સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંપાદક : ‘ભૂમિપુત્ર’/નફરત તો એની પર!


બસમાં જુઓ કે રેલવેમાં, ઉતારુઓને વેઠવી પડતી હાડમારીઓનો પાર નથી. અને તેમાંયે કર્મચારીઓની તુમાખી ને આપખુદી એ હાડમારીમાં વધારો કરે છે. સરકારી કર્મચારીઓનું જ કાં, આપણ સહુ નાગરિકોનું જ વર્તન જુઓ ને — બસની કતારોમાં થતી ધક્કામુક્કી, ટ્રેનમાં ચડવા ને જગ્યા મેળવવા થતી બાથંબાથી, કંઈક કામ કરાવી લેવા ઝટ દેતાકને ખણખણિયો હાથમાં પકડાવી દેવાની વૃત્તિ વગેરે શું સભ્ય નાગરિકને શોભે એવાં વર્તન છે? ઠાંસીને કસાઈખાને લઈ જવાતાં ઘેટાંની જેમ કે જેમતેમ ડોક મરડીને કરંડિયામાં ઘોંચી દેવાતાં મરઘાં-બતકાંની જેમ ૪૦ની બસમાં માણસ જેવા માણસને ૬૦ સુધી પૂરી દેવાતાં હોય, ત્યારે એ હીણપત સામે વિદ્રોહ કેમ નથી ઊઠતો? આવું કાયમ ચાલતું હોય તો પણ કોઈ ફરિયાદ કાં ન કરે? અધિકારીઓને જણાવે, પોતે ચૂંટી મોકલેલા ધારાસભ્યને કહે, અને ઘટતું થાય નહીં ત્યાં સુધી જંપે નહીં. સહુને પોતપોતાના કામમાં ફુરસદ ક્યાં છે? પણ સ્વરાજ્ય જાળવવું એ પણ કોઈનું કામ ખરું કે નહીં? શું એ પગારદાર નોકરો દ્વારા થશે? પોલીસની પલટણો ઊભી કરવાથી થશે? જેલખાનાં મજબૂત કરવાથી થશે? આવી પરિસ્થિતિમાં તંત્રાની રેઢિયાળતાને સાંખી લેતી આપણી નિર્માલ્યતા અને નિસ્સત્ત્વતા પર નફરત આવે છે!