સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી વિવેકાનંદ/પ્રકાશ ફેલાવો!


કૃષ્ણે ગાયેલી ‘ગીતા’ એ દરેક વ્યક્તિતને માટે છે. આ બધા વેદાંતના વિચારો ગરીબની ઝૂંપડીમાં તેમજ માછલી પકડતા માછીમારની પાસે અને અભ્યાસ કરતા વિદ્યાર્થીની પાસે પહોંચવા જોઈએ. સામાજિક જીવનમાં મારાથી અમુક ફરજ બજાવી શકાય, તમારાથી બીજી; તમે દેશનું રાજ ચલાવી શકો અને હું જૂના જોડા સીવી શકું. પણ એથી કાંઈ તમે મારાથી મોટા બની જતા નથી. તમને મારી પેઠે જોડા સીવતાં ક્યાં આવડે છે? હું જોડા સીવવામાં પારંગત છું, તમે ‘વેદો’નું પારાયણ કરવામાં પારંગત છો; પણ એ કાંઈ એવું કારણ નથી કે એને લીધે તમે મારા માથા પર ચડી બેસી શકો. માછીમારને જો તમે વેદાંત સમજાવશો તો એ બોલી ઊઠવાનો કે “હું તમારા જેવો જ માણસ છું; હું માછીમાર છું. તમે ફિલસૂફ છો; પરંતુ તમારામાં જે ઈશ્વર છે તે જ મારામાં પણ છે.” અને આપણે એ જ ઇચ્છીએ છીએ. કોઈને માટે વિશેષાધિકાર ન હોય; સૌને સમાન તક હોય. દિવ્ય આત્મા દરેકની અંદર રહેલો છે. તમે કોઈને મદદ કરી શકતા જ નથી; તમે માત્ર સેવા કરી શકો છો. તમારી જાતને અહોભાગી માનીને ઈશ્વરનાં સંતાનોની સેવા કરો. એ સેવાનો અધિકાર બીજાઓને ન મળતાં તમને મળ્યો માટે તમે પોતાને ધન્ય માનજો. ગરીબો અને દુ:ખીઓ આપણી મુક્તિતને માટે છે. ઈશ્વરની સેવા કરી શકીએ તે માટે રોગીના, પાગલના રૂપમાં એ આવે છે; રક્તપિત્તિયાના અને પાપીના રૂપમાં! આ બધાં રૂપોમાં ઈશ્વરની સેવા કરવાનું આપણને મળે છે, એ જીવનમાં મોટામાં મોટો લહાવો છે. બીજાઓ ઉપર હકૂમત ચલાવીને તમે કોઈનું ભલું કરી શકો, એ ખ્યાલ સાવ છોડી દેજો. પણ નાના રોપાની બાબતમાં જેટલું તમે કરી શકો, તેટલું જ આ બાબતમાં કરી શકો; ઊગતા બીજને માટે જરૂરી માટી, પાણી, હવા, પ્રકાશ વગેરે આપીને તેના વિકાસમાં મદદ કરી શકો; તેમાંથી તેને જોઈએ તેટલું એ પોતાની મેળે સ્વાભાવિક રીતે જ લઈ લેશે; એને પોતાનામાં સમાવીને તે પોતાની મેળે, સ્વાભાવિક રીતે જ વધશે. જગતમાં બધે પ્રકાશ ફેલાવો. સૌ કોઈને પ્રકાશ મળે એમ કરો. ગરીબોને પ્રકાશ આપો; પણ પૈસાદારોને વધુ પ્રકાશ આપો, કારણ કે તેમને ગરીબો કરતાં એની વિશેષ જરૂર છે. અશિક્ષિતોને પ્રકાશ આપો; પણ સુશિક્ષિતોને વધુ પ્રકાશ આપો, કારણ કે આપણા જમાનામાં શિક્ષણની અહંતા જબરદસ્ત છે! આ પ્રમાણે આપો અને બાકીનું ઈશ્વર પર છોડી દો. કારણ કે ઈશ્વર જ કહે છે કે “તને કર્મ કરવાનો અધિકાર છે, ફળનો નહિ.”