સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સૈયદ મુજતબા અલી/અત્યાચાર-વિરોધી સભા


ચીનના હાલના પાટનગર બેઈજિંગનું નામ જ્યારે પેપિંગ હતું ત્યારની વાત છે. પત્નીઓના અત્યાચારથી ત્રાસેલા પુરુષોની એક વિરાટ સભા ત્યાં બોલાવવામાં આવેલી. કર્કશા ઘરવાળીઓના પંજામાંથી પુરુષોને બચાવવા માટે તેનું આયોજન થયેલું. સાઠ-સાઠ વર્ષ સુધી પત્નીનો ત્રાસ વેઠી ચૂકેલા એક દાઢીવાળા મહાશય સભાના પ્રમુખસ્થાને હતા. એક પછી એક વક્તા બુલંદ અવાજે સ્ત્રીઓના અત્યાચારોની નિંદા કલાકો સુધી કરતા રહ્યા : ચીનનું સત્યાનાશ થવા બેઠું છે; તન, મન, ધન અને પ્રાણ સુધ્ધાં હોમીને દેશને આવા પતનમાંથી બહાર કાઢવો જ જોઈએ; આવો, આપણે સહુ સાથે મળીને...... એ જ ક્ષણે સભાખંડનો દરવાન શ્વાસભર્યો દોડી આવ્યો; મંચ પર ચડીને એણે જાહેરાત કરી કે નગરની સ્ત્રીઓને આ સભા વિશે જાણકારી મળી એટલે એ સહુ હાથમાં ઝાડુ, જોડા, ભાંગેલી છત્રીના દાંડા, લાકડી વગેરે શસ્ત્રોથી સજ્જ થઈને સભાસ્થાન ભણી આવી રહી છે...... આટલા શબ્દો કાને પડતાંની સાથે સભાજનો ઊંધું ઘાલીને નાસવા લાગ્યા. કોઈ પાછલે બારણેથી ભાગ્યો, તો કોઈ નરવીરે બારીમાંથી હનુમાન-કૂદકો માર્યો. ત્રાણ સેકંડમાં તો સભાખંડમાં સૂનકાર વ્યાપી ગયો. માત્રા સભાપતિ અવિચલિત થઈ બેઠા હતા : દરવાન એમની સન્મુખ જઈને બોલ્યો : “નામદાર, આપે જે સાહસ બતાવ્યું છે તેની સામે તો ચંગીઝખાને પણ ઝૂકી જવું પડે. પરંતુ મુજ ગરીબનું માનો તો આ કાંઈ સાહસ ન કહેવાય — આ તો સદંતર આત્મહત્યા જ છે. કારણ, હજૂર, જે નારીસમૂહ ચાલ્યો આવે છે તેને મોખરે ખુદ આપનાં પત્ની છે.” પોતે આટલું જણાવ્યા છતાં સભાપતિ ન હાલ્યા કે ચાલ્યા, એટલે દરવાન તેમનું બાવડું ઝાલીને ઊભા કરવા ગયો, ત્યારે એને ભાન થયું કે એ શરીર ટાઢુંબોળ થઈ ગયેલું હતું. પેલી જાહેરાત સાંભળતાંની સાથે જ એમની છાતીનાં પાટિયાં બેસી ગયેલાં. (અનુ. સુકન્યા ઝવેરી)