સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/વૃત્તિઓની લીલા

Revision as of 12:28, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ખાવું નથી હોતું, અને એક કોળિયો વધુ મોંમાં મૂકી દેવાય છે. બોલવું નથી હોતું અને કંઈક બોલી દેવાય છે — અણધાર્યું, અણચિંત્યું, અણમાગ્યું. કરવું નથી હોતું અને કંઈક કરી બેસાય છે...... ખવાઈ જાય છે, બોલાઈ જાય છે, કરી બેસાય છે. આપણી જાગૃત સસંકલ્પશક્તિ જાણે કે એકાદ ક્ષણ માટે ગુમ થઈ જાય છે અને કો’ક બીજું તત્ત્વ આપણા પર સવાર થઈ જાય છે. આ રીતે જ ધણી-ધણિયાણી લડી પડે છે, મિત્રો શત્રુ બની જાય છે, હુલ્લડો ફાટી નીકળે છે, બંદૂકની ગોળી છૂટી જાય છે. આ છે માણસના ભીતરના ભાગમાં રહેતી વૃત્તિની લીલા — અવિચારિણી વૃત્તિની. વાયરો વાય અને વહાણ ખેંચાઈ જાય તેમ માણસની સ્થિતિ બને છે. આ તો વિવશતા છે, લાચારી છે, એક રીતે તો પોતાની બેઆબરૂ છે. આ સમજાય ત્યારે માણસમાં બીજું કાંઈક જાગે છે. માણસમાં રહેતો આબરૂદાર ભાગ જાગે છે, ધૂણી ઊઠે છે, સિંહની પેઠે હુંકાર કરે છે — પીઠ પરથી પાણી ખંખેરતો હોય તેમ વૃત્તિઓને ખંખેરી નાખે છે. જેવી રીતે અવિચારિણી વૃત્તિ છે, એવી જ રીતે સવિચારિણી વૃત્તિ — ઊર્ધ્વ વૃત્તિ પણ માણસમાં છે. નિર્બળ ભાવોની સામે પ્રબળ સંકલ્પશક્તિ પણ માણસમાં છે. એમાંથી ગોપીચંદ, ભર્તૃહરિ, જનકવિદેહી, ગૌતમ બુદ્ધ જન્મ્યા છે. [‘બાલ-દક્ષિણા’ ત્રામાસિક : ૧૯૬૨]