સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શિરીષ પંચાલ/ઘસાઈ ગયેલાં મૂલ્યો


છેલ્લા થોડા દાયકાથી જાગતિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ઘણાં બધાં પરિવર્તનો જોવા મળે છે. ઉદારતા, પરમતસહિષ્ણુતા, નિષ્ઠા, પ્રામાણિકતા જેવાં મૂલ્યો ઘસાઈ ગયાં છે. પ્રજાસત્તાના સ્વાંગમાં સરમુખત્યારશાહી પરિબળોએ ફરી માથું ઊચક્યું છે. એક જુદા પ્રકારની સામંતશાહીના વાતાવરણમાં આપણે જઈ પહોંચ્યા છીએ. એક જમાનામાં અંગ્રેજ રાજ્યતંત્રે ઠગ-પિંઢારાઓને પરાજિત કરી પ્રજાને સુખચેનની ભેટ ધરી હતી. આજે નવા પિંઢારા પ્રજાને પાયમાલ કરી રહ્યા છે ત્યારે આપણા શાસકો હસતાં હસતાં એ તમાસો જુએ છે. રાજ્યની સત્તા અમર્યાદ રીતે વધતી રહી છે, એ જોઈને બીજાઓને પણ એવી સત્તાના ભોગવટાની ઇચ્છા જાગી છે. એ ધર્મસંસ્થાઓ, શિક્ષણસંસ્થાઓ પણ હોઈ શકે. એક જમાનામાં ધર્મસંસ્થાન આવી સત્તા હતી, પણ પછી તેનો હ્રાસ થવા માંડ્યો હતો. પરંતુ આજે હવે નર્મદ, દલપતરામ, કરસનદાસ મૂળજી, દુર્ગારામ મહેતા, નવલરામ પંડ્યા કરતાંય અધિક શકિત ધરાવતા સમાજસુધારકની જરૂર વર્તાય એટલી હદે સમાજમાં સડો વ્યાપ્યો છે. રાજકારણ બધાને ભરડો લઈને બેઠું છે. પરંતુ આ વિવિધ શાસનોનાં ને તેમની સત્તાનાં મોહિની—સ્વરૂપો એવાં આકર્ષક છે કે સર્જકો સુધ્ધાં ઉત્તમ ભાવકો દ્વારા મળતી સ્વીકૃતિ કરતાં ધર્મ કે રાજ્યની સંસ્થા દ્વારા મળતી સ્વીકૃતિને ચઢિયાતી માની લે છે. [‘રૂપલબ્ધિ’ પુસ્તક: ૨૦૦૪]