સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/કવિતા લખવી છે?


કવિતા કેમ આવે છે એની ઘણી વાર કવિને પોતાને પણ ખબર નથી હોતી. લોકો માને છે કે કવિતા પ્રેરણાથી આવે છે. પ્રેરણાથી આવેલું જે કાંઈ હોય તે ઉત્તમ જ હોય, એવું નથી. જે આવે તેને આવવા દેવું. પણ કાવ્ય આવ્યા પછી જાણે કે એ બીજાની કૃતિ હોય એમ એને જોવી જોઈએ અને પછી જે શબ્દો કાવ્યમાં મૂક્યા છે તેમાં ઔચિત્ય છે કે નહીં તે જોવું જોઈએ. કોઈ પણ કાવ્ય તમે પૂરું કરો છો એ હંમેશાં પૂર્ણ નથી હોતું. બહુ બહુ તો એની ગતિ પૂર્ણતા તરફની હોય તો હોય. કવિતા પ્રગટે પછી કવિતાએ જીવવાનું છે પોતાના જ પગ પર. એના જન્મ પછી કવિતા અને કવિ વચ્ચેની જનનનાળ કપાઈ જાય છે. કવિતાએ જીવવાનું છે વહી જતા કાળમાં. ભલભલા કવિઓનાં કાવ્યો એમના કાવ્યસંગ્રહોના કબ્રસ્તાનમાં કાયમને માટે દટાઈ ગયાં હોય છે. જાહેર મંચ પર કાવ્ય વાંચીએ છીએ ત્યારે કવિતા તાળીઓના ગડગડાટથી બહેરી થઈ જાય છે. કેટલી નિષ્ફળ કવિતાને અંતે એક સફળ કવિતા પ્રગટ થતી હોય છે! કવિએ નિંદા, સ્તુતિ અને અવજ્ઞાથી પર થવું જોઈએ. કવિ કવિતા લખે પછી એને પોતાની કવિતાથી છૂટાં પડતાં પણ આવડવું જોઈએ.

કવિ થવાની સજ્જતા વિશેનું એક કાવ્ય જોઈએ:
તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?
—તો લખો.
તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?
—તો લખો.
તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતા આવડે છે?
—તો લખો.
તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?
—તો લખો.
તમને આંખમાં આવેલાં વાદળને નહીં વરસાવતાં આવડે છે?
—તો લખો.
તમને મેઘધનુષની સૂકી ધરતી પર વાવતાં આવડે છે?
—તો લખો.
તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે?
—તો લખો.
તમને તમારાથી પણ છૂટા પડતાં આવડે છે?
—તો લખો.
તમને કંઈ પણ આવડતું નાથી,
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે?
—તો લખો.

[‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]