સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/ઓહ, અમદાવાદ!



ઓ મુજ અમદાવાદ!
શું આબાદ :
શું બરબાદ!

શી તુજ આજે ડામરલીંપી રૂડી રૂપાળી શેરી,
ગલી ગલીમાં રંગ અનેરા, દીવા જલે રૂપેરી;
શા તુજ પહોળા પંથ પ્રલંબિત, લક્ષ્મી તણા શું રેલા,
શાં દોડે ત્યાં વાહન, શા શા હાંકણહારા ઘેલા!...

કશા સરિત સાબરને હૈયે નવા દુપટ્ટા પુલના,
નવા બગીચા ફૂલ ફૂલના, જ્યાં ઝૂલતા નૌતમ ઝૂલણા;...
નવી નિશાળો કશી અણગણી, નવાં ભવન વિદ્યાનાં;
નવાં સ્ટેશનો ગગનવાણીનાં, નવાં ગ્રંથનાં પાનાં....

કશા ભાવિના વર્તારા તુજ, જોશી જગના ભૂલે,
કશી કાલ ને આજ કશી — મુજ મન પાગલ થૈ ડૂલે;
ઘડી ઊઠે કલ્લોલી ગાંડું, ઘડી ડૂસકે રોવે,
શી આબાદી — શી બરબાદી : શું અણદીઠું જોવે!

ગયા રૂપાળા દુર્ગ-કોટ, તુજ બખ્તર જાણે તૂટ્યાં,
રહ્યા અટૂલા દરવાજા, હા ભાગ્ય સકલ તુજ ખૂટ્યાં;
અને સોડ તુજ વહતી નિર્મળ ગઈ ક્યહીં એ સાબર?
ઢગ ઢગ રેતી-ઢગલા એનાં લૂંટી ગયા હા અંબર!

અને તીર એ શાભ્રમતીને સંત તણો જે વાસો :
આજ પડ્યું પિંજર હંસા વિણ — ખાલી રહ્યો દિલાસો;
એક સંતે જે ધૂણી ધિખાવી, જે વૃત-તપ આદરિયાં,
આજ નથી કો અહીં મહાત્મા —જન સંધાં ટાબરિયાં.

નથી ઝળકતા મહા અગ્નિ કો તપના, ના પ્રતિભાના,
નહિ મેધાના મેરુ, નહિ કો અંતર કરુણાભીનાં;
અહો, આજ કરુણાનાં આંસુ મગર-આંખથી દડતાં,
રસો ભયાનક બીભત્સ કેરાં આજ બજારો ચડતાં!

અહો, ઊગ્યા મુક્તિના સૂરજ, નિજનાં રાજ્ય રચાયાં,
પણ સુખશાંતિતણાં ચોઘડિયાં હાય,હજી નવ વાગ્યાં;
આજ વધ્યાં ધન ઢગલેઢગ, પણ ધાન અહા શાં ખૂટ્યાં,
પાઇપ બધે નંખાયા નળના, પણ પાણી નહિ પૂગ્યાં!

આજ અરે, રૂપિયા શા સસ્તા, સસ્તી નેતાગીરીઓ,
ઘડી ઘડી શા મચે મોરચા, સ્થળે સ્થળે રે ખાંભીઓ,
આજ ખરે કોને રોવું ને કોને હસવું ન જાણું,
આજ નયન-મુખ બંધ કરી દઉં — બંધ કરું મુજ ગાણું!

તોય ઊઠે છે મનથી છબી, એક છાની છાની સુરાવટ,
કાલ હતી તે આજ નથી, ને આજ બદલશે કરવટ;
ત્રિકાળને માર્ગ મંડાઈ જગની કૂચ-કદમ આ,
તુજ આત્મા તુજને મળશે હા — થાશે ખુદા-રહમ હા.
ઓ મુજ અમદાવાદ!
ઝિંદાબાદ! ઝિંદાબાદ!
[‘અખંડઆનંદ’ માસિક : ૧૯૬૪]