સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/ભ્રાંતિ

Revision as of 07:34, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિદ્યાપીઠોથી જ્ઞાન વધે છે, એવી ભ્રાંતિ તો હવે આપણામાંના કોઈ પ્રામાણિકપણે સેવી શકે નહીં. કાગળ પર બધું મોટું મોટું બતાવવાની કુનેહ રીઢા થઈ ગયેલા તંત્રવાહકોમાં હોય છે ખરી, પણ વાસ્તવમાં એવું કશું હોતું નથી. અનેક સામયિકો, પુસ્તકપ્રકાશનની શ્રેણીઓ, સંવિવાદો, ફાઉન્ડેશનનાં વ્યાખ્યાનો—આ બધું જ છે; છતાં એમાંથી કશું સંગીન નીપજતું નથી જેનો પ્રભાવ વિદ્યાક્ષેત્ર પર અસરકારક રીતે પડ્યો હોય. ગરીબ દેશનાં નાણાંનો અક્ષમ્ય એવો અપવ્યય આવી બધી ઔપચારિક વિધિઓમાં થતો રહે છે. વિદ્યાર્થીઓને પણ પ્રાપ્ત થયેલું ‘જ્ઞાન’ કાર્યકર નીવડતું નથી. છતાં એ ‘જ્ઞાન’ પ્રાપ્ત કર્યાનો સિક્કો મેળવવા એની જિંદગીનાં કેટલાંક મહત્ત્વનાં વર્ષો એ ખરચતો હોય છે. પરિવર્તન લાવવાની પ્રક્રિયા અમલદારશાહીને કારણે નાહકની જટિલ અને અસહ્ય રીતે મંદ હોય છે. આને કારણે ધીમે ધીમે નિષ્ક્રિયતાભરી ઉદાસીનતા જ વધતી રહે છે. એનો ગેરલાભ ઉઠાવનારાં બળો ટાંપીને જ બેઠાં હોય છે. હિંસાનો ઉદ્ગમ એમાં જ રહેલો છે. વિદ્યાર્થીઓને હવે થાબડી થાબડીને ‘ફોર્થ પાવર’રૂપે આગળ લાવવામાં આવ્યા છે. અનુકૂળ થઈ પડ્યું છે, ત્યારે ત્યારે અમુક રાજકીય પક્ષોએ વિદ્યાર્થીઓને આગળ કરીને પોતાનું કામ કઢાવી લીધું છે. આથી અરાજકતા વધતી જાય છે. વિદ્યાર્થીઓ પોતાની ગેરવાજબી માગણીઓને પણ ધાકધમકીથી સત્તાવાળાઓ પાસે કબૂલ કરાવતા થઈ ગયા છે. જે ક્ષેત્રમાં બુદ્ધિનું, વિચારસ્વાતંત્ર્યનું ગૌરવ થવું જોઈએ તે ક્ષેત્રમાં વકરેલાં પશુબળને છુટ્ટો દોર આપવામાં આવતો જોઈએ છીએ. [‘વિદ્યાવિનાશને માર્ગે’ પુસ્તક]