સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/ત્યારે કરીશું શું?


તોલ્સતોયે આ પ્રશ્ન ફરીફરી પૂછયો હતો : “ત્યારે આપણે કરીશું શું?” જે વિચારપૂર્વક જીવે છે, તેને તો આ પ્રશ્ન થવાનો જ. ‘સંપૂર્ણ ક્રાંતિ’ શબ્દ આપણને જયપ્રકાશે આપ્યો છે. પણ એક સંજ્ઞા કાંઈ તિલસ્માતી કામ આપી શકે નહીં. એમાં પ્રાણ પૂરવાનું કામ લોકહિતૈષી કાર્યકરોનું છે. તો ક્યાં છે એ લોકહિતૈષી કાર્યકરો? મોટા ભાગના યુવાનોની શક્તિ આજે વેડફાઈ રહી છે. દેશની સમસ્યાઓથી બેખબર, ભાવિ પરત્વે ઉદાસીન, પ્રજા સાથેના કશા સંબંધ-તંતુ વિનાના, કેવળ ઘરેડમાં પડી રહેનારા, જીવવાની પડેલી ટેવની ટેકણલાકડીએ ચાલનારા આ જુવાનોને ઊભા કરી દેનારું કોઈ બળ આજે દેશમાં રહ્યું છે ખરું? વિદ્યાપીઠોનો દેશમાં ખાસ્સો ઉકરડો થયો છે. એમાં દિશાસૂઝ વગરના, પ્રયોગ કરવાની દાનત વગરના લોકો ભેગા થયા છે. વિચાર કરવાની અનિવાર્યતા ત્યાંથી સમજાવી જોઈએ, તેને બદલે એના એ માળખામાં રહીને અભ્યાસક્રમો ઘડયે રાખવા, તંત્રાને અટપટું બનાવીને વિદ્યાપ્રાપ્તિ આડે અંતરાય ઊભા કરવા અને આખરે બીબાંઢાળ શિક્ષણ આપી છૂટવું — આ કારણે વચમાં તો આશા બંધાયેલી કે યુવાનો પોતે જ કોઈ નવી શિક્ષણવ્યવસ્થા સ્થાપવા માટેનું આંદોલન ઊભું કરશે. પણ દુર્ભાગ્યે થોડાં છમકલાં સિવાય બીજા કશામાં યુવાનોને રસ નહોતો. આટલી બધી વિદ્યાપીઠો છતાં યુવાનોનો મોટો વર્ગ હજી તો ઉચ્ચ શિક્ષણ પામી જ શકતો નથી. વળી આ શિક્ષણ એવા વર્ગમાં પહોંચે છે, જ્યાંથી એનું પ્રસરણ સમાજના અન્ય સ્તરો સુધી થતું નથી અને વિદ્યાપીઠમાંથી ડિગ્રી મેળવ્યા છતાં જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયામાંથી પસાર ન થનારો એવો નવો ડિગ્રીધારી અશિક્ષિત વર્ગ ઊભો થતો જાય છે. જેને જ્ઞાનની જરૂર ન હોય, જ્ઞાન પામવા માટેની માનસિક સજ્જતા જેનામાં ન હોય, તેમની પાછળ સમાજ ધન અને શ્રમ વેડફતો રહે છે. તો યુવાનો, આખરે કરે છે શું? જવાબદારીના ભાન વિનાનો થોડો ગાળો વિદ્યાપીઠોમાં સુખપૂર્વક ગાળવા માટે આવે છે. એમના અભ્યાસ દરમ્યાન કશી વિચારસરણી એ કેળવતા નથી, જીવનાભિમુખ પણ થઈ શકતા નથી. જ્ઞાનપ્રાપ્તિની કંટાળાભરેલી પ્રક્રિયામાંથી બહાર નીકળી જઈને કૃત્રામ ઉત્તેજનામાં સુખ શોધવાનો મરણિયો પ્રયત્ન એ કરે છે. પછી આ પરિસ્થિતિ એમને કોઠે પડી જાય છે અને એક વિષચક્રમાં એ પૂરેપૂરા ફસાઈ જાય છે. આ જ ગાળામાં કેટલીક રાજકીય પ્રવૃત્તિઓ એમનું ધ્યાન ખેંચે છે. થોડાક ઉદ્દામવાદી વિચારણા તરફ વળીને અરાજકતા લાવવાના હિંસક ઉપાયો વિશે વિચારવા માંડે છે. એ વિચારવાનું પૂરું ન થયું હોય ત્યાં તો એ વિદ્યાપીઠની બહાર ફેંકાઈ જાય છે. પછી એમને માટે તૈયાર રહેલા વ્યવસાયના ચોકઠામાં એ બંધબેસતા થઈ જાય છે. પછી તો ક્રાંતિની વાતો કરવાની પણ ફુરસદ રહેતી નથી. થોડાક જુવાનો ધર્માચાર્યો તરફ વળે છે. મોટે ભાગે જીવનસંઘર્ષ ટાળવાની એ એક તદબીર જ હોય છે. કેટલાકને સર્વોદયની પ્રાપ્તિ આકર્ષે છે. થોડા વખત પૂરતો એ શોખ પૂરો કરીને પાછા એના એ રેઢિયાળ માર્ગે તેઓ પાછા વળી જાય છે. કશું જ જાણે ઊંડાં મૂળ નાખતું નથી. રાષ્ટ્રહિતની કશી પ્રવૃત્તિને સંગીન ભૂમિકા પ્રાપ્ત થતી નથી. યુવાશક્તિનો સ્રોત વિપથગામી બનીને એનાથી દૂર વહીને વેડફાઈ જાય છે. રૂઢ વિચારોની પકડ આપણા ઉપર ઘણી છે. સહીસલામતી અને પશુસુખની માયા ઘણી છે. જે કશું સાહસપૂર્વક કરવાનું આવે, તેમાંથી ગણતરીપૂર્વક પીછેહઠ કરી જવાનું વલણ દેખાય છે. રાજકારણનું વાતાવરણ યુવાનોમાં અનિષ્ટ પ્રકારની મહત્ત્વાકાંક્ષાઓ બહેકાવે છે. ઊંડી જ્ઞાનનિષ્ઠા, માનવતા કે ભાવિનું નિર્માણ કરવાનો ઉત્સાહ હવે દેખાતાં નથી. આને પરિણામે, અંતરાત્મા વિનાનો, કશા પણ ચિંતનથી દૂર ભાગનારો, કોઈ પણ સરમુખત્યારની કદમબોસી કરવા તત્પર, સાંકડા સ્વાર્થની સિદ્ધિમાં જ રચ્યોપચ્યો, જીવન પ્રત્યે ઉદાસીન એવો વર્ગ વધતો જાય છે. આ વર્ગને માટે આપણી સાંસ્કૃતિક સિદ્ધિઓ, આપણા ચિંતકોએ વારસામાં આપેલી સૂક્ષ્મ વિચારણાઓ — આ બધાંનું કશું મૂલ્ય જ રહેતું નથી. માનવસંબંધોની કોઈ દૃઢ ભૂમિકા નથી. સંસ્થાઓનાં ચોકઠાંઓમાં માનવી સલામતી શોધતો ભરાઈ જાય છે. વિદ્રોહની પરિસ્થિતિ ઊભી થઈ હોવા છતાં એ કાર્ય ઉપાડી લેનારું કોઈ રહ્યું નથી. પ્રવાહપતિતની દશામાં મોટો જનસમૂહ તણાતો જાય છે. [‘જનસત્તા’ દૈનિક : ૧૯૭૮]