સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંપાદક : ‘ભૂમિપુત્ર’/આક્રમણના કરતાંય જોખમી


કોઈ પણ દેશ બહારના આક્રમણ સામે ત્યારે જ ટક્કર ઝીલી શકે, જ્યારે તે અંદરથી મજબૂત હોય. આવી આંતરિક સદ્ધરતા તો ગરીબી, અસમાનતા, અન્યાય, પક્ષાપક્ષી દૂર કર્યા વિના સાધી શકાય નહીં. દેશને માટે મરી ફીટવા કે સહન કરવા માટે પણ સામાન્ય માણસ ત્યારે જ તૈયાર થાય, જ્યારે એને એમ લાગે કે, આ દેશમાં મારું રાજ્ય છે, અને એ રાજ્ય મારી ઉન્નતિ માટે મથે છે. આજે આપણા દેશના સામાન્ય માણસને શું આવી પ્રતીતિ છે ખરી? હકીકત તો આનાથી સાવ ઊલટી જ છે. એના મનમાં તો આજે ભારોભાર અસમાધાન ભર્યું છે, એ ધૂંધવાયા કરે છે, અને નાનુંઅમથું કારણ મળતાં તેનો સ્ફોટ થઈ ઊઠે છે. જે એકબીજાને નીચ સમજશે, તે ખભેખભો મેળવીને લડશે શી રીતે? શું હરિજનો દેશને ખાતર લડવા જશે? પેલા ભૂમિહીનો દેશના સંરક્ષણ માટે મરી ફીટવા તૈયાર થશે? એને માટેનો ઉમળકો તેમને થશે શી રીતે? દેશ જો ગરીબીમાં સબડતો રહે, એની પ્રજાનું અજ્ઞાન જેવું ને તેવું રહે, તેમાં અંદરોઅંદર ઝઘડા ચાલ્યા કરે, અસમાનતા અને સામાજિક અન્યાય ઓછા ન થાય, જાતિ-ભાષા-પક્ષ વગેરે ભેદથી પ્રજા વહેંચાયેલી હોય, તો એવી પરિસ્થિતિમાં બહારના કોઈ આક્રમણના કરતાં એકસોગણો ખતરો રહેલો જ છે.