કશાય છોછ વિના વિશિષ્ટ ગંધ, એનો ચમકદાર રાતો કથ્થઈ રંગ અને એની પહેલદાર આકૃતિનું વર્ણન કરશે. બોદલેરની વાત આ માણસ સાચી પાડવા માગતા હતા : તમે મને મળ આપો અને હું તમને સુવર્ણ આપીશ. અનિલે માત્ર સુવર્ણ નહીં સુવાસિત સુવર્ણ, રસદાર સુવર્ણ, રણકદાર સુવર્ણ, ઝગમગ ઝગમગ થતું સુવર્ણ આપ્યું. ‘કંકાવટી’ની બટર તૈયાર કરવાની જવાબદારી તેમણે મારા દીકરા યુયુત્સુને પાછળથી સોંપી હતી. ખૂટતુંવત્તું મારે સાચવી લેવું એવી સૂચના આપી હતી. પરંતુ કેટલીક વખત એટલી બધી નબળી કૃતિઓ મારા પર આવી ચઢતી કે હું દુઃખી દુઃખી થઈ જતો હતો. વાર્તાઓના અનુવાદમાં બીજા પ્રશ્નો પણ છે. પશ્ચિમની ટૂંકી વાર્તાઓ આપણી ટૂંકી વાર્તાઓ જેવી ટૂંકી હોતી નથી. ઘણી પ્રશિષ્ટ વાર્તાઓ બહુ લાંબી હોય છે. આવી લાંબી વાર્તાઓ આપણું કયું સામયિક છાપે? ક્યારેક કોઈ પ્રશ્ન પૂછે છે કે આ અનુવાદો કોણ વાંચવાનું છે? હા, વાત સાચી છે. તો બીજા એક સત્યનો પણ સ્વીકાર કરી લેવાનો કે આપણો ભદ્ર અધ્યાપકીય વર્ગ જેટલું સાહિત્ય વાંચે છે તેના કરતાં વિશેષ સામાન્ય માણસો સાહિત્ય વાંચે છે. સુરતની પોસ્ટઓફિસમાં કામ કરતા ચીમનભાઈ મકવાણા સાર્ત્ર, કાફકા, કેમ્યૂ વાંચીને બેઠેલા છે. કહેવાતા આપણા સાક્ષરોએ ૧૯૫૦ સુધીનું અર્વાચીન સાહિત્ય પણ ક્યાં પૂરું વાંચ્યું છે? મારા મિત્રોના હાથમાં જ્યારે અનિલના નિબંધો આવી ગયા ત્યારે ઉત્સવ ઉત્સવ થઈ ગયો, “હેં, આવું બધું તમારા સાહિત્યમાં લખાય છે?” દેશીવિદેશી સાહિત્યવાચનના મારા દીર્ઘ અનુભવને અંતે પ્રતીતિપૂર્વક કહી શકું છું કે અનિલના લલિત નિબંધો ગુજરાતી સાહિત્યની મોંઘી મિરાત છે. નિજી અનુભૂતિ, પ્રત્યક્ષ રીતે જિવાતા જીવનનો મહિમા, ખોવાઈ ગયેલી ભૂતકાલીન દુનિયાને ચિત્તના નેપથ્યે આકારિત કરતાં કરતાં તેમણે અસામાન્ય કૃતિઓ ગુજરાતને નૈવેદ્ય રૂપે ધરી. પણ કૃતક નિબંધકારો આગળ નીકળી ગયા અને અનિલ પાછળ રહી ગયા. મધુસૂદન ઢાંકીએ એક પ્રચલિત સુભાષિત કહ્યું હતું : બંગાળમાં બુદ્ધિ પૂજાય છે, પંજાબમાં બળ પૂજાય છે, મહારાષ્ટ્રમાં પાંડિત્ય પૂજાય છે અને ગુજરાતમાં ઢોંગ પૂજાય છે. કંઈ નહીં, આ ઓલિયો તો કહેશે : યે મહલોં, યે તખ્તોં, યે તાજોં કી દુનિયા, મેરે સામને સે હટા લો યે દુનિયા, તુમ્હારી હૈ તુમ હી સંભાલો યે દુનિયા! [‘કંકાવટી’ માસિક : ૨૦૦૬]