સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સોમાભાઈ ભાવસાર/વાદળગાડી



વાદળની તો ગાડી કીધી,
વીજળીનું એંજિન કીધું;
તારલિયાનું લશ્કર બેઠું
ડબ્બામાં સીધેસીધું.

વીજળીએ વીસલ કીધી ને
ગાડી ઊપડી ગડ-ગડ-ગડ!
મોં મલક્યાં ચાંદા-સૂરજનાં,
હસિયા બન્ને ખડ-ખડ-ખડ!

ડુંગર કૂદતી, ખીણો ખૂંદતી
ગાડી તો ચાલ્યા કરતી,
દેશદેશનાં શહેરો પરથી
દુનિયાની ચોગરદમ ફરતી....

આભ અડીને ઊંચે ઊભો
હિમાલય આવે સામો!
ગાડી તો ગભરાઈ જઈને
નાખે એને ત્યાં ધામો!

ચાંદો ઊતરે, સૂરજ ઊતરે,
ઊતરે તારલિયાનાં દળ;
ખસેડવા હિમાલયને સૌ
ચોગરદમથી કરતાં બળ.

ખસે તસુ ના હિમાલય પણ,
પડતાં સૌ વિમાસણમાં;
છૂટું પડતું વીજળી-એંજિન,
વીખરાતાં વાદળ ક્ષણમાં!

ચાંદો ભાગે પશ્ચિમ દેશે,
સૂરજ ભાગે પૂર્વ દેશ;
તારલિયા આભે સંતાતા
મૂકીને લશ્કરનો વેશ!